અમદાવાદ,શનિવાર
ગુજરાત અને ભારતમાં ભાજપના શાસનમાં બિઝનેસ કરવા માટેનો માહોલ અનુકૂળ ન હોવાથી અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતું હોવાથી ગુજરાત અને ભારતમાંથી સંખ્યાબંધ બિઝનેસમેનો અમેરિકી સરકારના ઈબી-5 વિઝા લઈને પરિવાર સાથે વિદેશ સ્થાયી થઈ જવાનું પસંદ કરી રહ્યા છે. આ વિઝા મેળવીને પરિવારના તમામ સભ્યો માટે કાયમી નિવાસી – પરમેનન્ટ રેસિડન્ટનો દરજ્જો મેળવી લેવા ઉત્સુક બિઝનેસ મેને દેશ છોડી રહ્યા છે અને અમેરિકા સ્થાયી થઈ રહ્યા છે. અમેરિકાના કોઈપણ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરેલા આ 5 લાખ ડોલર પણ ઇન્વેસ્ટરને 5 વર્ષ બાદ પરત મળી જાય છે. જોકે કેટલાક કિસ્સામાં તે પૈસા પરત મેળવવામાં તકલીફ પડે છે. પરંતુ તેમાં દર વર્ષે તેના પરના વ્યાજના દરમાં 1થી 2 ટકાનો વધારો થતો જાય છે. અરજીના ક્રમ પ્રમાણે જ નંબર આવતો હોવાથી બે બે વર્ષના વેઇટિંગ લિસ્ટ પણ જોવા મળી રહ્યા છે.
હા, આ અરજી કરનારની આર્થિક તાકાતનો, તેણે એકત્રિત કરેલા પૈસાના સ્રોતની બારીક તપાસ કર્યા પછી જ તેમની અરજીનો વિચાર કરવામાં આવે છે. તેમના ધંધાની બારીકાઈમાં પણ ઉતરે છે. હા, અમેરિકામાં કરવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટ થકી દસ ઓરિજિનલ અમેરિકી નાગરિકને બે વર્ષ સુધી નોકરી મળવી જરૂરી છે. આ અરજી મળ્યા પછી તેની ચકાસણી કરીને મંજૂરી આપી દેવામાં આવે એટલે અરજદારની પત્ની, પુત્રી અને પુત્ર સહિતના નિકટના સ્વજનોને કાયમી નિવાસી તરીકેનું સ્ટેટસ મળી જાય છે.
ગુજરાત અને ભારતમાંથી દર વર્ષે અંદાજે 2000થી 2100 લોકો ઈબી-પ વિઝા પર અમેરિકા સ્થાયી થઈ રહ્યા છે, એમ અમેરિકાના એક વિઝા કન્સલ્ટન્ટ્સનું કહેવું છે. ઈબી-5 વિઝા માટેનો ધસારો વધી ગયો હોવાથી આગામી 21મી નવેમ્બરથી તેમાં કરવાનું જણાવાતા ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા 5 લાખ ડોલરથી વધારીને 9થી 10 લાખ ડોલર કરી દેવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલો આવી રહ્યા છે. અમેરિકા દર વર્ષે આ પ્રકારે 10000 લોકોને તેમના દેશમાં એન્ટ્રી આપે છે. તેમાંથી 2000થી 2100 અરજી ભારતમાંથી થતી હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે નવેમ્બરમાં તેનો ક્વોટા અને ડેટા રીલીઝ કરવામાં આવે છે.
ઇઝ ઓફ ડૂઇંગની વાતો માત્ર કાગળ પર જ હોવાનું જણાવતા અમદાવાદના એક બિઝનેસમેનનું કહેવું છે કે ગુજરાત સરકાર ઇઝ ઓફ ડુઇંગની વાત તો કરે છે, પરંતુ ગુજરાતના સરકારી બાબુઓ એક પણ પરમિશન કરપ્શન મની વિના આપતા જ નથી. આ અધિકારીઓ હવે રાજકારણીઓ અને શાસકોને પણ ગાંઠતા નથી.એક, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વેચનાર માલ વેચીને તેના પર ભરવા પાત્ર થતો જીએસટી જમા કરાવી દે છે, પરંતુ જો ખરીદનાર જીએસટી ન જમા કરાવે તો તે રકમ પણ વેચનાર પાસેથી વસૂલવાની નીતિ સરકારે અપનાવી હોવાથી વેપારીઓની હાલાકી વધી છે. રજિસ્ટ્રેશન સરકાર આપે છે, તે માણસને ઇમાનદાર બનાવવાની જવાબદારી સરકાર બીજા વેપારીને માથે નાખે છે. આ વેપાર સરળતાથી બીજું, રાજકારણીઓ પણ વિદેશમાં સારી ઇમેજ ઊભી કરવા માટે ફોરેન ઇન્વેસ્ટર્સને પ્રાધાન્ય આપે છે. તેની સામે સ્થાનિક ઇન્વેસ્ટર્સની ધરાર અવગણના કરવામાં આવી રહી છે. પર્યાવરણને નામે પણ ઉદ્યોગોને કનડવામાં આવ રહ્યા છે. પ્રદુષણને નિયંત્રણમાં લેવામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સદંતર નિષ્ક્રિય રહેતી હોવા છતાંય તેમની સામે કોઈ જ પગલાં ન લઈને ઉદ્યોગોને જ તમામ સ્થિતિ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. રાજકારણીઓને માત્ર ઇઝ ઓફ ડૂઇંગની જાહેરાત કરવામાં રસ છે. વાસ્તવિક સ્થિતિ સામે તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે.
વેપાર ધંધો છોડીને અમેરિકા નહિ, કેનેડા ઊચાળા ભરી ગયેલા બિઝનેસમેનનું આ રહ્યું દ્રષ્ટાંત. વડોદરાના ડિસ્ટ્રીબ્યટર કંપની આદિનાથ એન્ટરપ્રાઈઝના માલિક અમિત દરજી ગુજરાતમાં બિઝનેસ કરવામાં સતત જોવા મળતી અનિશ્ચિતતાને કારણે છ ચાર મહિના પૂર્વે જ વડોદરા છોડીને કેનેડા સેટલ થઈ ગયા છે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગની વાત થાય છે. પરંતુ વાસ્તવમાં તમારો ધંધો આવતીકાલે સ્ટેબલ હશે કે નહિ તેની કોઈ જ નિશ્ચિતતા જોવા મળતી નથી. દરેક કંપનીના ફાઈનાન્સ મેનેલર અને સેલ્સ મેનેજર બદલાય એટલે તેમના મનસ્વી નિર્ણયો ડિસ્ટ્રીબ્યુટર્સને માથે થોપવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરકારે નક્કી કરી આપેલી સિસ્ટમમાં વેપાર કરવા જાય તો ગાડીના ટાયરમાં હવા ભરાવી શકાય કે ટાયરનું પંચર કરાવી શકાય તેટલી કમાણી પણ કરવી મુશ્કેલ બની જાય છે.