એસટીની 27 ટકા બસ જોખમી

અમદાવાદ,તા.23
ચાલુ વર્ષમાં એસ ટી નિગમની બસના અકસ્માતના કારણે 105 લોકોનાં મોત થયા છે. ગુજરાતની પ્રજાને સારી બસ સેવા મળે તે માટે સરકારે રૂ.906 કરોડ 2018-19માં આપ્યા હતા. તેમ છતાં ભંગાર થઈ ગયેલી જૂની બસો દોડાવવામાં આવી રહી છે.

900 કરોડમાંથી 50 લાખની કિંમતની 18000 નવી બસો ખરીદી કરી શકાય છે છતાં ખરીદવા માં આવતી નથી. એસ ટી પાસે હાલ 8508 બસો છે જેમાંથી 2342 બસ કિલોમીટર પૂરા કરી ચૂકી છે. 28 ટકા બસ નકામી છે. 8 લાખ કિલોમીટર રસ્તા પર ચાલી હોય તેને ભંગાર બનાવાય છે.

ભંગાર એન્જીન ધરાવતી અને ગમે ત્યારે અકસ્માત થઈ શકે એવી 2342 બસોમાં 6.75 લાખ મુસાફરો રોજ મુસાફરી કરી રહ્યાં છે. તહેવારોમાં આ સંખ્યા 7 લાખ થઈ જાય છે.જૂનાગઢ અને નડિયાદની ડેપોમાં તો 37.36 ટકા બસ સાવ નકામી છે.

લગ્નમાં સરકારની છેતરપીંડી..

લગ્ન પ્રસંગમાં જાનમાં જવાનું કોને ન ગમે. પણ જો લગ્ન પ્રસંગ માટે એસટીની સસ્તી બસ સેવા જે ખાસ જાન જોડવા માટે શરૂ કરાઇ છે. બસ પણ અકસ્માત સર્જી શકે છે. કારણકે સરકારે આ સસ્તી બસ સેવા માટે ફાળવેલી બસના કિલોમીટર પૂરા થઇ ચૂક્યા છે. સરકાર જાન માટે રૂ.1200માં બસ આપે છે તે જૂની હોય છે.

ગરીબોની મજાક..

ગરીબ અને સામાન્ય પરિવાર પણ સલામત રીતે જાન જોડે તેવા હેતુસર સરકારે લગ્ન પ્રસંગ માટે શરૂ કરી હતી સસ્તા દરની સેવા પણ સસ્તાની આ સ્કિમની વરવી વાસ્તવિક્તા એ છે કે આખા રાજ્યમાં આપવામા આવેલી 126 બસ એવી છે જેના કિલોમીટર પૂરા થઇ ચૂક્યા છે.

ભંગારવાડામાં લઈ જવાના સમયે તેમાં લગ્ન જેવા શુભ પ્રસંગો માટે જાન જોડવામા આવે ત્યારે અકસ્માત થાય તેવી પૂરી શકયતા છે.

સસ્તી સવારી અલામત સવારી..

ભાવનગરના રંઘોડામાં ટ્રકમાં જતી જાનના ગમખ્વાર અકસ્માત બાદ રાજ્ય સરકારે જાન જોડવા માટે શરૂ કરેલી સસ્તી બસ સેવાની આરટીઆઇમાં બહાર આવેલી આ હકિકત ચોંકાવનારી છે ત્યારે આ હકિકતથી એસટી બસની સસ્તી સવારીનું સુત્ર નિરર્થક સાબિત થાય છે.

બ્રેક ડાઉન થવાના કારણે લોકોની હાલાકી વધે છે. બસો રિપ્લેસ કરવા એસટી યુનિયનો સહિત અન્ય લોકોએ લાંબા સમયથી માગણી કરી હોવા છતાં નિગમના અધિકારીઓ વિશે ધ્યાન દેતા નથી.

અમદાવાદથી નાથદ્વારા, ઉદયપુર, નાકોડા, રાણકપુર, દ્વારકા, માઉન્ટ આબુ, ઝાલોર જેવા લાંબા રૂટ પર જે બસો દોડાવવામાં આવે છે તેમાંથી અનેક બસોના કિલોમીટર પૂરા થઈ ગયા છે. આવી બસો સ્ક્રેપ કરવાના બદલે સતત રોડ પર દોડાવવામાં આવી રહી છે. બ્રેક ડાઉન થતાં ડ્રાઈવરો કંડક્ટરો સાથે પેસેન્જરોની રકઝક પણ થાય છે.

એસ.ટી.નિગમની તમામ બસોને ૮ લાખ કિલોમીટર દોડી ગયા બાદ સ્ક્રેપ કરવામાં આવતી હોય છે. તેના સારા પાર્ટ્સ કાઢીને ઉપયોગમાં લેવામાં આવે છે. બાકીની તમામ વસ્તુઓને ભંગારમાં વેંચી દેવામાં આવે છે.

ગુજરાતમાં ૩૨૦૦ નવી બસો આપવાનું સરકારે જાહેરાત કરી હતી. પણ આપી નથી. એસ.ટી.માં દરરોજ 25 લાખ લોકો મુસાફરી કરે છે. છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, વાહન વ્યવહાર પ્રધાન રણછોડ ફળદુને સહેજ પણ ચિંતા નથી. ભલે વર્ષે 150 લોકો મોતને ભેટે.