જે બહેને અઢી વર્ષથી પોતાના ઘરમાં આશરો આપ્યો તે જ બહેનની 15 વર્ષની પુત્રીનું અપહરણ કરી સતત 23 દિવસ સુધી દુષ્કર્મ આચરનારા સગા મામાની મહેસાણા તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
ભુપતજી ગંભીરજી ઠાકોર (40)ને અઢી વર્ષ અગાઉ મિત્રની પત્નીના મુદ્દે થયેલા વિવાદને કારણે ગામ છોડવાનો વારો આવતાં તેની બહેને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. ભુપતજીએ સગી બહેનની 6 પુત્રીઓ પૈકી ધો-9માં અભ્યાસ કરતી ભાણી પર નજર બગાડી હતી અને ગત 20 જુલાઇએ બહેન-બનેવીની ગેરહાજરીમાં ઘરમાં ભાણીને બહાર જઇને આવીએ કહીને લઇ ગયો હતો.
સાંજે ઘરે પરત ફરતાં તેમની સગીર પુત્રી ઘરે ન જોતાં દંપતી મહેસાણા તાલુકા પોલીસમાં પહોંચી પુત્રીના અપહરણ અને પોક્સો અંતર્ગત ફરિયાદ આપી હતી. જે દરમિયાન ભુપતજી ઠાકોર વિજાપુરના સુંદરપુર ગામે હોવાની બાતમી મળતાં મહેસાણા તાલુકા પીઆઇ દેસાઇએ તેની કિશોરી સાથે ધરપકડ કરી મામા અને ભાણીની મેડિકલની કાર્યવાહી હાથ ધરી હતી.
પુત્રી સાથે સગા ભાઇએ આચરેલા દુષ્કર્મને પગલે ભાંગી પડેલી મહિલા બોલી ઉઠી હતી કે, આવો ભાઇ ભગવાન કોઇને ના આપે. હોસ્પિટલના બિછાને પુત્રી સાથે બેઠેલી મહિલાએ કહ્યું કે, મેં તેને તકલીફના સમયમાં આશરો આપ્યો અને તેણે જ મારી દીકરીની જીંદગી ખરાબ કરી નાખી. તેને સજા કરાવીને જ રહીશ.
ભાણીને ભગાડી જનારો ભુપતજી સૌપ્રથમ તેને એક દવાખાનામાં રાખી હતી અને ત્યાંથી ફુદેડા લઇ જઇ સાથે મજૂરીકામે લઇ જતો હતો. કિશોરીના કહેવા મુજબ મામા જ્યારે પણ નજીક આવે ત્યારે ખૂબ રડતી હતી અને તમે મારા મામા છો આવું ના કરો તેમ કહેતી છતાં તેઓ મને હેરાન કરતા હતા. અવાર નવાર મંદિરમાં લગ્ન કરી લેવાની વાત કરતા હતા. આસપાસની વ્યક્તિઓ સાથે વાતચીત કરતાં પણ ડર લાગતો હતો તો પછી પિતા સાથે મોબાઇલ પર વાત તો કેવી રીતે કરી શકું, એમ પીડિતાએ કહ્યું હતું.