અમદાવાદ, તા. 18
ઈન્સ્યોરન્સ પોલિસીના નામે લોકોની સાથે છેતરપિંડી કરતી ગેંગનો વધુ એક યુવક ભોગ બન્યા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાઈ છે. જેમાં આ ગેંગે બોડકદેવના યુવક સાથે રૂ. 10.20 લાખની ઠગાઇ અંગે છેતરપિંડી કરવા અંગે એક યુવતી સહિત ચાર જણા સામે ફરિયાદ નોંધવાઇ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બોડકદેવના સીમંધર ટાવરમાં રહેતા માર્કંડેય ઓઝા સાણંદ ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઓકટોબર-૨૦૧૭માં માર્કંડેય ઓઝાને પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતીએ કહ્યું કે, હું એચડીએફસી બેન્ક લાઈફ ઇન્શ્યોરન્સમાંથી બોલું છું. કંપનીની પોલિસી લેવાથી માર્ચ-૨૦૧૮માં ૧૩ ટકા વ્યાજ અને ૨૫ ટકા બોનસ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થશે. આમ કહીને યુવતીએ પોલિસી આપવાની ઓફર કરી હતી. ત્યારબાદ માર્કંડેયે એક લાખ રૂપિયાની પોલિસી તેમના નામ પર લીધી હતી. ત્યાર બાદ તેમણે તેમની પત્નીના નામે પોલિસી લીધી હતી. અને તેમણે મે-2019 સુધીમાં ટુકડે ટુકડે તેમણે યુવતી અને અન્યના ખાતામાં રૂ. 10.20 લાખની રકમ જમા કરાવી દીધી હતી. ત્યાર બાદ બેન્ક ઓફિસર બોલું છુ કહીને ચાર લાખની રકમ માંગી હતી.
જેથી તેમણે પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો ખ્યાલ આવતા વસ્ત્રાપુર પોલીસમાં અજાણી યુવતી સહિત અન્ય ચાર શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. જે પોલીસે તેમને જે નંબર પરથી ફોન આવ્યો હતો તેના આધારે તપાસ હાથ ધરી છે.