એટીએમના ઉપયોગ પર આડેધડ ચાર્જ વસૂલવા પર રિઝર્વ બેન્કે બ્રેક મારી

અમદાવાદ,તા.19
 ઓટોમેટેડ ટેલરિંગ મશીનના માધ્યમથી નાણાંકીય વહેવારો કરનારાઓ પાસેથી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો દ્વારા આડેધડ વસૂલવામાં આવતા ચાર્જ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બ્રેક લગાવી છે. એટીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને નાણાંકીય વહેવાર ન થયા હોય તો પણ તે ખાતેદારે એક એટીએમ ટ્રાન્ઝેક્શન કર્યું હોવાનું ગણી લઈને તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવતા હોવાની રજૂઆતો વધી જતાં રિઝર્વ બેન્કે આ સંદર્ભમાં 16મી ઓગસ્ટે એક પરિપત્ર કરીને નિર્ણય લીધો છે.

ટ્રાન્ઝેકશન પરના ચાર્જથી ખાતેદારો ખોટી રીતે દંડાઈ છે  

અત્યાર સુધીમાં ફેઈલ ગયેલા ટ્રાન્ઝેક્શનને પણ બેન્કે ચાર્જેબલ ગણી લઈને ખાતેદારોના ખાતામાંથી ઢગલો પૈસા ખેંચી લીધા છે. વાસ્તવમાં રિઝર્વ બેન્કે આ ચાર્જ કાર્ડધારકોને પરત અપાવવા જોઈએ. બીજું, ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા ફ્રી ટ્રાન્ઝેક્શન વધારી આપવાના તેના વાયદાને રિઝર્વ બેન્કે પણ પૂરો કરવો જોઈએ. ખાતેદાર તેના ખાતાનું બેલેન્સ ચેક કરે તો પણ તે ટ્રાન્ઝેક્શન ગણાઈ જાય છે. તેથી ખાતેદાર તેના ખાતામાંથી ઉપાડ કરવા જાય અને પૂરતું બેલેન્સ ન હોય તો તેવા સંજોગોમાં પણ તેની પાસેથી ચાર્જ લઈ લેવામાં આવે છે. આ સ્થિતિ પણ ખાતેદારોને અન્યાયકર્તા છે. પોતાના દરેક ખાતામાં કેટલી સિલક છે તે દરેક ખાતેદારને યાદ પણ રહેતું નથી. પોઈન્ટ ઓફ સેલ પર કાર્ડ સ્વાઈપ કરાવનારાઓના બે ત્રણ કે વધુ ટ્રાન્ઝેક્શન ફેઈલ થઈ જતાં હોય છે. તેમાં કેટલીકવાર અપૂરતું બેલેન્સ પણ જવાબદાર હોય છે. છતાં તેને માટે ટ્રાન્ઝેક્શન દીઠ રૂા.17થી 25 વસૂલવામાં આવી રહ્યા છે. તેના પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પણ લાગે છે. આ સ્થિતિમાં પણ કસ્ટમર ખોટી રીતે દંડાઈ રહ્યા છે.

ફેઈલ ટ્રાન્ઝકેશનનો ચાર્જ ના લેવા આરબીઆઈની સુચના

  આમ પ્રકારે ટેકનિકલ કારણસર ફેઈલ થઈ ગયેલા ટ્રાન્ઝેક્શનને ટ્રાન્ઝેક્શન ન ગણવાની સૂચના રિઝર્વ બેન્કે આપી છે. આ જ રીતે રોકડનો ઉપાડ કરવા માટે કે જમા કરવા માટેનો એટીએમમાં વહેવાર ન કરવામાં આવ્યો હોય તેવા વહેવારોના પણ ચાર્જ ન લેવાની સૂચના રિઝર્વ બેન્કે આપી છે. બેન્કના હાર્ડવેર, સોફ્ટવેર કે મેસેજની આપલે કરવા માટેની સિસ્ટમની ગરબડને કારણે જે વહેવારો શક્ય ન બન્યા હોય તેવા વહેવારો માટે એટીએમ કાર્ડધારક પાસેથી ચાર્જ લઈ શકાશે નહિ. આ જ રીતે ટ્રાન્ઝેક્શન કર્યા પછી એટીએમકાર્ડ ધારકને સ્ક્રિન પર મેસેજ મળે કે એટીએમમાં રોકડ છે જ નહિ તો તેવા કિસ્સામાં પણ બેન્ક કસ્ટમર્સના તે ટ્રાન્ઝેક્શનને ફેઈલ ટ્રાન્ઝેક્શન ગણવા બંધાયેલી રહેશે. આ જ રીતે બીજા કોઈ કારણોસર પણ કાર્ડધારક આર્થિક વહેવાર ન કરી શક્યા હોય તો તેને માટે તેમની પાસેથી ચાર્જ લેવાના રહેશે નહિ. ઇનવેલિડ પિનના મેસેજ મોકલવામાં આવ્યા હોય તેવા મેસેજવાળા આર્થિક વહેવારને પણ ફેઈલ ટ્રાન્ઝેક્શનની કેટેગરીમાં જ મૂકવાના રહેશે.

સફળ ટ્રાનેઝેકશન જ કાયદેસર અને ફ્રી ગણાશે

જોકે જે બેન્કે કાર્ડ ઇશ્યૂ કર્યો હોય તે બેન્કના એટીએમમાં ખાતામાં પડેલી સિલકની ચકાસણી કરવા માટે, ચેકબુક ઇશ્યૂ કરવા માટે, જુદા જુદા વેરા ચૂકવવા માટે અને ફંડ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવેલા વહેવારોને મફત ટ્રાન્ઝેક્શનની કેટેગરીમાં ગણવામાં આવશે નહિ, એમ રિઝર્વ બેન્કના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. આ સંજોગોમાં દરેક સફળ ટ્રાન્ઝેક્શનને જ કાયદેસર અને મફત ગણવામાં આવશે. હા, તેમાં બેન્કની નીતિ મુજબ ફ્રી અને ચાર્જેબલ ટ્રાન્ઝેક્શનની ગણતરી કરીને બેન્ક ચાર્જ વસૂલી શકશે.

એટીએમ કાર્ડધારકોને ટ્રાન્ઝેકશન દીઠ ઉંચા ભાવ બંધ થાય

રિઝર્વ બેન્કે રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો દ્વાર એટીએમના વપરાશ માટે એક ટ્રાન્ઝેક્શનદીઠ રૂા.20 જેવા ઊંચા ચાર્જ વસૂલવામાં આવે છે તેના પર પણ બ્રેક લગાવવી જોઈએ. બેન્કના કાર્ડની કેટેગરી પ્રમાણે એક વહેવારમાં નાણાંના ઉપાડ કરવાની મર્યાદા મૂકવામાં આવેલી છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો સ્ટેટ બેન્કે રૂા.20000 જ એક ટ્રાન્ઝેક્શનમાં ઉપાડવાની છૂટ આપેલી છે. હવે કાર્ડધારકને રૂા.50000 ઉપાડવા હોય તો તેણે તે માટે ત્રણ ટ્રાન્ઝેક્શન કરવા પડે છે. મહિનાના પાંચ જ ફ્રી ટ્રાન્ઝેક્શન હોય તેવી સ્થિતિમાં આ વ્યવસ્થા એટીએમ કાર્ડધારકને દંડવા જેવી લાગે છે. તેમજ ડિજિટાઈઝ ઇન્ડિયાની કેન્દ્ર સરકારની ઝુંબેશમાં પણ અવરોધ નિર્માણ કરે છે. એચડીએફસી કાર્ડમાં રોકડના ઉપાડની મર્યાદા કાર્ડની કેટેગરી પ્રમાણે રૂા. 25000થી રૂા. 1 લાખ સુધીની છે. તેમ જ આઈસીઆઈસીઆઈ બેન્કમાં આ મર્યાદા રૂા. 50,000થી રૂા.1.5 લાખની છે.  આ જ રીતે પોતાની સિવાયની બેન્કના એટીએમમાંથી નાણાંનો ઉપાડ કરે તો તેના પર વધારે ચાર્જ લેવામાં આવે છે અને ઉપાડની મર્યાદા અડધી કે તેનાથીય ઓછી કરી દેવામાં આવે છે. દ્રષ્ટાંત આપીને વાત કરવામાં આવે તો સ્ટેટ બેન્કો કાર્ડ ધારક ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાંથી રૂા.30000નો ઉપાડ કરવા જાય તો તેણે તે માટે ત્રણ ટ્રાન્ઝેક્શન કરવાની ફરજ પડે છે, કારણ કે અન્ય બેન્કમાંથી તે એક સમયે રૂા.10000થી વધુનો ઉપાડ કરી શકતો નથી. આ બાબતે રિઝર્વ બેન્કના પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી. તમામ બેન્ક કોર બેન્કિંગની સુવિધાની વાત કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. પરંતુ સ્ટેટ બેન્કની હોમબ્રાન્ચ એટલે કે જે શાખાના ગ્રાહકનું ખાતું હોય તે સિવાયની શાખામાંથી ગ્રાહક કે ખાતેદાર નાણાં જમા કરાવવા જાય તો રૂા. 5000 જમા કરાવવા માટે રૂા.50નો ચાર્જ લઈ લે છે. એચડીએફસી બેન્કના કિસ્સામાં પણ આવુ જ છે. કાર્ડધારકનો કાર્ડ  ખોવાઈ જતાં તેણે અર્જન્સીમાં એચડીએફસીની સેટેલાઈટ બ્રાન્ચમાંથી તેના ખાતામાં રૂા.5000 રહેવા દઈ તમામ રકમનો ઉપાડ  કરી લેતા તેની પાસેથી હોમ બ્રાન્ચ સિવાયની બ્રાન્ચમાંથી નાણાંનો ઉપાડ  કરવા માટે રૂા.1200નો ચાર્જ વસૂલ્યો હતો. આ પ્રકારે કરનારી બેન્કોના રિઝર્વ બેન્કે દંડ કરવો જોઈએ અને તે રકમમાંથી ખાતેદારને થયેલા દંડની રકમથી બમણી રકમ જમા કરાવવાની ફરજ પાડવી જોઈએ.

ટ્રાન્ઝેકશન ચાર્જનો દર દરેક બેન્કમાં સમાન હોવો જોઈએ

એટીએમના ટ્રાન્ઝેક્શનની સુવિધા આપનારી બેન્કો દ્વારા લેવામાં આવતા ચાર્જ એક સરખા હોય તે પણ જરૂરી છે. દરેક રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેન્ક પોતાની મરજી પ્રમાણે એટીએમ ટ્રાન્ઝેક્શનના ચાર્જ નક્કી કરે છે. તેમ જ દરેક બેન્કમાં ફ્રી ટ્રાન્ઝેક્શન એક સરખા જ હોવા જોઈએ. તેમાં તફાવત ન જ હોવો જોઈએ. તેમ જ ચાર્જેબલ ટ્રાન્ઝેક્શન માટે લેવાનો થતો ચાર્જ પણ સરખો જ હોવો જોઈએ.

પીએમ મોદીના ડીજીટલ ઈન્ડીયાને અવરોધ

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કરેલી વાતને દોહરાવતા  અમદાવાદ જિલ્લા સહકારી બેન્કના એક અધિકારી કહે છે કે એટીએમનો ઉપયોગ વધી જતાં બેન્કના કાઉન્ટર પર જઈને પૈસા ઉપાડનારાઓની સંખ્યા ઘટી છે. તેટલા પ્રમાણમાં બેન્કને સ્ટાફની જરૂર ઓછી થઈ છે. તેવી જ રીતે પહેલા બેન્કે ગ્રાહક દ્વારા જમા કરવા માટે આપવામાં આવેલા ચેકને વટાવવા માટે કુરિયર સર્વિસથી કે માણસ રાખીને તેમના માણસને મોકલવા પડતા હતા. હવે દરેક બેન્કોએ વટાવવા માટે મળેલા ચેકની ઇમેજ જ મોકલી આપવી પડી રહી છે. આ સ્થિતિમાં તેમના કામનો બોજો ખાસ્સો ઓછો થઈ ગયો છે. આ બધાંનો લાભ ગ્રાહકોને મળે તેવી જોગવાઈ બેન્કોએ સામે ચાલીને કરવી જોઈએ. ચેક વટાવવા માટે કરવા પડતા ખર્ચ કરતાં એટીએમનો ખર્ચ ઘણો ઓછો થઈ ગયો છે. તેથી એટીએમ બેન્કોના ચેક ટ્રાન્ઝેક્શનના ચાર્જ ઓછા થતાં હોવા છતાંય તેઓ એટીએમથી વહેવારો કરનારા પાસેથી વધુને વધુ ચાર્જ વસૂલવાનું વલણ અપનાવીને ડિજિટલ ઇન્ડિયાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવામાં અવરોધ ઊભો કરી રહ્યા છે. એટીએમ કાર્ડ ઇશ્યૂ કરવા માટે પણ રૂા. 100થી 200ના ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. બેન્કો દ્વારા સામાન્ય ખાતેદારો પાસે એક યા અન્ય બહાને વધુ ચાર્જ લેવામાં આવી રહ્યા છે. પોતાની બેન્કના એટીએમનો ઉપયોગ કર્યો કે પછી અન્યની બેન્કના એટીએમનો ઉપયોગ કર્યો તેના પર પણ ચાર્જ અલગથી લેવામાં આવી રહ્યા છે.