ઊંઝા, તા.૨૧
ઊંઝા તાલુકાના દાસજ ગામે ત્રાટકેલા તસ્કરો સિન્ડિકેટ બેંકના એટીએમ રૂમનું તાળું તોડી અંદરથી 500 કિલો વજનનું આખેઆખું એટીએમ તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી ગયા હતા. એટીએમમાં રૂ.1,12,200ની રોકડ ભરેલી હતી. આ ઘટનાથી ઊંઝા પોલીસ સહિત જિલ્લાની તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. દાસજ ગામે હાઇવે પર સિદ્ધપુર-ખેરાલુ માર્ગ પર જય ગોગા કોમ્પ્લેક્ષમાં આવેલા સિન્ડિકેટ બેંકના એટીએમને બુધવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
જેમાં એટીએમના રૂમનું તાળું તોડી આખું એટીએમ ઉખાડીને લઈ ગયા હતા. ગુરુવારે સવારે 10 વાગે જાણ થતાં શાખા મેનેજર ઈરફાન મંડોરીએ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સ્થાનિક પોલીસ તેમજ વિસનગર ડીવાયએસપી વ્યાસ, એલસીબી પીઆઇ નિનામા તેમજ ડોગ સ્કવોડ, ફિંગરપ્રિંટ અને એફએસએલ ટીમ ઘટના સ્થળ દોડી આવી હતી. ઊંઝા પીએસઆઇ પાટીલે જણાવ્યું કે, એટીએમનું નબળું ફાઉન્ડેશન એટલે કે જમીનમાં માત્ર બેથી ત્રણ ચાર ઇંચના બોલ્ટથી જ ફીટ કરાયું હતું.
બેંક મેનેજર ઈરફાન મંડોરીએ જણાવ્યું કે, 500 કિલો વજનનું એટીએમ ઉપાડી જવું એક-બે માણસના હાથની વાત નથી. બેન્ક અને એટીએમના શટર અને જાળીનાં કુલ 5 તાળાં તૂટ્યાં કે ખૂલ્યાં એ જ મૂંઝવણ છે. જો તૂટ્યાં હોય તો શટરના નકૂચાને ઘસારો કે નુકસાન થયું હોય પણ એકપણ લિસોટો પડ્યો નથી. મારા સિવાય બેન્કની બીજી ચાવી અનુજ ગૌતમ પાસે રહે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઊંઝા શહેરમાં એસબીઆઇના એટીએમમાં 12 જુલાઇ, 2019એ ચોરી થઇ હતી.તાલુકામાં 68 દિવસમાં આ બીજું એટીએમ તૂટ્યું છે.
સ્થાનિક પોલીસ અને વિસનગર પોલીસ તપાસમાં સિન્ડીકેટ બેંક બહારનો કેમેરો ઊંચો કરી તસ્કરો બેંક અને એટીએમનાં પાંચ તાળાં તોડી બેંકમાં ઘૂસી સીસીટીવીનું ડીવીઆર કટરથી કાપીને તેમજ એટીએમને જમીનમાંથી ઉખાડીને લઈ ગયાનું ખુલ્યું હતું. એટીએમમાં બુધવારે બપોરે 3 વાગે રૂ. એક લાખ મુકાયા હતા અને અગાઉના મળી કુલ રૂ.1.35 લાખ જમા હતા. બેંક પાસે સિક્યુરિટી ગનમેન ન હોવાથી બેંકના સમય દરમિયાન જ એટીએમ ચાલુ રખાય છે.
સમગ્ર ઘટના અંગે ગામના આગેવાને જણાવ્યું કે, પોલીસ નાઈટ પેટ્રોલીંગનો અભાવ તેમજ દાસજ ધાર્મિક ધામ હોવા છતાંય એના મુખ્ય માર્ગે નોનવેજના ખુલ્લા ધાબાઓમાં માદક પીણાં પણ મળતા હોવાથી આસપાસના ગામના લુખ્ખા તત્વો અડીંગા જમાવે છે, જે પણ આવી ઘટના માટે જવાબદાર હોઈ શકે.