એફઆઇઆઇ અને સ્થાનિક સંસ્થાઓએ ગયા સપ્તાહે શેરોમાં ચોખ્ખી લેવાલી કરી હતી

અમદાવાદ,તા:૨૨

સતત છ દિવસની તેજી બાદ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઇન્ફોસિસની આગેવાનીએ આઇટી શેરોમાં  નફારૂપી વેચવાલી થઈ હતી. આઇટી શેરો પર વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણને આવ્યા હતા. આઇટી શેરોને કારણે દિવસભર બજારનો મૂડ ખરાબ થયો હતો. ઇન્ફોસિસના મેનેજમેન્ટ પર લાગેલા ગંભીર આરોપોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી સેન્સેક્સ 335 પોઇન્ટ તૂટીને 38,963.84ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 72 પોઇન્ટ તૂટીને 11,600ની નીચે 11589.90ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ચાર ટકા તૂટ્યો હતો. ઇન્ફોસિસ 16 ટકા તૂટ્યો હતો.

ઇન્ફોસિસના મેનેટમેન્ટ પર ગંભીર આરોપ હતા કે કંપનીએ ખોટી રીતે નફો અને આવક વધારીને દર્શાવ્યા છે. આમ ઇન્ફોસિસને લીધે બજારનું વાતાવરણ ખરડાયું હતું. જેથી નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 4.81 ટકા તૂટ્યો હતો. આઇટીની સાથે ઓટો અને મેટલ અને મિડિયા શેરોમાં પણ વેચવાલી રહી હતી. જોકે બેન્ક શેરોમાં લેવાલી હતી. જેથી બેન્ક નિફ્ટી 1ય02 ટકા વધ્યો હતો. પસંદગીના મિડકેપ અને સ્મોલકેપ શેરોમા પણ સુધારો થયો હતો.એફઆઇઆઇ ફરી એક વાર ગયા સપ્તાહે ચોખ્ખી લેવાલ રહ્યા હતા. એફઆઇઆઇએ ગયા સપ્તાહે રૂ. 3,213.17 કરોડના શેરો ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાઓએ પણ રૂ. 2,184.81 કરોડના શેરો ખરીદ્યા હતા.

મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 15 શેરો ઘટ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 27 શેરો વધ્યા હતા અને 23 શેરો  ઘટ્યા હતા. આ સાથે બીએસઈ પર 11313 શેરો વધ્યા હતા અને 1318 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 1091 શેરો વધ્યા હતા અને 1089 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 9 શેરો વધીને બંધ રહ્યા હતા.

ઇન્ફોસિસના શેરમાં છ વર્ષનો સૌથી મોટો ઘટાડો, માર્કેટ કેપમાં રૂ. 52,600 કરોડનો ઘટાડો

ઇન્ફોસિસના શેરોમાં બજાર ખૂલતા જ મોટો ઘટાડો નોંધાયો હતો. જેને કારણે શેર 16 ટકા તૂટી ગયો હતો, જે છ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. જેથી રોકાણકારોને  માર્કેટ કેપ રૂ. 52622 કરોડનો ઘટાડો નોંધાયો હતો. જેથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો થયેલો શેર હતો. જોકે એક દિવસ પહેલાં કંપનીના મેનેજમેન્ટ પર કેટલાક ગંભીર આરોપ લાગ્યા હતા. જેને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું. ઇન્ફોસિસને કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ પણ ખરાબ થયું હતું. એનએસઈ પર ઇન્ફોસિસના શેરનું નવ કરોડનું વોલ્યુમ હતું.  દિવસના અંતે 16.65 ટકા તૂટીને રૂ. 640ના સ્તરે બંધ  રહ્યો હતો.

એફપીઆઇએ ઓક્ટોબરમાં રૂ. 5072 કરોડનું મૂડીરોકાણ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય મૂડીબજારમાં ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં રૂ. 5072 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. સરકારે માગ વધારવા માટે લીધેલાં પગલાંને આવકારીને તેમણે ખરીદી કરી છે. ડિપોઝીટરીના તાજેતરના આંકડા મુજબ એફપીઆઈએ 1થી 18 ઓક્ટોબર દરમિયાન ઈક્વિટી માર્કેટમાં રૂ. 4970 કરોડની નેટ ખરીદી કરી હતી, જ્યારે ડેટ માર્કેટમાં રૂ. 102 કરોડની સાધારણ નેટ ખરીદી કરી હતી. આમ, ડેટ અને ઈક્વિટી મળીને કુલ રૂ. 5072 કરોડની નેટ ખરીદી તેમણે કરી હતી. અગાઉ સપ્ટેમ્બરમાં તેમણે રૂ.  6557.8 કરોડની નેટ ખરીદી કરી હતી. તેમણે જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વેચવાલી કરી હતી.

કંપનીઓનો ચોખ્ખો નફો બીજા ત્રિમાસિકમાં 12.5 ટકા વધ્યો

કંપનીઓનાં પરિણામોની મોસમ ચાલી રહી છે ત્યારે કંપનીઓના બીજા ક્વાર્ટરનાં પરિણામનો પ્રારંભિક ટ્રેન્ડ ચોખ્ખા નફામાં વૃદ્ધિનો સંકેત આપે છે. જોકે ચોખ્ખા નફામાં વૃદ્ધિનું મુખ્ય કારણ કોર્પોરેટ ટેક્સમાં તાજેતરનો ઘટાડો છે. આવકમાં 10 ટકાથી ઓછી વૃદ્ધિ માંગ પર દબાણ દર્શાવે છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરનું પરિણામ જાહેર કરી ચૂકેલી 69 કંપનીના કુલ ચોખ્ખા નફામાં અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં 12.5 ટકા વધારો નોંધાયો છે, જે છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી વધુ છે. જોકે, આવકમાં વૃદ્ધિ 5.6 ટકા રહી છે, જે પાંચ ક્વાર્ટરની નીચી સપાટી છે. બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીઓ સિવાય આવક અને ચોખ્ખા નફામાં વૃદ્ધિ અનુક્રમે 4.9 ટકા અને 10.5 ટકા રહી છે. બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને ગણતરીમાં લીધા વગર આવક અને નફામાં વૃદ્ધિના નીચા આંકડા બેન્કોની કામગીરીમાં વાર્ષિક ધોરણે સુધારો સૂચવે છે.

વેરા વસૂલાતની કુલ આવકમાં રૂપિયા બે લાખ કરોડ જેટલી ઘટ પડવાનો અંદાજ

કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા એક આંતરિક એસેસમેન્ટમાં ચાલુ નાણાકીય વર્ષની  વેરા મારફતની કુલ આવકમાં રૂપિયા બે લાખ કરોડ જેટલી ઘટ પડવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના બજેટમાં વેરા મારફત રૂપિયા ૨૪.૬૦ લાખ કરોડની આવક થવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. સુસ્ત આર્થિક સ્થિતિ, ટેક્સ પ્રવાહ અને રાજકોષીય સ્થિતિ પર નાણાં પંચે નાણાં મંત્રાલય પાસેથી નવેસર આવેદનપત્ર મગાવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૨૨.૭૦ લાખ કરોડના અંદાજ સામે વેરા મારફતની આવક રૂપિયા ૨૦.૮૦ લાખ કરોડ રહી હતી. આમ ગયા નાણાકીય વર્ષમાં વેરા મારફતની આવકમાં રૂપિયા ૧.૯૦ લાખ કરોડની ઘટ પડી હતી. ગયા નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૬.૮૦ ટકા સાથે પાંચ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. વેરા મારફતની આવકમાં ઘટનો અર્થ રાજ્યોને નાણાંની ફાળવણી કરવામાં સ્રોતોનો અછત રહેશે. ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્રની વેરા મારફતની નેટ આવકનો અંદાજ રૂપિયા ૧૬.૫૦ લાખ કરોડ મૂકવામાં આવ્યો છે. આનો અર્થ રાજ્યોને ચૂકવવા માટેની રકમનો આંક રૂપિયા ૮.૧૦ લાખ કરોડ રહેશે.