રાધનપુર, તા.૨૬
રાધનપુર અને સાંતલપુર તાલુકા આઝાદી બાદ પછાત અને દુષ્કાળ ગ્રસ્ત પ્રદેશ તરીકે ઓળખાતા તાલુકા હતા, અને દર વર્ષે અહીં વરસાદ ન થવાના કારણે હજારો લોકો હિજરત કરી બીજા પ્રદેશોમાં ચાલ્યા જતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોના ખેડૂતો આ તાલુકાની ઇઝરાયેલી ખારેકના પાક અંગે પુછતા થયા છે. બંને તાલુકામાં ઇઝરાયેલી ટીસ્યુ ખારેકના 4410 છોડ છે, જેના ઉપરથી ચાલુ વર્ષે કુલ 100 ટન ખારેકનું ઉત્પાદન થવા પામ્યું છે, જેના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી છે.
રાધનપુર-સાંતલપુર તાલુકામાં 1995-96માં ગાંધીનગર નજીક આવેલા છાલા ગામેથી સરકારી નર્સરીમાંથી દેશી ખારેકના રોપા લાવીને ખેડૂતોને મફતમાં વિતરણ કરાયું હતું, ત્યારથી ખારેકનું ઉત્પાદન શરુ થયું હોવાનું જાણવા મળ્યું છે. જે હવે ઇઝરાયેલી ટીસ્યુ ખારેક તરફ ઝોક વધ્યો છે. રાધનપુર તાલુકાના બાદરપુરા, કામલપુર, સુલતાનપુરા, અરજણસર, કોલાપુર, અલ્હાબાદ, પોરાણા, વિજયનગર અને સાંતલપુર તાલુકાના ઝાંઝણસર, કોલીવાડા, બોરૂડા સહિતના ગામોમાં ઇઝરાયેલી ટીસ્યુ ખારેકનું ઉત્પાદન થાય છે. આ ખારેક એટલી મીઠી- મધુરી હોય છે કે ડૂચો પણ નથી વળતો. ખારેક ખાવાથી કેન્સરના રોગને પણ પડકાર આપી શકાય છે.
બાદરપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત અને ખેતીવાડી વિભાગના નિવૃત્ત અધિકારી વિનુ પટેલના જણાવ્યા મુજબ પાંચ વર્ષના એક છોડ ઉપરથી 100 કિલો અને ત્રણ વર્ષના છોડ ઉપરથી 30 થી 40 કિલો ખારેક ઉતરવાની શક્યતા રહે છે. રાધનપુર-સાંતલપુર સૂકા વિસ્તાર હોવાથી અને જમીન-પાણી ક્ષારીય હોવાથી આ વિસ્તારો ખારેકના પાક માટે ઉત્તમ છે.
કામલપુર ગામના નવયુવાન પ્રગતિશીલ ખેડૂત પિયુષ ચૌધરીના જણાવ્યા મુજબ ખારેકની સીઝન પુરી થાય એટલે પાળેલી દેશી કાંકરેજી ગાયોને ચરવા છોડી મૂકીએ છીએ, જેના કારણે તેમની ઊર્જા અને ખાતરથી ખારેક્માં મીઠાશ આવે છે, સાથે-સાથે ઉત્પાદન પણ વધુ મળે છે. નર્મદાના નીર આવતા ખેડૂતોની આવકમાં બમણો વધારો થાય તેવી તમામ શક્યતાઓ વધી ગઈ છે.