ઈડરના સાબલવાડા ગામમાં જૂથ અથડામણ સંદર્ભે 28ની અટકાયત

ઈડર, તા.૧૮

ઈડર તાલુકાના સાબલવાડ ગામે જૂથ અથડામણ બાદ ગામના માહોલમાં ગભરાવો આવી ગયો છે. પોલીસ દ્વારા કોમ્બિગ કરી બે દિવસમાં કુલ 28ની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પરિસ્થિતિ જોતા એક અઠવાડિયા સુધી પોલીસના ધામા રહેશે એમ લાગે છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. આથી તાત્કાલિક અસરથી પોલીસે કાર્યવાહી હાથ ધરી રવિવારે બંને જૂથના 18ની અટકાયત કરી હતી. આ પછી ફરીથી ઠાકોર અને પટેલ જૂથના 10ની અટકાયત કરી છે. આથી ગામમાં સન્નાટો છવાઈ ગયા સાથે ઉચાટ બન્યો છે. ટકરાવ થવાની સંભાવના અને અફવાને કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાય નહિ તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. આ સાથે 10 પોલીસ કર્મચારી આગામી 7 દિવસ 24 કલાક ગામમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, જૂથ અથડામણ થતાં સામાજિક સમરસતાને ગંભીર અસર પડી છે.