મુંબઈ, તા. ૧૧
અમેરિકા અને બ્રાઝીલના મકાઈ ઉપજ (યીલ્ડ) અને ઉતારો (ઉત્પાદન) આ બે બાબત અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)નાં ઓક્ટોબર ક્રોપ અહેવાલની મુખ્ય ઘટના રહી. અલબત્ત, આ અહેવાલ મકાઈ માટે મંદી સૂચક છે. સપ્ટેમ્બર ક્રોપ રીપોર્ટમાં જ કહી દેવામાં આવ્યું હતું કે અમેરિકન મકાઈની ઉપજ સારી રહેવાની, ઇથેનોલ વપરાશ વધવાથી નિકાસ ઘટવાની સંભાવના વ્યકત કરવામાં આવી હતી. આગામી થોડા દિવસ સુધી વૈશ્વિક હવામાન અને માંગના ઘટકોને ધ્યાનમાં રાખીને વેપાર ગોઠવવો વાજબી ગણાશે. બ્રાઝીલ ૨૦૧૮-૧૯નો ૧૦૧૦ લાખ ટન વિક્રમ મકાઈ પાક લઈને બજારમાં ઉતરશે, સાથે જ ૨૦૧૯-૨૦મા પણ સમાન ઉત્પાદનની આગાહી યુએસડીએનાં ગ્લોબલ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન નેટવર્ક અહેવાલમાં કરી દેવામાં આવી છે. આ અહેવાલ કહે છે કે ૨૦૧૮-૧૯મા બ્રાઝીલનો મકાઈ પાક વિક્રમ એકરેજ અને યીલ્ડને પગલે ગતવર્ષની તુલનાએ ૨૩ ટકા વધુ આવ્યો છે.
ઊંચા ભાવની અપેક્ષા સાથે બિયારણમાં સુધારણા, ખેતીમાં ટેકનોલોજી, પ્રમાણસર ખાતર, પેસ્ટીસાઈડ મશીનરીનાં ઉપયોગ અને ખેડૂતોની માવજતને લીધે અમેરિકા અને બ્રાઝીલમાં એક તરફ એકરેજ વાવેતર વધ્યું અને બીજી તરફ યીલ્ડ વૃદ્ધિ થઇ. યુએસડીએનાં મકાઈ પાક, ડીમાંડ/સપ્લાયના ઓક્ટોબર અહેવાલમાં કહેવાયું હતું કે ૨૦૧૯મા અમેરિકન વાવેતર, બજાર અનુમાન ૮૧૬ લાખ એકરથી વધીને ૮૧૮ લાખ એકર થયું છે, અલબત્ત, સપ્ટેમ્બર અંદાજ ૮૨૦.૧ લાખ એકરનો હતો. સપ્ટેમ્બર કરતા ઓકટોબર અહેવાલમાં ઓછા વાવેતર અનુમાન છતાં ગુરુવારે એક તબક્કે શિકાગો ડીસેમ્બર મકાઈ વાયદો પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) ૩.૭૮ ડોલર મુકાયો હતો.
અમેરિકન એકર દીઠ મકાઈ યીલ્ડ સરેરાશ ૧૬૮.૪ બુશેલ (૪.૨૫ ટન) મુકીને ઉત્પાદન અંદાજ, સપ્ટેમ્બર કરતા ૨૦૦ લાખ બુશેલ ઘટાડીને ૧૩.૭૭૯ અબજ બુશેલ મુક્યો હતો. ટ્રેડરોનો યીલ્ડ અંદાજ ૧૬૭.૫ બુશેલ અને સપ્ટેમ્બરમાં આ આંકડો ૧૬૮.૨ બુશેલ હતો. સોમવારના યુએસડીએ ક્રોપ પ્રોગ્રેસ રીપોર્ટમાં કહેવાયું હતું કે રવિવાર સુધીમાં અમેરિકન મકાઈ લણણી ૧૫ ટકા વિસ્તારમાં થઇ ગઈ હતી, પાંચ વર્ષની આ સરેરાશ ૨૭ ટકા હતી. એજન્સી કહે છે કે ૨૦૧૯-૨૦મા અમેરિકન વર્ષાંત મકાઈ સ્ટોક, સપ્ટેમ્બર અંદાજ ૨.૧૯ અબજ બુશેલ કરતા ઓછો ૧.૯૨૯ અબજ બુશેલ રહશે. વેપારીઓનો અંદાજ ૧.૭૮૪ અબજ બુશેલ છે.
યુએસડીએ કહે છે કે ૨૦૧૯-૨૦મા બ્રાઝીલમાં વધુ વિસ્તારમાં વાવેતર પછી યીલ્ડમાં કોઈ મોટી વૃદ્ધિ શક્ય ન હોવાથી પાક, વર્તમાન વર્ષ જેટલો જ વિક્રમ આવશે. ઊંચા મકાઈ ભાવ જોઇને બ્રાઝીલ ખેડૂતોએ સોયાબીન પાક વહેલો ઉતારી લઈને ખેડૂતોએ વાવેતર માટે સાનુકુળ હવામાન વિન્ડોનો લાભ લઈને સફ્રીન્હાં મકાઈ બિયારણ સપ્તાહો પહેલા વિક્રમ પ્રમાણમાં વાવ્યું છે. વાવણીની આ પદ્ધતિને લીધે ઉનાળાની સુકા હવામનની મોસમ બેસે તે પહેલા જ મકાઈ પાક પર હીરકચ્ચા ડોડા લાગી ગયા હશે, પરિણામે બ્રાઝીલનો પાક મોડો પડવાને બદલે વહેલો આવશે.
વિક્રમ પાક લઈને આવી રહેલા બ્રાઝીલની ૨૦૧૮-૧૯ની નિકાસ આગલા વર્ષ કરતા ૫૦ ટકા વધીને ૩૭૦ લાખ ટન અંદાજવામાં આવી છે. ૨૦૧૯-૨૦ના પાકમાંથી પણ વર્તમાન વર્ષ કરતા ૮ ટકા ઓછી ૩૪૦ લાખ ટન નિકાસ અનુમાનીત છે. ચીનની મોટી માંગ વૃદ્ધિને લીધે, બ્રાઝીલ પોતાને ત્યાં લાઈવ સ્ટોક (પશુ ઉછેર) ફાર્મિગ વિસ્તરણ માટે તૈયારી કરી રહ્યું છે, પરિણામે બ્રાઝીલમાં જ મકાઈની માંગમાં મોટો વધારો થશે. આને લીધે ઇથેનોલ ઉદ્યોગે મકાઈના બાર્ગેન ભાવ આપવા પડશે. યુએસડીએએ વૈશ્વિક મકાઈ વર્ષાંત સ્ટોક, સરેરાશ વેપારી અંદાજ ૨૯૮૩ લાખ ટન અને ગયા વર્ષના ૩૦૬૩ લાખ ટન સામે ૩૦૨૦ લાખ ટન અંદાજ્યો છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૧-૧૦-૨૦૧૯