અમદાવાદ,તા.02
અમદાવાદના જમાલપુરના લોલવાલ પીપલી વિસ્તારમાં આવેલી શાળાઓની જર્જરીત હાલત સામે આવી છે. મહાનગર પાલિકા સંચાલિત આ શાળાની હાલત જોઈએ ત્યારે અહી બાળકો કેવી રીતે ભણી શકતા હશે તેવો પ્રશ્ન થઈ આવે.
શાળા નંબર 1-2ની શું છે હાલત?
જમાલપુર વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળા નં 1-2 ની ઈમારતમાં સિમેન્ટના પોપડા બાજી ગયેલા જોવા મળે છે, બારીઓ કોઈ જોરદાર પવનના ઝટકા સાથે પડવાની રાહ જોઈ રહી છે ઉપરાંત અહી શૌચાલયની હાલત પણ ખરાબ અને અસ્વચ્છ જોવા મળે છે. શાળાના આંગણામાં પણ ગંદકીનો ઢગલો જોવા મળે છે.
શાળા નંબર 7-8ની શું છે હાલત?
જમાલપુરના લોલવાલ પીપલી વિસ્તારમાં શાળા નં 7-8 (સ્થાનિક લોકો અનુસાર)જેમાં પીવાની પાણીનુ કુલર મુકવામાં આવ્યુ હતુ જે પાછળથી કાઢી નાખવામાં આવ્યુ આથી બાળકો અસ્વચ્છ પાણી પીવા મજબુર બન્યા છે. શાળાની સામે તિવ્ર દુર્ગંધ મારતો કચરાનો ઢગલો છે વારંવાર રજુઆત કરવા છતા તેનો નિકાલ કરવામાં નથી આવી રહ્યો. બાળકોનું ભવિષ્ય ઘડતી આ મનપા સંચાલિત આ શાળાઓમાં પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
શાળા નંબર 16ની શું છે હાલત?
જમાલપુરના લોલવાલ પીપલી વિસ્તારમાં આવેલી જમાલપુર ગુજરાતી શાળા નંબર 16 જેમાં પ્રવેશવામાં માટે દોઢ ફૂટથી પણ નાની સીડી છે , અહી સીસીટીવી છે પરંતુ પાણીની પૂરતી વ્યવસ્થા નથી. છતમાંથી પાણી ટપકે છે. જેમાં શ્વાસ લેવુ પણ મુશ્કેલ બને એવા હવાઉજાસ રહિત વર્ગખંડો આ શાળામાં આવેલા છે
સ્થાનિકોના અનુસાર આ શાળા 70 વર્ષ કરતા પણ જુની છે. આ શાળાની ઈમારતા ધરશાયી થવા માટે જાણે કોઈ ઝટકાની રાહ જોઈ રહી હોય તેવુ પ્રથમ દ્રષ્ટિએ પ્રતિત થાય છે ત્યારે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા અમપા તંત્ર આ શાળાનું રિનોવેશન કરે તે જરુરી છે.