ઊંઝા, તા.૦૧
જીએસટી વિભાગે ઊંઝાની જીરૂ-વરિયાળીની લે-વેચ કરતી એસ. નારાયણ એન્ડ કંપની તેમજ હયાન ટ્રેડિંગ કંપનીમાંથી બોગસ ખરીદ-વેચાણ મામલે રૂ. 29.90 લાખની વસૂલાત માટે તજવીજ હાથ ધરાતાં વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. થોડા દિવસ પહેલાં સુરતના કપરાડામાં જીએસટીની મોબાઇલ સ્કવોડના હાથે ઇ-વે બિલ વગર પકડાયેલા જીરૂ-વરિયાળીના જથ્થા સાથેની ગાડીના આધારે મહેસાણા સંયુક્ત રાજ્યવેરા કમિશ્નરની ટીમે બે દિવસથી ઊંઝાની આ બે ફર્મમાં તપાસ હાથ ધરી હતી. જેમાં બોગસ ખરીદ-વેચાણ દર્શાવી વેરાશાખ લેવા પત્રક ભર્યાનું બહાર આવ્યું હતું.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષમાં અધ્ધરીયા વ્યવહારો બતાવીને બોગસ રીતે સરકારમાંથી આઇટીસી (વેરા શાખા) લેવાના હથકંડા અજમાવાના પ્રયાસો તંત્રના સકંજામાં આવી રહ્યા છે. તાજેતરમાં સુરતના કપરાડામાં ઇ-વે બિલ વગર પકડાયેલી ગાડીના જથ્થાને લઇ તપાસનું પગેરું ઊંઝા સુધી પહોંચ્યું હતું. જેમાં નાયબ રાજ્યવેરા કમિશ્નરની ટીમે શુક્રવારે અને શનિવારે હાથ ધરેલી તપાસ દરમિયાન હયાન ટ્રેડિંગ કંપનીમાંથી બોગસ ખરીદ-વેચાણમાં રૂ.22 લાખ તેમજ એસ.નારાયણ એન્ડ કંપનીમાંથી રૂ. 7.90 લાખ બાકી ટેક્ષ પેનલ્ટી નીકળતાં વસુલાતની તજવીજ કરાઇ હતી. આ બંને ફર્મે વેરાશાખ મેળવવા પત્રકો ભર્યા હતા, વધુ તપાસ ચાલી રહી છે. જોકે તપાસના અંતે ટેક્ષ પેનલ્ટી ભરવા સંમતી દર્શાવી હોવાનું નાયબ રાજ્ય વેરા કમિશ્નર (અન્વેષણ)ના સૂત્રોએ જણાવ્યું હતું.