ઉસ્માનપુરામાં લુખ્ખા તત્વોના આતંક અને સામે વાડજ પોલીસની ખુંચે તેવી નિષ્ક્રિયતા

અમદાવાદ, તા.16

સપ્તાહ અગાઉના રવિવારની મોડી રાતે નશામાં ધૂત થઈને ઉસ્માનપુરા વિસ્તારમાં રોડ પર કેટલાક લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. કોઈપણ કારણ વિના રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાંખી તેમજ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પર કુહાડીના પ્રહાર કરી લુખ્ખા તત્વોએ ભયભીત કરી દીધા હતા. આ મામલે વાડજ પોલીસ સ્ટેશન ગયેલા યુવકની ફરિયાદ નોંધવાના બદલે માત્ર એનસી નોંધી તેમને રવાના કરી દીધા હતા.

અકારણ વાહનોમાં તોડફોડ મચાવતા વિકૃત શખ્સો સામે પોલીસ કેમ નિષ્ક્રીય બની?

એક સપ્તાહ બાદ પણ આ કિસ્સામાં વાડજ પોલીસે આરોપીઓ શોધવાની જરા સરખી તસ્દી લીધી ન હતી. રોડ પર લુખ્ખાગીરી કરી નિર્દોષ લોકોને રંજાડતા અને તેમની મિલ્કતને નુકશાન પહોંચાડનારા તત્વોને વાડજ પોલીસે એક તબક્કે છાવરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લુખ્ખા તત્વોની સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી કરતૂત મિડીયામાં પ્રકાશિત થતા વાડજ પોલીસે પોતાની લાજ બચાવવા દોડધામ કરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોમાં મેહુલ પરષોત્તમપાટડીયા (ઉ.24 રહે. હનુમાનની ચાલી, વાસુકીનગર, જુના વાડજ), નરેશ વસ્તાભાઈ બડગા (ઉ.30 રહે. તલાવડીના છાપરા,પંચશીલ ચાર રસ્તા, વાડજ) અને મનોજ ઉર્ફે પપ્પુ મશરાભાઈ ભીલ (ઉ.30 રહે. સુભાષનગરના છાપરા, જુના વાડજ)નોસમાવેશ થાય છે.ઉસ્માનપુરા સિંધી પાસે પાવાપુરી એપાર્ટમેન્ટમાં રહેતા સાગર ભરતભાઈ પરીખે (ઉ.28) ગત 8 સપ્ટેમ્બરના રોજ સાંજે અપાર્ટમેન્ટ પાસે રોડ પર કાર પાર્ક કરી હતી. સાગર પરીખ તેમની માતા સાથે મિત્રના ઘરે ગયા ત્યારે મોડી રાતે અગિયાર વાગે પિતા ભરતભાઈએ ફોન કરી તોફાની તત્વોએ કારના કાચ તોડી નાંખ્યા હોવાની જાણ કરી હતી. સાગર પરીખ ઉપરાંત તેમના પાડોશમાં રહેતા સુરેન્દ્ર શાહના જમાઈ ગુંજન શાહની કારના કાચ પણ અજાણ્યા શખ્સોએ તોડી કાઢયા હતા. આ મામલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા વાડજ પોલીસ આવી હતી. વાડજના પીએસઆઈ જી.એન.સુથારે એનસી ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે કોર્ટમાં જવા જણાવાયું હતું.

સમાચાર પ્રકાશિત થયા બાદ પોલીસને ગંભીરતા સમજાઈ

સીસીટીવી ફૂટેજમાં દેખાતા લુખ્ખા તત્વોના આંતકથી સમગ્ર વિસ્તાર ઘટનાના દિવસે ભયભીત થઈ ગયો હતો, પરંતુ વાડજપોલીસના પેટનું પાણી પણ હાલ્યું ન હતું. મિડીયામાં સમાચારો પ્રકાશિત થતા નિષ્ક્રિય બની ગયેલી વાડજ પોલીસ અચાનક જ સક્રિય બની ગઈ અને લુખ્ખા તત્વોને ઝડપી લીધા. પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લીધા બાદ તેમની સામે ભય ફેલાવવો તેમજલોકોની મિલ્કતને નુકસાન કરવાનો ગુનો નોંધ્યો છે. એનસી ફરિયાદ નોંધનારી વાડજ પોલીસને સમાચારો જોઈને ગંભીરતાનુંભાન થયું અને તેમણે અગાઉના ફરિયાદી સાગર પરીખના પિતા ભરતભાઈને ફરિયાદી બનાવી ત્રણેય આરોપીઓ સામે મિલ્કતને નુકસાન કરવાનો તેમજ ધમકી આપવાનો ગુનો નોંધ્યો છે.

પોલીસ મોટાભાગે ગંભીર ગુનાઓ નોંધવાનું ટાળે છે

વાડજ પોલીસ હોય કે રામોલ કે પછી અન્ય પોલીસ ફરિયાદ નહીં નોંધવી (બરકીંગ) તે એક આદત બની ગઈ છે. રામોલપોલીસને ઓગસ્ટ મહિનામાં નકલી પોલીસની ફરિયાદો મળી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરવાના બદલે માત્ર અરજીલઈને બેસી ગઈ હતી. નકલી પોલીસના ત્રાસથી કંટાળેલા નાગરિકોએ નકલી પોલીસ બનીને ફરતા ત્રણ ગુનેગારોને ઝડપી લઈ રામોલ પોલીસને સોંપતા તેમને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. રામોલ પોલીસે ઓગસ્ટ મહિનામાં લીધેલી અરજીઓના આધારે બે ફરિયાદીનો સંપર્ક કરી તેમની ફરિયાદ નોંધી હતી.