એક બે વખત બિલ ચૂકવવાનું અમપાનું કૌભાંડ અભરાઈ પર

અમદાવાદ, તા.04
વર્ષ-2013માં અમદાવાદ શહેરની મુલાકાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા એ સમયે અમપા દ્વારા શહેરના આ બંનેના રૂટમાં આવતા રસ્તાઓનું રિસરફેસિંગ કરવાથી લઈ થર્મોપ્લાસ્ટિક અને કેટ-આઈ લગાવવા માટે રૂ.125 કરોડનાં કામનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કામના એક કોન્ટ્રાક્ટરને રૂ.2.5 કરોડની રકમનું ચુકવણું અમપાના ટ્રાફિક વિભાગ અને રોડ પ્રોજેક્ટ બંને દ્વારા કરાયું હતું. આ કૌભાંડ ની તપાસને અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોદી અને જિનપિંગની અમદાવાદ મુલાકાત પહેલાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પરિણામે ઠેર-ઠેર ખાડાઓ પડ્યા હતા, જેને લઈને રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા હતા. બંને દેશોના વડા અમદાવાદ આવી રહ્યા હોઈ અમદાવાદ શહેરની છાપ ખરડાય નહીં એ માટે અમપા તંત્ર દ્વારા શહેરના કેશવબાગ પાર્ટીપ્લોટથી પકવાન ચારરસ્તા સુધીનો રોડ,પ્રહલાદનગર રોડ, વસ્ત્રાપુર તળાવ થઈ એસ.જી. હાઈવે, ગુરુદ્વારા સુધીનો રોડ, એરપોર્ટ સર્કલથી શાહીબાગ ડફનાળા સુધીના રસ્તાઓને રૂપિયા 125 કરોડના ખર્ચે માઈક્રો સરફેસિંગ કરવા સાથે થર્મોપ્લાસ્ટિક પેઈન્ટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરાવાઈ હતી. આ કામમાં એક કોન્ટ્રાક્ટર સૂર્યા વોલ કેટ દ્વારા એક જ કામ માટે બે વખત પેમેન્ટ લેવામાં આવતાં ભારે હોબાળો મચ્યો હતો.

રૂ.૨.૫ કરોડની રકમના આ ચુકવણા અંગે અમપાનાં આધારભૂત સૂત્રોનું કહેવું હતું કે, રોડ અને ટ્રાફિક વિભાગ એમ બે વિભાગ દ્વારા આ બિલની ચુકવણી અંગેના કેસમાં બીજી વખત પેમેન્ટ ચૂકવવા અંગેની ફાઈલ મંજૂરી સુધીના તબક્કામાં હતી, પછી શું થયું એ ખબર નથી. આ અંગે અમપા ટ્રાફિક વિભાગના ઈજનેર પી.એ.પટેલને પૂછતાં એમણે કહ્યું, આ તો બહુ જૂની વાત છે. આવા કોઈ બિલની ચુકવણી કરાઈ નથી. આમ એક જ કામના બે વખત બિલની ચુકવણીની બાબતને તંત્રના અધિકારીઓ દ્વારા અભરાઈ પર ચઢાવી દેવામાં આવી છે.

આ અગાઉ એએમટીએસમાં ભાજપના એક સભ્ય જે પોતે ટ્રાન્સપોર્ટર તરીકે એએમટીએસમાં બસો સપ્લાય કરતા હતા તે કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા એક વખત ચૂકવાઈ ગયા બાદ ફરીથી ઝેરોક્ષના આધારે બિલ ચુકવણી કરાઈ હતી, એ વિવાદ પર પણ શાસકોએ ઠંડું પાણી રેડી દીધું છે. કેમ કે મૂળ તો આ કિસ્સામાં શાસક ભાજપ પક્ષની જ આબરૂનું ધોવાણ થાય એમ હતું.