એલ.જી.હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી સારવાર ખર્ચ વસૂલાયું.

અમદાવાદ શહેરમાં રવિવારે બનેલી ઘટના બાદ એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા તમામ દર્દીઓની સારવારનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે એવી જાહેરાત પછી પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ પાસેથી સારવાર ખર્ચ વસુલવાની સાથે બહારથી જરૂરી ચીજા મંગાવવામાં આવી હોવાનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે ગોમતીપુરના ઈકબાલ શેખે કહ્યુ,દર્દીઓને કેસ ચોપડી કાઢવાથી લઈને કોઈને બેલ્ટની જરૂર હોય તો તેની પાસેથી ૯૦૦ રૂપિયા તો કોઈને સીટીસ્કેન કે એમઆરઆઈની જરૂર હોય તો તેની પાસેથી પણ ખર્ચ કરાવવામાં આવ્યો છે.આ અંગે અમે ગૃહમંત્રી સમક્ષ રજુઆત કરવા પણ ગયા હતા.પરંતુ અમને સિકયોરીટી દ્વારા રોકી રાખવામાં આવ્યા હતા.મેયર સમક્ષ પણ પુરાવા રજુ કરવાની તૈયારી બતાવી હતી.ઉપરાંત આગામી બોર્ડ બેઠકમાં પણ આ મામલે ગૃહમાં ઉગ્ર રજુઆત કરવાનો છું.એલ.જી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ ૨૮ દર્દીઓને સુપર સ્પેશીયલ સેવાની જરૂર છે.જે એલ.જી.માં ઉપલબ્ધ નથી.તો શા માટે આ તમામને નવી એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાનો તંત્ર કે ભાજપ દ્વારા કોઈ નિર્ણય ત્રણ દિવસ થવા છતાં લેવામાં આવતો નથી.