ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા લોકસભાની બેઠકો પર હાલમાં ભાજપના સાંસદો છે. પણ 2019માં તે તમામ બેઠક ગુમાવવી પડે એવી હાલત છે. હવે નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલનું પણ મહેસાણા લોકસભા બેઠક કે ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ રહ્યું નથી. તેઓ પણ માંડ જીત્યા હતા. નિતીન પટેલની નારાજગી ભાજપને પ્રદેશ નેતાઓ અને મુખ્ય પ્રધાન સામે ચાલી રહી છે. ઉત્તર ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિસ્તાર છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો મત વિસ્તાર છે. આ બન્ને નેતાઓ પોતાના વતનની વિધાનસભા બેઠક ગુમાવી ચૂક્યા છે. ઉત્તર ગુજરાતમાં આવેલી કુલ 4 લોકસભામાંથી ભાજપ એકપણ બેઠક જીતશે એવો દાવો કરી શકે તેમ નથી.
મહેસાણા
મહેસાણા લોકસભા બેઠક ભાજપ માટે નબળી હોવાથી જીતવી મુશ્કેલ છે. તેથી મોટા પાયે ભાજપે પક્ષાંતર શરૂં કર્યું છે. જીવાભાઈ પટેલ બાદ હવે મહેસાણા જીતવા માટે કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને પક્ષાંતર કરાવીને ભાજપમાં લેવા પડ્યા હતા. વિરમગામના તેજશ્રી પટેલને રાજ્યસભા ચૂંટણી સમયે લીધેલા હતા જેમાં ભાજપ જીતી શક્તેયું ન હતું એવું જ મહેસાણામાં હવે થઈ શકે કેમ છે. આશા પટેલ સામે ભાજપના જુના કાર્યકરોનો વિરોધ છે. વિધાનસભા 2017ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ભાજપ કરતાં કોંગ્રેસના એક ધારાસભ્ય વધું છે.
પાટણ
પાટણ લોકસભામાં ઠાકોર અને પાટીદાર મતો વધુ છે, આ બન્ને સમાજ હાલમાં કોંગ્રેસ સાથે છે. તો બીજીતરફ પાટણના વર્તમાન સાંસદ લીલાધર વાઘેલા અગાઉ વિવાદાસ્પદ અને પક્ષની શિસ્તનો ભંગ કરતાં નિવેદનો આપી ચુક્યા છે. લીલાધર વાઘેલાની ટીકીટ કાપશે તો તેઓ ખુલ્લેઆમ વિરોધમાં પડી શકે છે અને જો તેમને ફરીથી ટીકીટ આપે તો પણ વિરોધ થઈ શકે છે.
બનાસકાંઠા
બનાસકાંઠામાં સાંસદ હરીભાઈ ચૌધરીનું નામ અનેક વિવાદોમાં આવી ચુક્યું છે. તેમને કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન પદેથી પડતાં મૂકવામાં આવ્યા બાદ તેઓ લાંચ કાંડમાં સપડાયા છે. ભાજપમાં બનાસકાંઠાથી ટીકીટ લેવા માટે પડાપડી થઇ રહી છે. શંકર ચૌધરી અહીંથી ચૂંટણી લડવા માંગે છે. બીજા અનેક નેતાઓ હરી ચૌધરીની વિરૂદ્ધમાં છે. આમ આદમી પક્ષ અહીં સૌથી વધું સક્રિય હોવા મળે છે. શંકર ચોધરી પણ હરી ચૌધરીને પાડી દેવાના દાવાદાવા કરી રહ્યાં છે. ભાજપમાંથી હરીભાઈ ચૌધરી, શંકર ચૌધરી, પરથીભાઈ ભટોળ ઉપરાંત પ્રવિણ કોટકે પણ ટીકીટ માંગી છે. અહીં કોંગ્રેસના ધારાસભ્યો પણ વધું છે.
સાબરકાંઠા
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડની કામગીરી સદંતર નબળી રહી છે. પાટીદાર અને આદિવાસી મતોનું પ્રભુત્વ છે. આદિવાસી વિસ્તારોમાં સંપૂર્ણ કોંગ્રેસ તરફી અને ઠાકોર તેમજ પાટીદાર મતો મહત્તમ કોંગ્રેસ તરફી જ જોવા મળી રહ્યા છે. ભાજપની જિલ્લામાં કામગીરી નબળી, સાંસદની નિષ્ક્રિયતા અને મજબુત નેતાના અભાવે અહિયાં ભાજપ નબળું પડતું જઈ રહ્યું છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. કોંગ્રેસના ગઢ સમાન અનેક વિસ્તારો સાબરકાંઠામાં આવેલા છે.
ઉત્તર ગુજરાતમાં ભાજપમાં વ્યાપક જુથબંધી છે. જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ભાજપના નેતાઓ સામે વિરોધ સ્વરૂપે વારંવાર બહાર આવે છે. તેથી અહીં ભાજપની ઉત્તર ગુજરાતની 4 બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે.