અમદાવાદ,તા.04
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં એકબીજાને ભાંડતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિવિધ સ્ટડી ટુરના નામે છેલ્લા પંદર વર્ષમાં એકપણ વખત સ્ટડી ટુરનો રિપોર્ટ રજુ કરાયો નથી.બે મહીના અગાઉ પણ ભાજપના ૧૩૧ અને કોંગ્રેસના ૪૭ કોર્પોરેટરો દક્ષિણભારતના પ્રવાસે જઈ આવ્યા છે.છતાં હજુ સુધી કોઈએ સ્ટડી ટુરનો રિપોર્ટ મુકયો નથી.શહેરીજનોના નાણાંથી ટુર કરનારા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોનુ મહીનામાં એકવખત મળતી સામાન્યસભામાં પ્રદર્શન શહેરીજનાના મુળપ્રશ્નોની ચર્ચા બાજુ પર મુકી દઈને માત્ર ટેન્ડર પુરતુ સમિત રહી ગયુ છે
કહેવાતી સ્ટડીટુરનો લાભ નાગરિકોને મળ્યો નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો અને પદાધિકારીઓમાં પ્રજાના નાણાંથી પ્રવાસ કરવાનો ચસ્કો ઉપડયો હોય એમ છેલ્લા પંદર વર્ષમાં અનેક દેશ અને વિદેશની ટુર ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી છે.પણ આ ટુર પૈકી એકપણ ટુરનો સીધો લાભ અમદાવાદ શહેર કે અમદાવાદના નાગરીકોને થવા પામ્યો નથી.દરેક વખતે જયારે ટુર ગોઠવવામાં આવે છે એ સમયે એક રૂપાળુ નામ આપી દેવામાં આવે છે.સ્ટડી ટુર.આ સ્ટડી ટુરની દરખાસ્ત મંજુર કરતી વખતે મિડીયાને એક અભય વચન આપવામાં આવે છે કે,આ કોર્પોરેટર પરત ફર્યા પછી સ્ટડીટુરનો રિપોર્ટ રજુ કરશે.છતાં એકપણ વખત રિપોર્ટ રજુ કરાયો નથી.વિકાસની ગુલબાંગોની વચ્ચે પગમાં સ્લીપર પહેરીને આગ બુઝાવવાની કામગીરી કરતા ફાયરમેનોને પગમાં ગમ બુટ મળે એની ચિંતા પહેલી કરવી જાઈએ એને બદલે મ્યુનિસિપલ કોર્પોરેટરો સ્ટડી ટુરની ચિંતા કરે છે.
વર્ષ-૨૦૦૩માં જયંતીલાલ પરમારે સિંગાપુરમાં સ્ટન્ડીંગ કમિટીની બેઠક બોલાવી હતી
અમપાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જયંતીલાલ બહેચરદાસ પરમાર વર્ષ-૨૦૦૩માં હતા એ સમયે તેમની સાથે અનેક પદાધિકારીઓ સિંગાપુરના પ્રવાસે ગયા હતા.એ સમયે સૌના આશ્ચર્યની વચ્ચે તેમણે સિંગાપુરથી સ્ટેન્ડીંગ કમિટીનો એજન્ડા બહાર પડાવી સિંગાપુરમાં સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બોલાવી હતી.એ બેઠકનો આજે ૧૬ વર્ષ બાદ પણ અમદાવાદ શહેરને કોઈ લાભ થયો નથી.
સિંગાપુરમાં હતા ત્યાં ટેકસનું ૧૬ લાખનુ કૌભાંડ બહાર આવ્યું
ખડી સમિતિના ચેરમેન એક તરફ સિંગાપુરમાં વિવિધ જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ રહ્યા હતા.ત્યારે અમપામાં રૂપિયા ૧૬ લાખનુ ટેકસ કૌભાંડ બહાર આવ્યુ હતુ.એમાં ખડી સમિતિના ચેરમેનના માનિતા અધિકારીઓની સંડોવણી બહાર આવતા તેમને સસ્પેન્ડ કરાયા હતા
કાનાજી ઠાકોરે આઠ દેશોના પ્રવાસ કર્યા
અમદાવાદ શહેરના પૂર્વ મેયર કાનાજી ઠાકોર પર હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા આશિર્વાદ હતા.એથી જ કાનાજી ઠાકોરે તેમના કાર્યકાળ દરમિયાન આઠ જેટલા દેશોના પ્રવાસ કર્યા હતા
ગૌતમ શાહે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો
પ્રવાસની બાબતમાં શહેરના પૂર્વ મેયર ગૌતમ શાહે પણ એમના અઢી વર્ષના સમયગાળામાં ઓસ્ટ્રેલિયા સહીત અન્ય દેશોના પ્રવાસ કર્યા હતા.એમનો સમય પુરો થઈ ગયો સવા વર્ષ બાદ અમપાની ચૂંટણી આવશે.આજદીન સુધી એમણે સ્ટડીટુરનો રિપોર્ટ રજુ કર્યો નથી
જનમાર્ગના નામે અડધો ડઝન સ્ટડીટુર કરાઈ
અમપા દ્વારા ચલાવાતી બીઆરટીએસ એટલે કે જનમાર્ગ લિ.ના નામે દેશના વિવિધ શહેરોમાં અડધો ડઝનથી વધુ ટુર કરાઈ છે.પણ એનો લાભ અમદાવાદ શહેરને મળ્યો નથી.
બે મહીના પહેલાના પ્રવાસમાં કયા-શું..
-ભાજપના ૧૩૧ અને કોંગ્રેસના ૪૭ કોર્પોરેટરો દક્ષિણ ભારતના પ્રવાસમાં ગયા હતા.
-અક્ષર ટ્રાવેલ્સ,શ્રીરંગ ટ્રાવેલ્સ અને અંજલી ટ્રાવેલ્સે પ્રવાસની જવાબદારી સંભાળી હતી.
-ચેન્નાઈમાં ૧૯,ચંડીગઢમાં ૫૪,કોઈમ્બતુરમાં ૫૮ અને કોચી ખાતે કોંગ્રેસના ૪૭ કોર્પોરેટરો ગયા હતા.
-કુલ ચાર લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો