અમદાવાદ,તા:૨૨ એચડીએફસી લાઈફની બ્રાન્ડિગ સ્ટ્રેટજી પ્રભાવ પાડે તેવી છે. વીમા બજારની જરૂરિયાતને પારખીને નવા નવા પ્રોડક્ટ્સ મૂકવા તે એચડીએફસી લાઈફનું એક મોટું જમા પાસું છે. તેના પ્રોડક્ટ્સની વિવિધતા ઉપરાંત પ્રોડક્ટને વધુ મોટા ફલક પર લઈ જવા માટે જુદાં જુદાં પ્રોડક્ટ્સના તૈયાર કરવામાં આવતા મિક્સ ઉપરાંત સંગીન વિસ્તરણ યોજનાએ કંપનીને એક અલગ ફલક પર મૂકી દીધી છે. કંપનીના કામકાજ વધતા રહે અને આવક વધતી રહે તેવા આયોજન સતત થતાં જોવા મળે છે. જીવનવીમાના ક્ષેત્રમાં એચડીએફસી લાઈફનો પ્રોડક્ટપોર્ટફોલિયો સંગીન હોવાનું ઇન્સ્યોરન્સ સેક્ટરના નિષ્ણાતો પણ સ્વીકારે છે. એચડીએફસી લાઈફે બિઝનેસમાં ઉપલબ્ધ બનતી દરેક તકને ઝડપી લીધી છે. 31મી માર્ચ 2019ની સ્થિતિએ એચડીએફસી લાઈફ પાસે 38 વ્યક્તિગત પ્રોડક્ટ્સ અને 11 ગ્રુપ પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો તૈયાર હતો. આ પ્રોડક્ટ્સ સાથે વૈકલ્પિક લાભ આપે તેવા આઠ બીજા પ્રોડક્ટ મિક્સ છે. આ પ્રોડક્ટ્સની મદદથી ભારતના 5.1 કરોડ લોકોને કંપની વીમાનું કવચ પૂરું પાડે છે.
માર્ચ 2019ના અરસામાં સ્ક્રિપનો ભાવ રૂા.345ની આસપાસનો હતો. એપ્રિલથી તેમાં સુધાારની ચાલ જોવા મળી છે. આજે તેની સ્ક્રિપનો ભાવ રૂા. 564ની આસપાસનો છે. તેના પરફોર્મન્સને પરિણામે તે તેના બાવન અઠવાડિયાના ટોચના ભાવની નજીક પહોંચી ગયો છે. આગામી દિવસોમાં તે નવું ટોપ બનાવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. કંપનીનું બજાર મૂડીકરણ-માર્કેટ કેપિટલાઈઝેશન 1.14 લાખ કરોડની આસપાસનું છે. રૂા.10ની મૂળ કિંમતના શેરની બુક વેલ્યુ 28.03ની છે. શેરદીઠ કમાણી રૂા.6.55ની છે. કંપનીનો પીઈ રેશિયો 86.08નો છે. કંપનીએ 16.30 ટકા ડિવિડંડ આપ્યું છે. તેની ડિવિડંડ યિલ્ટ 0.29 ટકાની છે. છેલ્લા ચારેક મહિનાથી તો બજારમાં કંપનીના પડતા શેરના સોદામાંથી 45થી 50 ટકા શેર્સની ડિલીવરી લેવામાં આવતી હોવાનું જોવા મળે છે.
2019-20ના પહેલા ત્રિમાસિક ગાળાને અંતે એટલે કે જૂન 2019ના અંતે કંપનીના નફાની ગયા વર્ષના એટલે કે જૂન 2018ના પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની તુલનાએ ચોખ્ખા નફામાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્રિમાસિક ગાળામાં તેનો નફો રૂા.425 કરોડનો થયો છે. આ ગાળામાં કંપનીએ શરૂ કરેલા નવા બિઝનેસના પ્રીમિયમને કારણે તેની આવકમાં વધારો જોવા મળ્યો છે. વાર્ષિક ધોરણે આ ત્રિમાસિક ગાળાની સરખામણી કરવામાં આવે તો તેની પ્રીમિયમની આવક જૂન 2019ના અંતે રૂા.6536 કરોડની થઈ હતી. આ વધારો કંપનીએ શરૂ કરેલા નવા બિઝનેસના પ્રીમિયમની આવકમાં થયેલા વધારાને પરિણામે આવ્યો હતો. નવા બિઝનેસના પ્રીમિયમમાં આ ત્રિમાસિક ગાળામાં 47 ટકાનો વધારો જોવા મળ્યો હતો. નવા પ્રોડક્ટ લોન્ચ કરવાથી જૂન 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં પ્રીમિયમની રૂા.3926 કરોડની આવક થઈ હતી. આ નવા બિઝનેસમાં માર્જિન પણ 29.8ટકા જેટલો ઊચો હતો.
એચડીએફસી લાઈફના એન્યુઅલાઈઝ્ડ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ (એપીઈ)નું પ્રમાણ પહેલા ત્રિમાસિક ગાળામાં રૂા.1378 કરોડનું રહ્યું હતું. તેમાં 64 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સંચય પ્લસના નામથી તેમણે લોન્ચ કરેલા નવા પ્રોડક્ટ્સને પરિણામે તેમની આવકમાં આ સુધારો જોવા મળ્યો હતો. વીમાના ક્ષેત્રમાં ઇન્નોવેટિવ પ્રોડક્ટ લોન્ચ કરવામાં એચડીએફસી મોખરાની કંપની ગણાય છે. તેને પરિણામે જ તે વીમાના ક્ષેત્રની અગ્રણી કંપની બની ગઈ છે. તેનો રિટર્ન રેશિયો 25 ટકા છે. આ રેશિયો તેની નફો કરવાની ક્ષમતા ઊંચી હોવાનો નિર્દેશ આપે છે. તેથી જ સહજ રીતે તેના માર્જિન પણ અન્યની તુલનાએ ઊંચા છે. માર્જિન 30 ટકા છે. તેના છૂટક કસ્ટમર્સ વધી રહ્યા છે. તેના પ્રોડક્ટ્સને કસ્ટમર્સ તરફથી સારામાં સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તેથી જ સાથી વીમા કંપનીઓની તુલનાએ એચડીએફસી લાઈફ ઊંચું પ્રીમિયમ પણ મેળવી શકે છે. તેના રિટર્ન રેશિયોમાં છેલ્લા 13 મહિનાથી સતત સુધારો જોવા મળી રહ્યો છે. 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળામાં તેમાં 88.8 ટકાનો વધારો થયો છે. અગાઉના વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં રિટર્ન રેશિયો 85ટકાની આસપાસનો હતો. રિટર્ન રેશિયોમાં સાતત્ય હોવાતી માંદગી વધી રહી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. તેથી આ વીમા કંપનીની વીમાની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કંપનીના બિઝનેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. તેથી તેના નવા પ્રોડક્ટ્સ કે બિઝનેસના મૂલ્યમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષની તુલનાએ તેમાં 104 ટકાનો વધારો જોવા મળ્યો છે. માર્જિનમાં થઈ રહેલો તેમના બિઝનેસની નફાકારકતાનો પણ નિર્દેશ આપે છે.
વીમાના ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ઇન્સ્યોરન્સ લેનારાઓને દસ વીસ વર્ષ પછી માસિક કે વાર્ષિક ફિક્સ આવક થતી રહે તેવા વીમામાં વધુ રસ પડી રહ્યો છે. આ બિઝનેસના વિકાસની સંભાવનાઓ ઘણી જ વધારે છે. એચડીએફસી લાઈફ પ્રજાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા નવા પ્રોડક્ટ મિક્સ સાથે માર્કેટમાં આવતી હોવાથી તેની નફાકારકતાને ટેકો મળતો રહે તેવી સંભાવના છે. નવા બિઝનેસમાં આગામી બે વર્ષ સુધી એચડીએફસી લાઈફનો સર્વગ્રાહી વાર્ષિક વિકાસ દર (સીએજીઆર) 30 ટકાની આસપાસનો રહેવાનો અંદાજ છે. તેના માર્જિન 28 ટકાની સપાટીએ જળવાઈ રહેવાની શક્યતા છે. તેથી નવા બિઝનેસનો સર્વગ્રાહી વિકાસ દર 37 ટકાની આસપાસ રહેવાની ધારણા રાખવામાં આવી રહી છે. રિટર્ન ઓન ઇક્વિટીમાં પણ 20થી 25 ટકાનો સુધારો જોવા મળી શકે છે. ઓગસ્ટ મહિના સુધી એચડીએફસી લાઈફે 53 ટકાનું વળતર અપાવ્યું છે. કંપનીના અત્યાર સુધીના પરફોર્મન્સને જોતાં તેના શેર્સના ભાવ પણ ઊંચા જવાની અપેક્ષા બજારના નિષ્ણાતો રાખી રહ્યા છે. સ્ક્રિપનો ભાવ રૂા.570ના મથાળાને વટાવી જાય તે પછી તેમાં સળંગ સુધારો જોવા મળી શકે છે.