મહેસાણા, તા.૨૩
મહેસાણા આર.ટી.ઓ કચેરી નવા ટ્રાફીક રૂલ્સની અમલવારીના પગલે રવિવારે રજાના દિવસે અરજદારોના કામકાજ માટે ચાલુ રહેતા સવારથી વાહનને એચ.એસ.આર.પી નંબરપ્લેટ ફીટ કરવા માટે ફી ભરવા કાઉન્ટર આગળ અરજદારોની લાઇન લાગી હતી. આ ઉપરાંત જુની આર.સી.બુકના બેકલોગ, લાયસન્સ રીન્યુઅલ, ડુપ્લીકેટ કઢાવાના અરજદારોના કામમાં સ્ટાફ કાર્યરત રહ્યો હતો. જોકે લર્નીગ લાયસન્સનું કામ રવિવારે બંધ હોઇ જાણકારીના અભાવે આવેલા કેટલાક અરજદારોને ફેરો પડ્યો હતો.
રવિવારે આર.ટી.ઓ કચેરીના એચ.એસ.આર.પી ફી કાઉન્ટર આગળ કચેરીનું કામકાજ ચાલુ થાય તે પહેલા સવારે 9.30 વાગ્યાથી અરજદારો કતારમાં ગોઠવાયા હતા. જેમાં બપોરે 12.30 વાગ્યાના અરસા સુધી અરજદારો અરજદારોની ફી મેળવીને રશીદ પ્રક્રિયા શરૂ થઇ હતી ત્યાં વીજપુરવઠો ઠપ્પ થતા પોણો કલાક સુધી અરજદારો અટવાયા હતા. બાદમાં 1.15 વાગ્યાના અરસામાં વીજ સપ્લાય ચાલુ જતા ફરી એચ.એસ.આર.પી ફીટીગની ફી રશીદનું કામ શરૂ થતા અરજદારોએ હાશકારો લીધો હતો. જેમાં રવિવાર દરમ્યાન 40 અરજદારોના વાહનને નવી એચ.એસ.આર.પી ફીટમેન્ટ કરાયુ હતું.
238 અરજદારોએ ફીટીન્ગ ફી ભરી નોધણી કરાવી હતી. જે અરજદાર મેસેજ બાદ તારીખ, સમયની પ્રક્રિયા મુજબ વાહનને એચ.એસ.પી.આર ફીટીગ કરાવી શકશે. આ ઉપરાંત કચેરીમાં જુની આર.સી બુકના 73 વાહનના બેકલોગ કરાયા હતા. લાયસન્સ વિભાગમાં 45 અરજદારોના ડુપ્લેકેટ, રીન્યુઅલ લાયસન્સ તેમજ બેકલોક થયુ હતું. કચેરીમાં સવારથી સાંજ સુધી આર.ટી.ઓ અધિકારી, ઇન્સપેક્ટરો સહિત કર્મચારી સ્ટાફ રાબેતા મુજબ કામગીરીમાં કાર્યરત રહ્યો હતો.
સોસાયટીઓ માટે ખાસ કેમ્પનું આયોજન
આરટીઓ અધિકારી ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે, એચએસઆરપી માટે સોસાયટી કે એપાર્ટમેન્ટના વાહનોના નિયત ડોક્યુમેન્ટ નિયત વેબસાઇડ ઉપર અપલોડ કર્યા બાદ આર.સી.બુક, આઇ.ડી કોપી સાથે કોઇ એક હોદ્દેદાર કચેરીએ આવીને ફી નોધણી કરાવી શકે છે, ત્યારબાદ ઓનલાઇન, મેસેજ પ્રક્રિયાથી નિયત, દિવસ-સમયનો કેમ્પ યોજાશે.