ઉનાના નવાબંદરની બોટની સમુદ્રમાં જળસમાધિ, 4 ખલાસી લાપતા

ગીરસોમનાથ,તા:૨૯  ઉનાના નવાબંદર ખાતેની માછીમારી બોટ સમુદ્રમાં 18 નોટિકલ માઈલ દૂર ડૂબી ગઈ છે, જેમાં ચાર માછીમાર લાપતા થયા છે, જ્યારે ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.

નવાબંદરથી અંબિકા પ્રસાદ નામની બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી, જેમાં સાત માછીમારો સવાર હતા. બોટ પરના માછીમારો જ્યારે 18 નોટિકલ માઈલ દૂર રાત્રે માછીમારી કરી રહ્યા હતા ત્યારે બોટમાં અચાનક ખામી સર્જાતાં બોટે જળસમાધિ લીધી હતી. બોટ ડૂબવાની ઘટનાની જાણ થતાં જ આસપાસ માછીમારી કરી રહેલી બોટ દ્વારા ત્રણ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ચાર માછીમાર લાપતા થયા છે.

લાપતા થયેલા માછીમારોની શોધ માટે માછીમાર એસોસિયેશન દ્વારા હેલિકોપ્ટરની મદદ માગવામાં આવી છે. દરિયા માં સુનીલ બાભણિયા, ભાવેશ બાભણિયા, કાંતિભાઈ બાભણિયા, સામતભાઈ મજેઠિયા લાપતા બન્યા છે, જેમની શોધ ખોળ અંગે માછીમાર એસો. દ્વારા તંત્રની મદદ માગવામાં આવી છે.