અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા, ગટર અને સ્ટ્રોમ વોટરના કામો ત્રીસથી પાંત્રીસ ટકા ઓછા ભાવથી આપવાની પ્રથા શરૂ થઈ છે. આ પ્રથાને કારણે છ માસ પહેલા જ બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે, રોડ પર ગાબડાં દેખાય છે. આ કારણે જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરોને લોકોના આક્રોશનો ભોગ બનવું પડે
અમદાવાદ શહેરના ઝડપી વિકાસના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ કમિટીઓ દ્વારા રસ્તા, ગટર, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સહિતના કરોડો રૂપિયાના કામો મૂળ કિંમત કરતા પણ ત્રીસથી પાંત્રીસ ટકા જેટલી ઓછી કિંમતથી આપવામાં આવી રહ્યા છે. જેને કારણે આ કામોની ગુણવત્તા જળવાતી નથી. અમપા દ્વારા શહેરના છેવાડે આવેલા નિકોલ, ઓઢવ, ચિલોડા અને નારોલ સહિતના વિસ્તારોમાં નવી ટી.પી. ઝડપથી વિકસાવવાના ઓઠા હેઠળ રોડ અને બિલ્ડીંગ કમિટી હોય કે પછી વોટર અને સુઅરેજ કમિટી હોય આ કમિટીઓમાં કરોડો રૂપિયાની દરખાસ્તો બહુમતીના જારે મંજૂર કરી દેવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આજ પરિસ્થિતિ છે. જેને કારણે આ વિસ્તારોમાં રહેતા સ્થાનિક રહીશોને શોષાવું પડે છે.
ઓછા ભાવથી કામ કરવાનું, વહીવટ પણ કરવાનો
વિપક્ષના એક કોર્પોરેટરે નામ ન આપવાની શરતે કહ્યું, ૩૫ ટકા ઓછા ભાવથી એક વખત કામ લીધા પછી પણ કોન્ટ્રાકટરને અધિકારીઓ અને રાજકારણીઓને સાચવવાના ઉપરાંત પોતાનો પ્રોફિટ પણ જોવાનો આ બધું બાદ કરતા જે રકમ બાકી રહે એમાંથી જે તે કામ પુરૂં કરવાનું પછી કેવી રીતે કામમાં બરકત આવે?
બોર્ડમાં બોલવાની તક મળતી નથી
મહિનામાં એકવખત મળતી અમપાની સામાન્ય સભામાં વિપક્ષના એક કે બે સભ્યો બોલે ત્યાં સુધીમાં બોર્ડ પુરૂં થઈ જતું હોવાથી અમારે જે રજૂઆત કરવી હોય છે તે કરી શકતા નથી.
લોકોને એલ.વન કે એલ ટુમાં રસ નથી
અમદાવાદ શહેરમાં લોએસ્ટ વન કે ટુ દ્વારા કામ કરાયું એની સાથે લોકોને કોઈ મતલબ નથી, એમને તો એમના વિસ્તારમાં સારા રોડ બને ગટરલાઈન વ્યવસ્થા હોય, પાણી ન ભરાય એમાં જ રસ હોય છે. આમ છતાં શાસક પક્ષ જરૂર કરતાં પણ નીચા ભાવથી ટેન્ડરો આપવાનો આગ્રહ રાખવામાં આવતો હોવાથી આવનારા છ માસ કે બાર મહિનામાં આ શહેરનો ખરેખર કેવો વિકાસ થાય છે એ ખબર પડી જશે એમ વિપક્ષના કોર્પોરેટરે આક્રોશ સાથે કહ્યું છે.