પાટણ, તા.૧૩
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એમફિલ અભ્યાસક્રમ માટે યોજાયેલ ઓનલાઇન પ્રવેશ પરીક્ષામાં 583માંથી ફક્ત 241 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાં 16 વિષયોમાંથી અંગ્રેજીમાં 4, સંસ્કૃતમાં 2 અને ફીઝીકલ એજ્યુકેશનમાં તો એક પણ વિદ્યાર્થી પાસ થયો ન હતો. જેને લઈ બેઠકો જેટલા વિદ્યાર્થીઓ પાસ ન થતા યુનિવર્સિટી દ્વારા આ વિષયોની ફરી પરીક્ષા યોજવા માટે ચર્ચા વિચારણા હાથ ધરાઈ છે અને 50 ટકા વિદ્યાર્થીઓ નપાસ થતા બેઠકો જેટલા જ વિદ્યાર્થીઓ પાસ થતા પાસ થનાર વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપવામાં આવશે.
યુનિવર્સિટી દ્વારા 9 થી 11 ઓક્ટોમ્બર એમફિલના 16 વિષયોની કુલ 261 બેઠકો માટે ઓનલાઇન પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ દરમ્યાન 583 વિદ્યાર્થીઓ વિષય પ્રમાણે પરીક્ષા આપી હતી. જેમાંથી ફક્ત 241 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. દરેક વિષયોમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા સામે 50 ટકા સંખ્યા નપાસ થવા પામી છે. જેમાં 3 વિષયોમાં તો શરમજનક પરિણામ આવ્યું હતું. 10 વિષયમાં બેઠકો સમકક્ષ ઉમેદવારપાસ થવા પામ્યા હતા. ફક્ત કોમર્સ, ગુજરાતી અને લો ત્રણ વિષયોમાં જ બેઠકો કરતા વધુ ઉમેદવારો પાસ થયા છે, જેથી આ ત્રણ વિષયના આગામી 13 ઓક્ટોબરના રોજ વાયવા લેવાશે અને 10 વિષયોમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા બેઠકો સમકક્ષ હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી સીધો પ્રવેશ આપવામાં આવશે.
અંગ્રેજી વિષયમાં 22 બેઠકો માટે 57 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4 પાસ, સંસ્કૃત વિષયમાં 22 બેઠકો માટે 26 ઉમેદવારોમાંથી 2 પાસ અને ફીઝીકલ એજ્યુકેશનમાં 5 ઉમેદવારોએ પરીક્ષા આપી પણ એક પણ પાસ થયો ન હતો ત્યારે ત્રણેય વિષયોમાંથી બેઠકો સામે સંખ્યા પાસ ન થતા ખાલી પડી રહેલ જગ્યાઓ ભરવા માટે યુનિ. દ્વારા આ ત્રણેય વિષયોની પ્રવેશ પરીક્ષા લેવાનો પ્રાથમિક નિર્ણય લેવાયો છે અને ચર્ચા વિચારણા કરી આખરી નિર્ણય લેવાશે તેવું પરીક્ષા કન્વીનર ડો.એમ.બી. પ્રજાપતિએ જણાવ્યું હતું.
પરીક્ષા સમિતિના સભ્ય ર્ડા લલિત પટેલે જણાવ્યું કે, એમફિલની પ્રવેશ પરીક્ષા ઓનલાઇન લેવાય છે. જેમાં દરેક ઉમેદવારોને અલગ અલગ પ્રશ્નપત્ર પોતાના કમ્પ્યુંટરમાં મળે છે. એમાં જ તેને જવાબ આપવાના હોય છે જેથી કોઈ કોપી કે ગેરરીતિ થાય તેવી શક્યતાઓ નથી ત્યારે ઉમેદવારો પોતાના વિષયને લગતી પૂરતી તૈયારીઓ કર્યા વગર સીધા પરીક્ષા આપવા આવી જાય છે.એ જ છાત્રો નપાસ થાય છે. પ્રશ્નપત્રો સરળ જ હતા જે પુરતી તૈયારીઓ સાથે આવ્યા હતા એ પાસ થયા છે.