અમદાવાદ, તા. 27
મૂળ રૂપાલ ગામના વતની અને પોતાને રૂપાલની જોગણી અને ઢબૂડીમાતા તરીકે ઓળખાવતા ઠગ ઘનજી ઓડના કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ ચમત્કાર દ્વારા મટાડી દેવાનો દાવો કરવામાં આવતો હતો, જેની ઉપર ભરોસો કરી સુરતમાં રહેતા ભીખાઈ માળીયાએ પોતાના કેન્સરગ્રસ્ત પુત્રની દવા બંધ કરાવી માત્ર ઢબૂડી માતા ઉપર ભરોસો કરવાની ભૂલ કરી જેના કારણે દવાના અભાવે તેમણે પોતાનો પુત્ર ગુમાવવો પડયો હતો, હવે જયારે ઢબૂડી માતાના કૌભાંડ બહાર આવતા તેમણે બોટાદ પોલીસમાં ઢબૂડી માતા સામે ફરિયાદ નોંધાવી છે.
માતાના ભક્તે દર્દીના પરિવારનો સંપર્ક કર્યો
મૂળ ગઢડાના વતની અને સુરતમાં સ્થાઈ થયેલા ભીખા માળીયાના 22 વર્ષના પુત્રને કેન્સરની બીમારી લાગુ પડતા તે પથારીવશ થઈ ગયો હતો. 2016માં ઢબૂડી માતાના ભકત દ્વારા ભીખાભાઈનો સંપર્ક કરી કહેવાયું હતું કે ઢબૂડી માતા દવા વગર માણસો સાજા કરે છે. જેના કારણે ભીખાભાઈ પોતાના પુત્ર અલ્પેશના જીવની આશાએ રૂપાલ આવ્યા હતા. ઢબૂડી માતાએ અલ્પેશને લઈ આવવા જણાવ્યું હતું પરંતુ અલ્પેશ પથારીવશ હોવાને કારણે તેને સુરતથી રૂપાલ લાવવો શકય નથી તેમ કહેતા ઢબૂડી માતાએ માત્ર તેના ફોટા ઉપર વિધિ કરી તેને સાજો કરી દઈશ તેવો દાવો કર્યો હતો.
દર્દીનો ફોટો મગાવીને દર્દ દૂર કરવાનો દાવો
આથી ભીખાભાઈએ અલ્પેશના ફોટો સાથે ઢબૂડી માતાના દરબારમાં ગયા હતા અને માતાએ ફોટા ઉપર વિધિ કરી કહ્યું હતું કે હવે અલ્પેશની તમામ દવાઓ બંધ કરાવી દો, આથી ભીખાભાઈએ પુછયું હતું કે દવા વગર અલ્પેશ કેવી રીતે સાજો થાય, તો માતાએ દાવો કર્યો હતો કે અહિંયા મડદા પણ દોડતા થઈ જાય છે, એટલે દવા બંધ કરી તેમણે કહેલી વિધિ માત્ર કરવાની રહેશે. આમ ભીખાભાઈ માતાની વાતમાં આવી ગયા અને તેમણે અલ્પેશની દવા બંધ કરી જેના કારણે સ્થિતિ બગડવા લાગી હતી. ભીખાભાઈએ માતાને અલ્પેશની સ્થિતિની જાણ કરતા તેમણે કહ્યું કે વિશ્વાસ રાખો તે દવા વગર જ ઊભો થઈ જશે, પણ તેવું થયું નહીં અને અલ્પેશનું મોત નિપજયું હતું. આમ એકનો એક પુત્ર ગુમાવતા ભીખાભાઈ હતપ્રત થઈ ગયા અને સુરત છોડી પોતાના વતન ગઢડા આવી ગયા હતા.
આમ આ પ્રકારે અનેક લોકોને ઢબૂડી માતાએ કહેવાતા ચમત્કારના નામે મુરખ બનાવ્યા છે. પણ હમણાં સુધી પોતે મુરખ બન્યા છે તેવી કહેવાની હિંમત કોઈ કરતા નહતા. હવે સૌથી પહેલી પોલીસ ફરિયાદ કરવાની હિંમત ભીખાભાઈ માળીયાએ કરી છે. ભીખાભાઈ માળીયાએ કહ્યું કે ઢબૂડી માતાની ચોક્કસ ટોળી છે જે ગરીબોને નિશાન બનાવે છે. હું એટલા માટે ફરિયાદ કરી રહ્યો છું કે મારી જેમ કોઈને પોતાનો પુત્ર ગુમાવવો ન પડે.
માતા ખૂલ્લા મોઢે કેમ જવાબ નથી આપતા?
રામજીની વાડી બુડીયા ગામ સચીન મગદલ્લા રોડ, સુરત ખાતે ઢબૂડી માતાની સવારીનો કાર્યક્રમ 18 ઓગષ્ટે રાખવામાં આવ્યો હતો. લોકોના દુઃખ દર્દો દૂર કરવાનો દાવો કરતા ધમસી ઓડ નામની વ્યક્તિને કોઈ ઢબૂડી માતા આવતા નથી. માથે ઓઢીને ધૂણતા ધમસી ઓડ માતાજીના આશીર્વાદ આપવાના બહાને લોકોની ધાર્મિક લાગણીની સાથે ચેડાં કરી પૈસા કમાવાનો ધંધો શરૂ કર્યો છે. તેઓ મોઢું ઢાંકીને જ આશીર્વાદ શા માટે આપે છે? ખુલ્લા મોઢે કેમ જવાબ આપતા નથી?
ઢબૂડી માને સત્યશોધક સભાનો પડકાર
ઢબૂડી માતાને નામે ધૂણતા ઓડ ભાઈને સત્યશોધક સભાએ પડકાર આપ્યો કે તેઓ સત્યશોધક સભા-સુરત, વિજ્ઞાન જાથા -રાજકોટ અને ગુજરાત મુંબઈ એસોશિયેશન-મુંબઈ જેવી અંધશ્રદ્ધા નિવારણ સંસ્થાની સામે આવે અને પોતાને માતાજીની સવારી આવે તે સાબિત કરી બતાવે તો સંસ્થાઓ તેમનું વાજતે-ગાજતે વરઘોડો કાઢીને સન્માન કરીશું. જો માતાજી આવવા તૈયાર હોય તો કાર્યક્રમનું તમામ આયોજન સત્યશોધક સભા કરી આપશે. અને જો માતાજી પડકાર ઝીલવા તૈયાર ન હોય તો સમજી શકાય છે કે માતાજીના નામે ઢોંગ કરી લોકોને અંધશ્રદ્ધામાં રાખવા માટે નાટક કરે છે લોકો ને નમ્ર અપીલ છે કે આવા ઢોંગી લોકોથી સાવધાન રહી અંધશ્રદ્ધામાં ફસાવવું નહીં.