ઊંઝા તાલુકાના કહોડા ગામે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ યુવકની હત્યા

ઊંઝા, તા.૩૦  ઊંઝા તાલુકાના ગામે વહેલી સવારે ઘરમાં ઘૂસી યુવકની હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. ખાટલામાં ઊંઘી રહેલા યુવકને ધારદાર શસ્ત્રો વડે હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઓટો કન્સલ્ટિંગનો વ્યવસાય કરતો મૃતક યુવક તેના માતા પિતાનો એકનો એક હતો. ઘટનાને પગલે ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ શોધવા મથામણ શરૂ કરી છે

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામે હાહાકાર મચી ગયો છે. પ્રથમ નોરતાની વહેલી સવારે ગામમાં મર્ડર થયાનું સામે આવતાં પંથકમાં શોક ફેલાયો છે. પોતાના ઘેર આરામ કરતા દિલીપસિંહ વજાજી રાજપૂતની ખાટલામાં જ હત્યા કરવામાં આવી છે. આરોપીઓ વહેલી સવારે ઘરમાં ઘૂસી ઓસરીમાં આરામ કરતા યુવક ઉપર ચડી જઇ હથિયારો વડે તૂટી પડ્યા હતા. ગણતરીની મિનિટોમાં ગળા અને માથાના ભાગે હુમલો કરી લોહીલુહાણ હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા.

જાણવા મળ્યા મુજબ 32 વર્ષનો મૃતક યુવક વાહનો લે વેચનો વ્યવસાય કરતો હતો. એકનો એક પુત્ર હોવાથી તેના પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું છે. ઘટનાને પગલે ગામલોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઘર પરિસરમાં જ્યાં જુઓ લોહી ફેલાયેલું હોઇ હત્યારાઓ ખતરનાક હોવાનું મનાય છે.

હત્યાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી. પથારીમાં લોહી જ લોહી પથરાયેલું હતુ. પોલીસ તપાસમાં મૃતકએ પહેરેલા દાગીના શરીર ઉપર અકબંધ હતા. જોકે, મોબાઈલ ગુમ થણાયો હતો અને સ્વીચ ઓફ આવે છે. એલસીબીએ મૃતક દિલીપસિંહ રાજપૂતના મિત ઓટો કન્સલ્ટમાં નોકરી કરતા કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછ કરી છે. તેમજ વેપાર જગ્યાએ પણ તપાસ ચાલુ છે.

લોકચર્ચા મુજબ, મૃતક કોઈ જૂની આંગડિયા લૂંટ કે હિસાબમાં માહિતગાર કે સંકળાયેલો કે 7 કરોડ જેટલી રકમ ચાઉં કરી રાતોરાત મોટી પ્રોપર્ટીનો માલિક બન્યો હતો. એ રકમના હિસ્સેદારોનો ભાગ ન આપવાને લઈ હત્યા થઇ હોઈ શકે છે. ઊંઝા તાલુકાના ઉનાવા પાસે આજથી સવા વર્ષ અગાઉ સિદ્ધપુરના સિંધી વેપારીની લૂંટના ઇરાદે થયેલી હત્યાનો ભેદ હજી ઉકેલાયો નથી. ત્યાં કહોડા ગામે ઓટો કન્સલ્ટન્ટની હત્યાએ ચકચાર મચાવી છે.

આ બાબતે ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ ખરાડીએ જણાવ્યું હતું કે, હત્યા કરવાના કારણો સામે આવ્યા નથી. અમે તમામ બાબતો ઉપર હાલ પૂરતી ચકાસણી કરી રહ્યા છીએ. હત્યારાઓ ગામના કે બહારગામના એ પણ તપાસ હેઠળ છે.