આર્થિક અનામત માટે બીએડ કોલેજોમાં 126 વિદ્યાર્થીઓએ અરજી કરવા છતાં માત્ર 65એ જ પ્રવેશ લીધો

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ૪૬ જેટલી બી.એડ કોલેજોની ૩૭૦૦ બેઠકો પર બે રાઉન્ડમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા પ્રવેશ કાર્યવાહીના પ્રારંભમા આર્થિક અનામત  કેટેગરી લાગુ કરવા માટે મંજુરી આપવામાં આવી ન હોવાના કારણે પ્રવેશ સમિતિ દ્વારા આ બેઠકો ભરવામાં આવી નહોતી.

વિદ્યાર્થીઓએ આ બેઠકો ભરવા માટે ભારે હોબાળો મચાવ્યા છતાં કાઉન્સિલે મંજુરી ન આપી ત્યાસુધી આ બેઠકો ભરવાની પ્રક્રિયા કરવામાં આવી નહોતી. પ્રવેશ સમિતિએ તમામ બેઠકો ભરી દીધા બાદ વિદ્યાર્થીઓએ જે તે કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવી દીધા પછી અચાનક કાઉન્સિલે દરેક કોલેજોમાં ૧૦ ટકા બેઠકો પ્રમાણે આર્થિક અનામત  કેટેગરીની બેઠકો ભરવા આદેશ કર્યો હતો.

બી.એડની પ્રવેશ સમિતિએ આ મંજુરી મળતાની સાથે જ નવેસરથી જાહેરાત આપીને વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ મંગાવવાના શરૂ કરી દીધા હતા. પ્રવેશ સમિતિના સભ્યો કહે છે ૧૦ ટકા પ્રમાણે આર્થિક અનામત  કેટેગરીની કુલ ૩૭૫ બેઠકો ભરવા માટે નવેસરથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બેઠકો પર જે વિદ્યાર્થીઓ પ્રવેશ ઇચ્છતાં હોય તેઓને નવેસરથી રજિસ્ટ્રેશન કરવા જણાવવામાં આવ્યુ હતુ. જેમાં ૧૨૬ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા.

તાજેતરમાં આ કેટેગરીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનુ શરૂ કર્યુ હતુ જેમાં માત્ર ૬૫ વિદ્યાર્થીઓએ આર્થિક અનામત  કેટેગરીમાં પ્રવેશ લીધો હતો. બાકીના વિદ્યાર્થીઓ હાજર રહ્યા નહોતા અથવા તો તેઓએ આ કેટેગરીમાં પ્રવેશ લેવાનુ માંડી વાળ્યુ હતુ. કુલ ૩૭૫ માંથી માત્ર ૬૫ બેઠકો પર વિદ્યાર્થીઓને હાલમાં પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને ફી ભરવા માટે સમયમર્યાદા આપવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે મંગળવાર સુધી ફી ભરવાની સૂચના આપવામા આવી છે. આવતીકાલે કુલ ૬૫માંથી કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરાવે છે તેના આધારે ખાલી બેઠકોની જાહેરાત કરવામાં આવશે.