મહેસાણા, તા.૦૨
ગત વર્ષે ઓછા વરસાદના કારણે અર્ધઅછતથી ખેડૂતોને ખેતીપાક બચાવવા સિંચાઇ માટે સંકટનો સામનો કરવો પડ્યો હતો. તો આ વર્ષે ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિનો માર સહન કરવો પડી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ કુલ 16.58 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ ઘાસચારો, દિવેલા અને કપાસનું વાવેતર થયુ છે. પાકવૃધ્ધિના આરે ખેતી પાક હતો. ત્યાં પાછોતરા ભારે વરસાદ અને ઘણી જગ્યાએ પવનના સુસવાટામાં વાવેતરમાં ભરાયેલા પાણીથી બગાડ થતા નુસાન વેઠવુ પડી રહ્યુ છે.
ઉ.ગુ.માં ચાલુ સિઝનમાં સૌથી વધુ 4.68 લાખ હેક્ટરમાં ઘાસચારો, 3.49 લાખ હેક્ટરમાં દિવેલા, 2.40 લાખ હેક્ટરમાં મગફળી અને 2.15 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યુ છે. ખેડૂત સુત્રોએ કહ્યુ કે, ભારે વરસાદના કારણે કપાસને લચી પડેલી કેરી ખરી પડી છે. દિવેલામાં ભારે વરસાદથી પાકવૃધ્ધિ ઉપર માઠી અસર પડી છે. કપાસ સતત વરસાદના પાણી ભરાવાના કારણે બળી ગયુ છે. ખેતીવાડી કચેરીના નાયબ અધિકારી અશ્વિનભાઇ ચૌધરીએ કહ્યુ કે, પાંચેય જિલ્લાના ખેતીવાડી અધિકારીને હાલના વરસાદથી પાક નુકસાન થયું હોય તો સર્વે કરવા સૂચના અપાઇ છે.