એરપોર્ટ પાસે ઈંગ્લીશ સ્કૂલ વિદ્યાર્થિની સામે બિભત્સ ચાળા કરતો ભાવેશ પકડાયો

શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળના હાંસોલ તલાવડી પાસે આવેલી જાણીતી ઈંગ્લીશ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ શાળાએ આવતી હોય ત્યારે તથા છુટીને ઘરે પરત ફરતી હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી કેટલાક શખસો દ્વારા ખુલ્લેઆમ છેડતી કરવામાં આવતી હતી જેના પગલે વિદ્યાર્થિનીઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

આ અંગે કેટલીક વિદ્યાર્થિનીઓએ હિંમત દાખવી શાળાના શિક્ષકોને રજુઆત કરી હતી. શિક્ષકો પણ વિદ્યાર્થિનીઓની રજુઆતથી ચોંકી ઉઠયા હતાં. વિદ્યાર્થિનીઓની છેડતીના પગલે શાળાના શિક્ષકે આ અંગે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી શિક્ષકની રજુઆતના પગલે પોલીસ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતાં.

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મહિલા એલઆરડી તરીકે ફરજ બજાવતા સંગીતાબેન તથા અન્ય મહિલા સ્ટાફને આવારા તત્વોને ઝડપી લેવાની કામગીરી સોંપી હતી જેના પગલે સંગીતાબેન તથા તેમની ટીમ શાળાની આસપાસ ખાનગી ડ્રેસમાં વોચ રાખતી હતી આ દરમિયાનમાં ગઈકાલે સ્કુલમાંથી છુટેલી વિદ્યાર્થિનીઓની એક શખ્સ ખુલ્લેઆમ મશ્કરીઓ કરી બિભત્સ ચેનચાળા કરતો હતો.

આ શખ્સને જાતા જ મહિલા ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને સંગીતાબેને તાત્કાલિક આ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી હતી પુછપરછ કરતા આ શખ્સ સરદારનગર જવાહર કોલોનીમાં જ રહે છે અને તેનું નામ ભાવેશ પ્રકાશભાઈ ખીયારી હોવાનું ખુલવા પામ્યુ છે પોલીસે ભાવેશની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.