લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રસમાં વધતા જતા આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ પોતાના એક પછી એક ધારાસભ્યો ગુમાવી રહી છે, જેના કારણે કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે કોંગ્રેસના જ નેતાઓ એકબીજાના પગ ખેંચે છે અને કોંગ્રેસની આતંરિક લડાઈમાં કોઈ ત્રીજો પક્ષ લાભ લઇ જાય છે. આતંરિક જૂથવાદના કારણે ધારાસભ્યોની સાથે-સાથે આજે ઊંઝા તાલુકા પંચાયત પણ ગુમાવી છે. કોંગ્રેસના સભ્યોની આંતરિક લડાઈમાં અપક્ષના સભ્ય ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ બની ગયા.
એક રીપોર્ટ અનુસાર, ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રસના સભ્યો દ્વારા અપક્ષના સભ્ય વિપુલ પટેલને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુક માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી. આ તાલુકા પંચાયતમાં 13 સભ્યો કોંગ્રેસના છે, 1 સભ્ય ભાજપનો છે અને 4 સભ્યો અપક્ષના છે. ત્યારે કોંગ્રેસના 7 સભ્યોએ વિપુલ પટેલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના રણછોડ ચૌધરીને માત્ર 4 મત મળતા તેમનો પરાજય થયો હતો. ત્યારે હવે આ તાલુકા પંચાયત પણ ભાજપના હાથમાં જવાની સંભાવના સેવાઈ રહી છે. કારણ કે, તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા અપક્ષના સભ્ય વિપુલ પટેલે ભાજપના સભ્ય ડૉક્ટર આશા પટેલની મુલાકાત લીધી હતી.