અમદાવાદ, તા. 08
રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોનો કડકપણે અમલ શરૂ થયા બાદ હવે પોલીસ વધુ કડકાઈ દાખવી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો સામે પગલાં ભરાઈ રહ્યા છે. જે સંદર્ભે બુધવારે હેલમેટ વગર 438 અને ફોન પર વાત કરનારા 150 લોકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. તો દરમિયાનમાં હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઈયર ફોન પણ ભરાવીને વાહન ચલાવતા લોકોને પણ પોલીસ રોકીને તેમની પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરશે. જોકે, આ મામલે વાહનચાલક પાસેથી કોઈ દંડ નહિ વસુલાય પરંતુ તેઓ માત્ર કાયદાનું પાલન કરે એવો આગ્રહ રાખવામાં આવશે.
હેલમેટ વગર 438 વાહનચાલકોને દંડ
અમદાવાદમાં વાહનવ્યવહારના નવા નિયમની કડક અમલવારી વચ્ચે ટ્રાફિક પોલીસે બુધવારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી લગભગ 438 જેટલા વાહનચાલકો પાસેથે હેલમેટ વગર વાહન ચલાવવા બદલ દંડ વસૂલ્યો હતો. જેમાં મોટાભાગના વાહનચાલકોનો પહેલો ગુનો હોવાના કારણે તેમની પાસેથી રૂ. 500 લેખે દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે 150 જેટલા વાહનચાલકો વાહન ચલાવતા ફોન પર વાત કરતાં ઝડપાયા હતા અને પોલીસે તેમની પાસેથી રૂ. 1000 લેખે દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ બુધવારે શહેરમાં પોલીસે હેલમેટ વગર વાહન ચલાવનાર વાહન ચાલકો પાસેથી રૂ. 2,25,000નો દંડ તેમ જ ફોન પર વાત કરનારા વાહનચાલકો પાસેથી રૂ. 1,50,000નો દંડ વસૂલ્યો હતો. આમ આ બન્ને ગુના હેઠળ પોલીસે કુલ રૂ. 3,75,000 દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત સીટ બેલ્ટ તેમ જ અન્ય નિયમોના ભંગ કરનારા વાહનચાલકો પાસેથી પણ દંડ વસૂલવામાં આવ્યો હતો.
ઈયરફોન ભરાવનારા વાહનચાલકો ચેતી જજો
વાહનવ્યવહારના નવા નિયમો અમલમાં આવ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ચાલી રહેલી ડ્રાઈવમાં હવે કાનમાં ઈયરફોન ભરાવીને વાહન ચલાવતા વાહનચાલકોને પણ પોલીસ દ્વારા રોકવામાં આવશે. જોકે, આ માટે પોલીસ દ્વારા કોઈ દંડ નહિ વસુલાય પરંતુ માત્ર તેમને કાયદાનું પાલન કરવાની સલાહ આપીને ઈયરફોન ભરાવ્યા વગર વાહન ચલાવવાનું કહેવામાં આવશે. આ પ્રકારની ડ્રાઈવ કરવા પાછળ મુખ્ય કારણ એ છે કે, ઈયરફોન ભરાવીને લોકો સંગીત સાંભળતા સાંભળતા વાહન ચલાવતા હોવાના કારણે અન્ય વાહનનાં હોર્ન સંભળાતાં નથી, જેના કારણે ઘણી જગ્યાએ અકસ્માતની ઘટના પણ બને છે. જેને અટકાવવા માટે આ પ્રકારની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે.
આ ડ્રાઈવ 213 જંક્શનો પર કરાશે
ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના 213 ટ્રાફિક જંક્શનો પર કાનમાં ઈયરફોન ભરાવીને વાહન ચલાવતા વાહનચાલકો સામે ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ માટે ટ્રાફિક પોલીસના 1300 કર્મચારીઓ ઉપરાંત 1200 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને જોડવામાં આવ્યા છે. આ ડ્રાઈવ માત્ર વાહનચાલકોમાં જાગૃકતા માટે કરવામાં આવશે. અને તેના દ્વારા વાહનચાલકોને આ રીતે વાહન ચલાવવું જોખમી સાબિત થઈ શકે છે એવું સમજાવવામાં આવશે.