અમદાવાદ, તા. 19
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગુજરાત કેડરના 1985 બેન્ચના ડીજી રેન્કના આઇપીએસ અધિકારી અનુપ કુમાર સિંઘ (એ.કે. સિંઘ)ની કેન્દ્રમાં દિલ્હી ખાતે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) ના ડાયરેકટર જનરલ (ડીજી) તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર કોણ બનશે તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. જેમાં તેમાં અજય તોમર, આશિષ ભાટિયા, કેશવ કુમાર અને સંજય શ્રીવાસ્તવના નામોની ચર્ચા થઈ રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત કેડરના વધુ એક સિનિયર આઇપીએસ અધિકારીની દિલ્હીમાં નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘ દિલ્હી પ્રતિનિયુક્તી પર જાય છે તેવી ચર્ચા ચાલતી હતી. આ ચર્ચાનો આજે અંત આવી ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શુક્રવારે એક ઓર્ડર પ્રસિદ્ધ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)માં ડાયરેકટર જનરલ (ડીજી) તરીકે નિમણૂંક આપી દીધી છે. અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘને કેન્દ્રમાં એનએસજી કે સીઆરપીએફના ડીજી બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, જે અંગે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનએસજીના ડીજી તરીકે સિંઘની નિમણૂંક કરીને તેની ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.
ગુજરાત કેડરના વર્ષ 1985ની બેન્ચના ડીજી રેન્કના સિનિયર આઇપીએસ એ.કે. સિંઘ આગામી વર્ષના સપ્ટેમ્બર માસમાં વય મર્યાદાને કારણે નિવૃત થવાના છે. ગુજરાત પોલીસમાં રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા પછી સૌથી મોસ્ટ સિનિયર આઇપીએસ તરીકે એ.કે. સિંઘ આવે છે. જો કે સુપ્રીમ કોર્ટના નિયમાનુસાર ડીજી બનવા માટે તેમને એક મહિનો ઓછો પડતો હતો. તેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે એનએસજીના ડીજી તરીકે પ્રતિનિયુક્તીનો હુકમ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, ડીજી એ.કે. સિંઘ કેન્દ્રમાં અગાઉ પણ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી)ના ડીઆઇજી તરીકે પણ રહી ચૂક્યા છે. આમ તેમને કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તીનો ખાસો અનુભવ છે.
પોલીસ કમિશ્નર તરીકે કયાં નામો ચર્ચામાં?
એ.કે. સિંઘની બદલી બાદ શહેર પોલીસ કમિશનર તરીકે વિવિધ નામોની અટકળો ચાલી રહી છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય કુમાર તોમરનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે અને તેમને આ પદ માટે સૌથી અગ્રેસર છે.
આ ઉપરાંત શહેર પોલીસ કમિશનર તરીકે આશિષ ભાટિયા કે જે હાલમાં સીઆઇડી ક્રાઈમના વડા તરીકે ફરજા બજાવે છે. તેઓ અમદાવાદ શહેરના ડીસીપી તરીકે તેમજ ક્રાઈમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જ્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના સ્પેશિયલ ડાયરેકટર અને ઇન્ચાર્જ ડાયરેકટર તરીકે કાર્યરત કેશવ કુમારને પણ અમદાવાદનાં પોલીસ કમિશનર બનાવવામાં આવે તેવી સંભાવના છે તો સંજય શ્રીવાસ્તવ પણ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બની શકે તેવી સંભાવના છે. હાલમાં તેઓ ગુજરાત પોલીસમાં એડિશનલ ડાયરેકટર જનરલ (લૉ એન્ડ ઓર્ડર) તરીકે કાર્યરત છે.