મહેસાણા, તા.૨૭
આસ્થા, ઉમંગ અને ઉત્સાહથી દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળી રવિવારે જિલ્લાવાસીઓ મનભરીને મનાવ્યો હતો. ફટાકડા તેમજ મિઠાઇ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી હતો. દિવાળી પૂર્વે શનિવારે મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર, ઊંઝા, વડનગર, ખેરાલુ, બહુચરાજી, સતલાસણા સહિતના નગરોમાં જોરદાર ખરીદી નીકળી હતી.
દિવળી નિમિત્તે વેપારીઓ શુભમુહૂર્તમાં ચોપડાપૂજન કર્યું હતું. મહેસાણા શહેરમાં સ્વામિનારાયણ મંદિર સહિત દેવમંદિરો અને દેવીસ્થાનકોમાં અન્નકૂટ ભરાયા હતાં. સવારથી જ સ્ટેશનરીની દુકાનો અને ચોપડાની દુકાનોમાં નોંધાવેલા નવા વર્ષના ચોપડા શુભમુહૂર્તમાં ખરીદ કરી માતા લક્ષ્મીજી અને માતા શારદાની પૂજા વેપારી પેઢીઓમાં કર્યું હતું. વેપાર ન કરતાં લોકો પણ ઘરે પૂજન કરીને ધન્યતા અનુભવી હતી. શુક્રવારે માતા લક્ષ્મીજી અને શનિવારે મહાકાલી, કાળભૈરવ સહિતની પૂજા કરાઇ હતી. જ્યારે રવિવારે દિવાળીના દિવસે માતા લક્ષ્મીજી અને માતા શારદા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવ્યું હતું. આ પર્વને હસી ખુશી સાથે ઉજવવાની પરંપરા મુજબ ભવ્ય આતશબાજી સાથે 2075ના વર્ષને વિદાય આપવામાં આવી હતી.
કોમ્પ્યુટર યુગમાં પણ ચોપડા પૂજનનો મહિમા જળવાઇ રહ્યો છે. વેપારીઓ- દુકાનદારો દ્વારા ચોપડામાં પરંપરાગત રીતે શ્રી સવા સહિતનાં લખાણ સાથે પૂજન કર્યા હતાં. શો રૂમ જેવા આધુનિક યુનિટોમાં કોમ્પ્યુટર પર પૂજન કરાયું હતું.
આજે બહુચર માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવાયો હતો,
બહુચરાજીમાં બહુચર મૈયાના મંદિરે પ્રતિ વર્ષ દિવાળી અને બેસતા વર્ષે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ પીરસવામાં આવે છે. પરંપરા મુજબ આજેના દિવસે સવારે મૈયાને રાજભોગનો પ્રસાદ સુવર્ણ થાળીમાં નાની-મોટી પાંચ વાટકી, ગ્લાસ, ઝારી અને લોટા સાથે ધરાવાયો હતો. બહુચર માતાજીને રોજ ચાંદીની થાળીમાં પ્રસાદ ધરાવાય છે. માત્ર દિવાળી અને બેસતા વર્ષના દિવસે જ ખાસ સોનાની થાળીમાં પ્રસાદ સાદર કરાય છે. 235 વર્ષ પૂર્વે વડોદરાના ગાયકવાડ રાજવીએ શરૂ કરેલી પરંપરા આજે પણ જળવાઇ રહી છે. પ્રતિ વર્ષ આ પરંપરા લઈ દિવાળી અને બેસતા વર્ષે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ પીરસવામાં આવે છે.