ઇન્ડો -કોરિયન કોન્ફરન્સમાં કુલપતિ હિમાંશુ પંડ્યાની કિચન કેબિનેટે હાજરી આપી

ગુજરાત યુનિ.ની બહુચર્ચિત ઇન્ડો-કોરિયન આંતરરાષ્ટ્રીય કોન્ફન્સની વાસ્તવિક્તા..

અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ દિવસથી કોરિયન સાથે એક આંતરાષ્ટ્રીય કોન્ફરન્સ ચાલી રહી છે. આ કોન્ફરસમાં યુનિવર્સિટીના કુલપતિએ જોરદાર પબ્લીસીટી મેળવવા પ્રયાસો કર્યો હતો. વાસ્તવિક્તા એ છે કે આ પરિષદના ફળ સ્વરૃપ યુનિવર્સિટીને કશુ મળ્યુ નથી. ખાયા પીયા કુછ નહી ગ્લાસ તોડા બારઆના જેવો ઘાટ સર્જાયો છે. ઇન્ડો-કોરિયન પરિસંવાદનુ આયોજન યુનિવર્સિટીએ કર્યુ છે પરંતુ યુનિવર્સિટીના એકપણ પ્રોફેસર કે વિદ્યાર્થીઓના રીસર્ચ પેપર આ પરિસંવાદમાં રજૂ કરાયા નથી. એટલુ જ નહી યુનિવર્સિટી પાસે અનેક કોન્ફરન્સ હોલ હોવાછતાં આ સેમિનાર હયાત હોટલમા ગોઠવવામાં આવ્યો છે. જેના કારણે ખુદ ભવનોના પ્રોફેસરોમાં ભારે આક્રોશ ઉભો થયો છે. માત્ર સરકારની નજરમાં વાહવાહી મેળવવા માટે જ આ આયોજન થયુ હોવાનુ વિભાગના અધ્યાપકો કહે છે.

બીજી ટર્મ મેળવવા કુલપતિનું ઐડીચોટીનું જોર

વર્તમાન કુલપતિ ડો.હિમાંશુ પંડયાની મુદત આગામી છ માસમાં પુરી થવાની છે. જાહેરમાં પોતાને બીજીટર્મની જરૂર નથી તેવુ બોલતાં પડયા અંદરખાને બીજીટર્મ મેળવવા માટે ઐડી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. બીજી ટર્મ મેળવવા માટે હાલ એવા કાર્યક્રમોનુ આયોજન કરી રહ્યા છે કે જેમાં યુનિવર્સિટીને દેખીતી રીતે ભલે કોઇ ફાયદો ન હોય પણ સરકારની નજરમાં છવાયેલા રહે.

 

 

કુલપતિની કિચન કેબિનેટ સિવાય કોઈ પ્રોફેસર સેમિનાર સાથે નહી

કોરિયન સ્ટડીઝ સેન્ટર, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ઇન્ડો-કોરિયન સેમિનારનુ આયોજન કરાયુ છે. આ સેમિનારના કારણે 2 હજાર વર્ષ જુના કોરિયા અને ભારત-ગુજરાતના સંબંધો તાજા થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીના જુદા જુદા ડીપાર્ટમેન્ટના પ્રોફેસરો કહે છે સામાન્ય રીતે કોઇપણ સેમિનાર હોય તેનુ આયોજન યુનિવર્સિટી કરતી હોય તો દરેક ડીપાર્ટમેન્ટના પ્રોફસરો તેમાં જોડાતા હોય છે. હાલના સેમિનારમાં કુલપતિની કીચન કેબીનેટ સિવાય કોઇ પ્રોફેસર આ સેમિનાર સાથે નથી. યુનિવર્સિટી યજમાન હોય ત્યારે સેમિનારનુ આયોજન કન્વેન્શન હોલ અથવા યુનિવર્સિટીનાજુદા જુદા ડીપાર્ટમેન્ટના કોન્ફરન્સ હોલમાં થતુ હોય છે. હાલનો સેમિનાર ખાનગી હોટલમાં રાખવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના એક પણ પ્રોફેસર- વિધાર્થીઓનું રીસર્ચ પેપર નહી

આ કોન્ફરન્સમાં 11 કોરિયન અને 9 જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રીસર્ચ પેપર રજૂ કરવાના છે પણ યુનિવર્સિટીના એકપણ પ્રોફેસર કે વિદ્યાર્થીનુ રીસર્ચ પેપર સુધ્ધા નથી. આ સેમિનારનુ ઉદ્દઘાટન યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને બોલાવીને કરવાનુ હતુ પણ છેલ્લીઘડીએ શિક્ષણમંત્રીએ સેમિનારના ઉદ્દઘાટનમાં હાજરી આપી નહોતી.

જાપાન સ્ટડી સેન્ટર જેવી જ હાલત કોરીયન સ્ટડી સેન્ટરની થવાની આશંકા

ઉદ્દઘાટન સમારોહમાં પણ દરેક ડીપાર્ટમેન્ટના પ્રોફેસરોને આમંત્રણ સુધ્ધા આપવામાં આવ્યુ નહોતુ. જેના લીધે કેટલાક અધ્યાપકો અને એચઓડી સેનેટ હોલમા ઉદ્દઘાટન હોવાછતાં આવ્યા નહોતા. કુલપતિએ આ સેમિનારમાં વાહવાહી મેળવવા માટે યુનિવર્સિટીમાં કોરિયન સ્ટડી સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી દીધી હતી. વિભાગના પ્રોફેસરો કહે છે વર્તમાન કુલપતિએ ભૂતકાળમા જાપાની પ્રતિનિધિ મંડળ આવ્યુ ત્યારે પણ જાપાનનુ સ્ટડી સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી. હજુસુધી જાપાન સ્ટડી સેન્ટરનો કોઇ અત્તોપત્તો નથી. આવી જ હાલત કોરિયન સ્ટડી સેન્ટરની થવાની આશંકા પણ અધ્યાપકો વ્યક્ત કરી રહ્યા છે. યુનિવર્સિટીના રૂપિયે ખાનગી હોટલમાં ત્રણ દિવસીય સેમિનારના અંતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માત્ર જાહેરાત સાંભળવા સિવાય વિશેષ કોઇ લાભ થાય તેમ નથી.

પરીક્ષા, એકાઉન્ટ, રજિસ્ટ્રાર દરેક ડીપાર્ટમેન્ટ ઇન્ચાર્જથી ચાલે છે તેની નિયુક્તિનો સમય નથી

યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ માત્ર સરકારની નજરમાં ઉત્તર કામગીરી થઇ રહી છે તેવુ દેખાડવા સતત પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં વિદ્યાર્થીલક્ષી કહી શકાય તેવા એકપણ કામ કર્યા નથી. હાલમાં પરીક્ષા વિભાગમાં કોઇ કાયમી અધિકારી નથી, એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ અધિકારી છે, રજિસ્ટ્રાર જેવી મહત્વની જગ્યા ભરવાની પણ કુલપતિની ફુરસદ નથી. પણ નેકના જોડાણમાં એ ગ્રેડ મેળવવા માટે હવાતિંયા મારી રહ્યા છે. પ્રોફેસરો કહે છે બીનજરૂરી સેમિનારો કરીને સરકારની આંખમાં ધુળ નાંખીને કુલપતિ બીજીટર્મ મેળવી શકશે પણ જયાં સુધી આ જગ્યાઓ ભરવામાં નહી આવે ત્યાંસુધી નેકમાં એ ગ્રેડ મળશે નહી તે પણ નક્કી છે. સરકારના મંત્રીઓ એમ માને છે કે યુનિવર્સિટીના કુલપતિ નેકમાં એ ગ્રેડ લાવવા સખ્ત મહેનત કરી રહ્યા છે.વાસ્તવિક્તા એ છે કે નેક ના નામે બીજીટર્મ કેવી રીતે મળે તેના પ્રયાસો જ કુલપતિ કરી રહ્યા છે જે વાત કેમ્પસમાં તમામ પ્રોફેસરો જાણે છે.