એક બુલેટ ટ્રેનના ઠેકાણા નથી ત્યાં બીજી 4 શરૂ કરવા વિચારણા

મુંબઇ-અમદાવાદ બાદ સરકાર ૪ નવા રૂટો પર બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી આગળ વધી રહી છે. આ માટે રેલ્વે મંત્રાલય દિલ્હી-મુંબઇ, દિલ્હી-કોલકાતા, મુંબઇ-ચેન્નાઈ અને મુંબઇ-નાગપુર રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવાની શક્યતાઓ શોધી રહ્યું છે. એક ટ્રેનના ઠેકાણા નથી ત્યાં બીજી 4 બુલેટ ટ્રેન શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે.

દેશના ૪ મહત્વપૂર્ણ અને અત્યંત વ્યસ્ત રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવા માટે શક્યતા અભ્યાસ શરૂ કર્યો છે. શક્યતા અધ્યયન દ્વારા સરકાર આ માર્ગ પર બુલેટ ટ્રેન ચલાવવા માટે જરૂરી વિગત અને ઇન્ફ્રા જેવા મહત્વના મુદ્દાઓની વિગતોનો અભ્યાસ કરી રહી છે.

શક્યતા અભ્યાસ માટે કન્સલ્ટિંગ એજન્સીની નિમણૂક પણ કરવામાં આવી છે બુલેટ ટ્રેન ખૂબ ખર્ચાળ પ્રોજેક્ટ હોવાના કારણે સરકારનું પ્રથમ પગલું એ શક્યતા અભ્યાસ દ્વારા જમીન શોધવાનું છે કે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પછી, બુલેટ ટ્રેન દેશના અન્ય કોઈપણ રૂટ પર ચલાવી શકાય છે ?

દેશની પહેલી બુલેટ ટ્રેન પ૦૮ કિ.મી.ના મુંબઈ-અમદાવાદ રૂટ પર ચલાવવાની મંજુરી  સરકારે આપી છે.પ્રથમ બુલેટ ટ્રેનના સ્વપ્નને હકીકતમાં બદલવા માટે સરકારે ૨૦૨૩-૨૪ ની અંતિમ તારીખ અથવા લક્ષ્યાંક નક્કી કર્યા છે. ૧,૦૮,૦૦૦ કરોડના મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઘણી સમસ્યાઓ જોવા મળી છે. દેશની પહેલી બુલેટ ટ્રેન તેના નિર્ધારિત લક્ષ્યથી મોડી થઈ શકે છે.