ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે 10 જાન્યુઆરી 2019માં કેન્દ્રીય રેલ પ્રધાન પર રૂ.200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મુક્યા બાદ તેમના સ્થાને નવી નેતાગીરી ઊભી કરવા માટે દિલ્હીથી નરેન્દ્ર મોદીએ નિર્ણય લઈને કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલને ભાજપમાં લેવા ઝડપ કરી હતી. આમ કેન્દ્રની ભાજપ સરકાર પર ભાજપના જ નેતાએ ભ્રષ્ટાચારના આરોપો મૂકતાં કોંગ્રેસમાંથી નેતાગારી ઉછીની લેવાનું ઓપરેશન હાથ ધરીને આશા પટેલ જે કહે તે શરતો માની લેવામાં આવી હતી. 17 ફેબ્રુઆરી 2019થી ઊંઝા ખાતે રેલ રોકો આંદોલન કરવાની ચીમકી નારણ પટેલે આપી હતી.
આખાબોલા નારણ પટેલે મોદી સરકારને પત્ર લખીને આરોપ મૂક્યો હતો કે, ઉંઝાનું જૂનું રેલવે સ્ટેશન બંધ કરીને નવા રેલવે સ્ટેશન બનાવવાનું નક્કી કરાયું તેમાં નવા સ્ટશન માટેની જમીન ખરીદીમાં રૂ.200 કરોડનું કૌભાંડ થયું છે. 12 જાન્યુઆરી 2019માં આ આરોપ મૂકાયા બાદ તેમનું રાજકારણ નરેન્દ્ર મોદીના વતનના ધારાસભા વિસ્તારમાં ખતમ કરવા માટે નકકી કરી લેવાયું હતું.
લાલ આંખ પસંદ નથી
કૌભાંડની તપાસની માંગની સાથે-સાથે નવીન સ્ટેશને તમામ સગવડો તાત્કાલિક ઊભી નહીં થાય તો આગામી 17મી ફેબ્રુઆરી 2019 પછી રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ભાજપના પૂર્વ ધારાસભ્યે આપી રેલવે સામે લાલ આંખ કરી હતી. જે ભાજપના નેતાઓ સહન કરી શકતા નથી. નારાણ પટેલે કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલને 10 ફેબ્રુઆરી 2019માં પત્ર લખીને ચીમકી આપેલી હતી કે ઊંઝામાં શહેર નજીક જૂના રેલવે સ્ટેશન માટે પુરતી જગ્યા હોવા છતાં કેમ ખસેડવાનું નક્કી કરાયું છે.
ન્યાયિક તપાસ કરો
ઊંઝાનું રેલવે સ્ટેશન નહિ ખસેડવાની ઉગ્ર માંગણી તેમણે વારંવાર કરી હતી. છતાં તેમની વાત કેન્દ્રની ભાજપ સરકારે માની ન હતી. જમીન ખરીદીમાં રૂ.200 કરોડ કરતાં પણ વધુ નાણાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરી પૂર્વ ધારાસભ્યે રેલવે સ્ટેશન માટે જમીન ગ્રહણ તેમજ બાંધકામમાં થયેલ કૌભાંડની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ કરી હતી. નવું સ્ટેશને ખસેડવા શા માટે ઉતાવળ કરવામાં આવી તે તપાસનો મામલો બન્યો છે. નવા સ્ટેશન પર અગવડો વધું છે. મુસાફરો લુંટાયા છે. મુસાફરોની સલામતીનો મામલો ગંભીર બન્યો છે. નવું સ્ટેશને નગરજનોને બધી રીતે પ્રતિકૂળ હોવાથી રેલવેની આવકમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.
સુવિધા વધારવાના બદલે સ્ટેશન જ ખલેડી લીધું
કેન્દ્ર સરકારે આ માટે એવું કારણ આપ્યું હતું કે, મુસાફરોની સુવિધા માટે દિલ્હી અને મુંબઇ વચ્ચે આવેલા ડેડીકેટ ફ્રેઈટ કોરીડોરને (DFC) મહેસાણા અને ઊંઝા રેલ મથકને ખસેડવામાં આવ્યા છે. ઊંઝાના રેલવે સ્ટેશન ખસેડવાના નિર્ણયનો સ્થાનિક વેપારીઓ, રાજકીય આગેવાનો સહિતના લોકો વિરોધ કરી રહ્યાં છે. ઊંઝા સ્ટેશને ડીએફસી સુવિધાની જરૂર છે ત્યારે તંત્રએ આખું સ્ટેશન જ અન્ય વિસ્તારમાં ખસેડવા અકલ્પનીય ઝડપ કરી હતી.
યુવા મોરચો પણ મેદાને
ઊંઝા શહેરમાં આવેલા જુના રેલ મથકને સારું બનાવીને મુસાફરો માટે પુનઃ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. નવા રેલવે સ્ટેશને માલવાહક રેલ ગાડી માટે જ ઉપયોગ કરવાની માંગણી કરાઈ હતી. નવા રેલ મથકન સ્ટોરેજ કોરિડોર માટે જાહેર કરવામાં આવે એવી માંગણી થઈ હતી. સીસીટીવી કેમેરા, પીવાના પાણીની પરબ સહિતની 13 માંગણીઓ સાથે ઊંઝા શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ ભાવેશ પટેલે કેન્દ્રીય રેલમંત્રી સહિત વડાપ્રધાન, મુખ્યમંત્રીને પત્ર લખી લેખિત રજૂઆત કરી હતી. આમ ભાજપના લોકો આંદોલન કરવા તરફ જઈ રહ્યાં હતા.
મોદીએ પણ અન્યાય કર્યો
ઊંઝા વિધાનસભા મત વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન વડનગર આવે છે. મોદીના વતનના જ મત વિસ્તારને અન્યાય થયો છે. ઊંઝાનું નવું રેલવે સ્ટેશન ત્રણ કિલોમીટર દુર જતા ટીકીટ રિઝર્વેશન અને આવવા જવા અંગે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ઊંઝા વિસ્તારને વર્ષોથી રેલવેની સગવડો બાબતે અન્યાય થઈ રહ્યો છે. તેમાં સ્ટેશનને દૂર ખસેડવા માટે ખુદ નરેન્દ્ર મોદીએ પણ અન્યાય કર્યો છે. ઊંઝાથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેનો પૈકીની માંડ 10 ટકા રેલ ઊભી રહે છે. બાકીની 90 ટકા ટ્રેનોનો કોઈ લાભ મળતો નથી. રેલવે સ્ટેશન દૂર ખસેડીને ભાજપની સરકારે ઊંઝાને અન્યાય કર્યો હોવાની વાત નારણ પટેલે કહી અને આંદોલન કરવાની ચીમકી આપી હતી.
(દિલીપ પટેલ)