ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે

કે-ન્યૂઝ, અમદાવાદ,તા:25

દેશના ઉત્તર ભાગમાં છેલ્લા 24 કલાકથી ભારે હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષાના પગલે ગુજરાત માં આગામી સપ્તાહના મધ્ય સુધીમાં ઠંડીનો પ્રભાવ શરૂ થઈ જાય તેવી સંભાવના છે. દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં શિયાળુ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી તા. 28મી નવેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જશે. જેથી રાજ્યમાં ઠંડીની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ઠંડી તેના અગાઉના રેકોર્ડ તોડી શકે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાલયમાં શરૂ થયેલી હિમવર્ષા તા 26 સુધી સતત ચાલુ રહે તેવી સંભાવના છે. જેના પગલે આગામી 28 નવેમ્બર સુધીમાં દેશના સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડી પડવાનો પ્રારંભ થઈ જશે. હવામાન વિભાગના સૂત્રોનું કહેવું છે કે, આ વર્ષે સમગ્ર દેશમાં માર્ચ મહિના સુધી ઠંડી નું વર્ચસ્વ જોવા મળી રહેશે. એટલું જ નહી, આગામી ત્રણ મહિના એટલે કે, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના માં ગાત્રો થીજાવી દે તેવી અતિશય ઠંડી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ ડિસેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને ઈશાન ભારતના રાજ્યોમાં સરેરાશ તાપમાન 1 થી 3 ડિગ્રી રહેશે. વર્ષ 2019-20 દરમિયાન ઠંડીની  સિઝનમાં સતત પાંચમું વર્ષ એવું હશે કે, ન્યૂનતમ તાપમાન સરેરાશ કરતાં ઘણું નીચું જોવા મળી શકશે અને ઠંડી તેનો નવા રેકોર્ડ બનાવી શકે છે. અમદાવાદ સહિત ગુજરાતના ચાર મહાનગરોમાં પણ આ વર્ષે ન્યૂનતમ તાપમાનનો પારો ગગડીને નીચે આવી શકે છે. છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદનું ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી, વડોદરાનું ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી, સુરતમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી અને રાજકોટમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયેલું જોવા મળ્યું છે.

ચાલુ વર્ષે ચોમાસાની સિઝન ઘણી લાંબી ચાલી છે, જેની અસર શિયાળાની ઠંડીની સિઝન પર પણ જોવા મળી શકશે. આ વર્ષે શિયાળો પણ સામાન્ય સમય કરતાં વધારે લાંબો સમય સુધી ચાલી શકે છે.

આ વર્ષે ઠંડીની સિઝનમાં હિમાલયના દક્ષિણ ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવા ઓછામાં ઓછા ચાર કે પાંચ ડિસ્ટર્બન્સ આવવાના કારણે હિમાલયના પહાડોમાં હિમવર્ષા થઈ શકે છે. જેના કારણે ગુજરાત સહિત મેદાની રાજ્યોમાં ભારે ઠંડીની અસર જોવા મળી શકે છે.

શહેર                   મહિનો અને વર્ષ                  ડિગ્રી

અમદાવાદ            2 જાન્યુ.2019                   8 ડિગ્રી

અમદાવાદ            27 ડિસે.2018                   9 ડિગ્રી

અમદાવાદ            23 જાન્યુ.2016                  8 ડિગ્રી

અમદાવાદ            17 ડિસે.2015                    9 ડિગ્રી

વડોદરા               2 જાન્યુ.2019                    10 ડિગ્રી

વડોદરા               10 જાન્યુ.2018                   10 ડિગ્રી

વડોદરા                26 જાન્યુ.2016                  10 ડિગ્રી

વડોદરા                23 ડિસે.2015                    10 ડિગ્રી

સુરત                  1 જાન્યુ.2019                     9 ડિગ્રી

સુરત                  27 ડિસે.2018                     9 ડિગ્રી

સુરત                  23 જાન્યુ.2016                   8 ડિગ્રી

સુરત                  17 ડિસે.2015                     9 ડિગ્રી

રાજકોટ                26 જાન્યુ.2019                  12 ડિગ્રી

રાજકોટ                15 ડિસે.2018                    11 ડિગ્રી

રાજકોટ                8 જાન્યુ.2018                    12 ડિગ્રી

રાજકોટ                11 જાન્યુ.2017                  11 ડિગ્રી

રાજકોટ                21 ડિસે.2015                    11 ડિગ્રી