આસી.કમીશ્નર ની જગ્યા માટે જાહેર કરવામાં આવેલી લાયકાત, લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુ સુધીની પ્રક્રિયામાં વિવાદ

અમદાવાદ,તા:06
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રપ આસી. મ્યુનિસિપલ કમીશ્નરની ભરતી પ્રક્રિયા સોમવારે પૂર્ણ થઈ છે. મ્યુનિ.કમીશ્નર અને શાસકો માટે ભલે ભરતી પ્રક્રિયા પુરી થઈ હોય પરંતુ તેની પધ્ધતિ સામે અનેક સવાલો શરૂ થયા છે. આસી.કમીશ્નર ની જગ્યા માટે જાહેર કરવામાં આવેલી લાયકાત, લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુ સુધીની પ્રક્રિયા વિવાદમાં રહી છે.

લાયકાત અને ભરતી પ્રક્રિયામાં સુધારો કરવા વ્યાપક માંગણી

આ મામલે મ્યુનિ.કમીશ્નર વધુ એક વખત શાસકોના માથે ઠીકરો ફોડવામાં સફળ થયા છે. પરંતુ મ્યુનિ. કમીશ્નરને છેલ્લા દિવસ સુધી પારદર્શિતાની દુહાઈ આપવાની ફરજ પડી છે.તે બાબત પણ નકારી શકાય તેમ નથી ! આસી.કમીશ્નરની ભરતી પસંદગીમાં ખોટું થયુ હોવાના આક્ષેપ હજી સુધી થઈ રહયા છે. સાથે-સાથે મનપામાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓના ભાવિ પર પ્રશ્નાર્થ લાગી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

કોગ્રેસના પ્રવકતા બદરૂદીન શેખે પણ ઈન્ટરવ્યુ અગાઉ જે નામો જાહેર કર્યા હતા તે પૈકી મોટાભાગ ના ઉમેદવારો પસંદ થયા છે. તેથી આસી.મ્યુનિ. કમીશ્નર ની ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગરબડ થઈ હોવાની શકયતા નકારી શકાય તેમ નથી ! સોમવારે સ્ટાફ સિલેકશન કમીટી સમક્ષ ઉમેદવારોની યાદી રજુ કરતા પહેલા શુક્રવાર અને શનિવારે ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આસી. કમીશ્નરની ભરતી પ્રક્રિયા મામલે કોંગ્રેસ દ્વારા કમીશ્નર સામે શંકાની સોથ તાકવામાં આવી હતી.

મ્યુનિ.કમીશ્નરે “નકકી કરેલા” ઉમેદવારો ની યાદીને સ્ટાફ સીલેકશન કમીટીએ મંજૂરીની મ્હોર લગાવ્યા બાદ રપ આસી. મ્યુનિ.કમીશ્નર અધિકારીઓની સીટ કન્ફર્મ થઈ ગઈ છે. મનપામાં થયેલ ભરતીમાં ૧પ ઉમેદવારો આંતરીક અને ૧૦ ઉમેદવારો બહારથી પસંદગી કરવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યા મુજબ રપ પૈકી લગભગ ર૦ નામો અગાઉથી જ નિશ્ચિત જ હતા.

મ્યુનિ.કોર્પોરેશન આસી.કમીશ્નર માટે જે યોગ્યતાનો અમલ કર્યો છે. તે પણ વિવાદનું કારણ બની છે. કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે પાંચ વર્ષનો વહીવટી અનુભવ ફરજીયાત રાખવામાં આવ્યો છે. જયારે બહાર ના ઉમેદવારો માટે અનુભવને મહત્વ આપવામાં આવ્યું નથી. મતલબ કે ર૦ વર્ષનો ફર્સ્ટકલાસ ગ્રેજયુએટ કોઈપણ અનુભવ વિના માત્ર “ભલામણ” ના આધારે ર૦ વર્ષથી ફરજ બજાવતા અધિકારીના સાહેબ બની જશે !

ચોકાવનારી બાબત એ છે કે આ નવા “સાહેબો” તેમના હાથ નીચે કામ કરનાર અધિકારીઓના પાસેથી વહીવટી તાલીમ મેળવશે ! મ્યુનિ. કોર્પોરેશનમાં જે તે સમયે એમસીકયુ (લેખિત પરીક્ષા) ને મહત્વ આપવામાં આવ્યું હતું. તે સમયના સંજાગોના આધારે શાસકો અને વહીવટીતંત્ર એ ભરતી પ્રક્રિયા અને લાયકાત નકકી કર્યા હતા.

મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોએ વધુમાં કહ્યું હતું કે મ્યુનિ. કોર્પોરેશનમાં ર૦૦૯ની સાલથી લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુ માટે આઈઆઈએમના પ્રોફેસરની મદદ લેવામાં આવે છે. ર૦૦૯માં ડે.મ્યુનિ. કમીશ્નર અને આસી.મ્યુનિ. કમીશ્નર ની ભરતી માટે પણ આઈઆઈએમના પ્રોફેસરે જ ઈન્ટરવ્યુ લીધા હતા. એ અલગ બાબત છે કે તમામ ઈન્ટરવ્યુ સમયે એકમાત્ર પ્રોફેસર બૈજુ ને જ બોલાવવામાં આવે છે !

આસી.કમીશ્નર માટે જે ૧પ ઉમેદવારોની આંતરિક ભરતી થઈ છે. તેમાં પાંચ જેટલા ઉમેદવારો માત્ર એક જ વિભાગમાં કામ કરતા હતા. નોંધનીય છે કે આ વિભાગને “કમીશ્નર”ની પસંદગીનો વિભાગ માનવામાં આવે છે. જેમાં છેલ્લા દોઢ વર્ષે દરમ્યાન અબજા રૂપિયા ખર્ચ પણ થયા છે. પરંતુ કામો માત્ર “પારદર્શક” ભરતી જેવા જ રહયા છે. તેવા કટાક્ષ પણ મ્યુનિ. ભવનમાં થઈ રહયા છે.