પાટણ, તા.૨૫
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં ડો.અનિલ નાયકની ઇન્ચાર્જ કુલપતિ તરીકે ખોટી રીતે નિમણુંક કરવામાં આવી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં કો-વોરંટો નામની પિટિશન સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દશરથભાઇ પટેલ દ્વારા કરાતાં કોર્ટે દાખલ કરતાં યુનિવર્સિટીમાં કુલપતિ પદ ફરીવાર કાનુની વિવાદમાં આવી ગયું છે. જેને લઇ મંગળવારે યુનિવર્સિટી સંકુલમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
યુનિવસિર્ટીમાં પૂર્વ કુલપતિ ડો.બી.એ. પ્રજાપતિ દ્વારા ધારપુર મેડિકલ કોલેજના હંગામી અધ્યાપક ડો.અનિલ નાયકને તેઓ રજા પર ઉતરવાના હતા તે પહેલા તાત્કાલિક મેડિકલ ફેકલ્ટીના ડીન બનાવી દેવામાં આવ્યા હતા. જો કે, તે પહેલાં 10 દિવસ અગાઉ ડીન બનાવવાની દરખાસ્ત નામંજુર કરી હતી. માત્ર ટુંકા ગાળામાં જ ડો.નાયકને ડીન બનાવી દેવાયા હતા. દરમ્યાન તે પછી ડો.બી.એ.પ્રજાપતિને સસ્પેન્ડ કરવામાં આવતાં સરકાર દ્વારા ઇન્ચાર્જ કુલપતિ તરીકે ચાર્જ ડો.નાયકને સોંપવામાં આવ્યો હતો.
ત્યારે સિદ્ધપુરના સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દશરથભાઇ ઈશ્વરલાલ પટેલ દ્વારા ડો.નાયકને યુનિવસિર્ટીના એક્ટ વિરુદ્ધ ખોટી રીતે ડીન અને કુલપતિ બનાવવામાં આવ્યા હોવા મામલે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેન હાઇકોર્ટ દ્વારા કાયદાકીય જોગવાઈ મુજબ દાખલ કરવામાં આવી છે.
અરજદાર દશરથ પટેલે જણાવ્યું હતું કે યુનિવસિર્ટીમાં નાયકની લાયકાત ન હોવા છતાં તેમનું નિમણુંક કરાઈ હોવાનું અમને માલુમ પડતા અમે લાયકાતની તપાસ કરતા અમને જાણવા મળ્યું હતું કે, તેમના ભાઈ જિલ્લા ભાજપા પ્રભારી હોઇ લાગવગના ધોરણે તેમની નિમણુંક કરાઈ છે તેવા કાગળો ભેગા કરી અમે કોર્ટમાં પિટિશન દાખલ કરતા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કોઈ ઉચ્ચ હોદા પર ખોટી રીતે નિમણુંક થાય તો કો-વોરંટો પિટિશન દાખલ કરવી તે મુજબ કોર્ટ દાખલ કરી છે અને હવે કોર્ટમાં કેસ ચાલશે જેમાં સત્ય બહાર આવશે.
ઇન્ચાર્જ કુલપતિ ડો.નાયકે જણાવ્યું કે, ડીન બનવા માટે કોઈ પીજી કે યુજીના અભ્યાસના અધ્યાપક હોવું જરૂરી હોતું નથી. મારી લાયકાત પ્રમાણે જ મને ડીન બનાવામાં આવ્યા છે અને ત્યારબાદ ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ સોંપાયો છે તેમાં કોઈ ખોટું નથી. કોર્ટમાંથી મને હજુ કોઈ નોટીસ મળી નથી કે કોઈ જાણ થઇ નથી. પીટીશન થઇ હશે તો કોર્ટમાં સત્ય હશે એ બહાર આવશે.