ઉઉનાના સૈયદ રાજપરા ગામના માછીમારોની બોટની સમુદ્રમાં જળસમાધીઃ તમામનો આબાદ બચાવ

ઉના,તા.02

ગુજરાતના દરિયાકાંઠા ઉપર વાતાવરણમાં પલટો આવ્યો છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહા  વાવાઝોડાની અસર દરિયાની અંદર વધુ તીવ્ર વર્તાઇ રહી છે. દરિયામાં પવનને કારણે મોજા ઉછળી રહ્યાં છે અને દરિયો તોફાની બની ગયો છે. ત્યારે હજુપણ દરિયામાં રહેલી બોટ અને ખલાસીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ઉનાનાં સૈયદ રાજપરા ગામનાં દરીયા કિનારે પરત ફરી રહેલ બોટે જળ સમાધી લીધી હતી. ભારે પવન અને ઉછળતા મોજાને કારણે બોટ દરિયામાં જોતજોતમાં ગરક થઇ ગઇ હતી. જોકે બોટમાં પરત ફરી રહેલા ખલાસીઓ જેમતેમ કરીને પોતાનો જીવ બચાવવામાં સફળ થયા હતા. તેમજ અન્ય બોટ દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યાં હતાં. આઠ માછીમારોના જીવ બચાવી લેવામાં આવ્યાં છે. આ તમામ ખલાસીઓને અન્ય બોટ દ્વારા ઉનાના કિનારે પરત લાવવામાં આવ્યા હતા. ખલાસીઓએ જણાવ્યું હતું કે ભારે પવનને કારણે વિશાળકાય મોજામાં તેમની બોટ ફસાઇ ગઇ હતી અને બોટમાં પાણી ભરાઇ જતાં જોતજોતોમાં બોટે જળસમાધી લઇ લીધી હતી. જોકે સમયસૂચકતા વાપરીને આઠેય ખલાસીઓ દરિયાના પાણીમાં કૂદી ગયાં હતા અને પાસે રહેલી બોટે તેમને બચાવી લીધા હતાં. આ બોટ દ્વાર તમામને પરત સૈયદ રાજપરા પહોંચાડવામાં આવ્યાં હતાં. જોકે સૈયદ રાજપરામાં બોટ ઉધી વળી ગઇ હોવાના સમાચાર પહોંચતા જ શોકનો માહોલ છવાઇ ગયો હતો.પરંતુ તાત્કાલિક જ આ તમામ માછીમારોને બચાવીને હેમખેમ પરત લાવવાના સમાચાર પર પહોંચતા જ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત તેમના પરિવારજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.