એમફીલમાં 261 બેઠકોમાં 189 છાત્રોનો વાયવા વિના સીધો પ્રવેશ છતાં 72 બેઠકો ખાલી

પાટણ, તા.૧૭
હેમચંદ્રાચાર્ય યુનિવસિટી દ્વારા યોજાયેલ એમફિલની પ્રવેશ પરીક્ષામાં બેઠકો જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ ન થતા 13 વિષયોમાં વાયવા વગર જ સીધો પ્રવેશ આપવા છતાં 72 બેઠકો ખાલી રહેવા પામી છે, ત્યારે ત્રણ વિષયોમાં બેઠકો 50 ટકા કરતા વધુ ખાલી રહેતા દિવાળી બાદ ફરી પરીક્ષા યોજવા નિર્ણય લેવાયો છે.

યુનિવસિઁટીમાં એમફિલ અભ્યાસક્રમમાં 16 વિષયોની 261 જગ્યા માટે ઓનલાઇન પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. જેમાં 500 થી વધુ પરીક્ષાર્થીઓમાંથી તમામ લો, મનોવિજ્ઞાન, કેમેસ્ટ્રી, એજ્યુકેશન અને કોમર્સ વિષયને બાદ કરતા બીજા તમામ વિષયોમાં 50 ટકા સંખ્યા પણ પાસ થવા પામી ન હતી. જેને લઇ બેઠકો જેટલા ઉમેદવારો પાસ ન થતા 13 ઓક્ટોમ્બરના રોજ વાયવા લેવાનું મોકૂફ રાખી પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને સીધા પ્રવેશ આપવામાં આવ્યા હતા, છતાં એમફિલના 5 વિષયો બાદ કરતા 11 વિષયોમાં બેઠકો ખાલી રહેવા પામી હતી. જેમાં અંગ્રેજી સંસ્કૃત અને ફીઝીકલ એજ્યુકેશન વિષયોમાં બે અને 3 જ વિદ્યાર્થીઓ પાસ થયા હોય 50 ટકાથી વધુ બેઠકો ખાલી રહેતા ત્રણેય વિષયોની બેઠકો ભરવા માટે ફરી પરીક્ષા લેવા માટે નિર્ણય લેવાયો છે. તેવું પરીક્ષા કન્વીનર ડૉ એમ બી પ્રજાપતિએ જણાવ્યું હતું.