એસવીપી હોસ્પિટલમાં કોંગોના કારણે હળવદના વધુ એક દર્દીનું મોત નિપજયું

અમદાવાદ,તા,6

રાજ્યભરમાં હાહાકાર મચાવનાર કોંગો વાયરસના કારણે આજે અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં એક વધુ મોત નિપજ્યું છે. જેથી હવે કોંગોના કારણે મૃત્યુ પામનાર નો આંકડો પાંચ થયો છે. આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેમાંથી કુલ પાંચ વ્યક્તિના  મોત નીપજ્યાં છે.

વધુ એક મોતથી મૃત્યુઆંક પાંચ

આજે અમદાવાદની વી એસ હોસ્પિટલ કેમ્પસ માં બનેલી એસ વી પી હોસ્પિટલમાં મોરબી, હળવદના એક પુરુષ દર્દીનું મૃત્યુ થયું છે. આ અંગે એસ વી પી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો એસ ટી મલ્હાન કહે છે કે હળવદ જિલ્લાના  મોરબીના રહેવાસી એક પુરુષ દર્દીનું આજે એસ વી પી હોસ્પિટલમાં કોંગો વાયરસને કારણે મોત નીપજ્યું છે. જેથી રાજ્યમાં કોંગો વાયરસના કારણે મોતને ભેટનાર વ્યક્તિનો આંકડો હવે કુલ પાંચ થયો છે.

તાવ જેવી બિમારીમાં તુરંત મેડીકલ ટ્રીટમેન્ટ માટે આદેશ

બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા પણ ખાસ કરીને કોંગો ઉપરાંત ડેન્ગ્યુ, ફાલસીફેરમ ના તાવના કેસ ઉપર મોનીટરીંગ વધારવા આદેશો જારી કરાયા છે.  રાજ્યભરમાં કોંગો, ડેન્ગ્યુ, મેલેરિયા અને ફાલસીફેરમ ઉપરાંત ટાઇફોઇડના કેસો સતત વધી રહ્યા છે. તાવ અને તેવી અન્ય બીમારી માં દર્દીઓને તુરંત મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સૂચનાઓ જારી કરાઈ છે.

આરોગ્ય વિભાગ દ્રરા 104 હેલ્પલાઈન શરુ કરવામા આવી

જે મુજબ તાવ ઉપરાંતની મેડિકલ ટ્રીટમેન્ટ અંગે પણ મેડીકલ હેલ્પલાઈન ૧૦૪ નંબર સામાન્ય નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને તાવ અંગે યોગ્ય માર્ગદર્શન આપવાનો છે.  મેડિકલ હેલ્પલાઇન ૧૦૪ના સૂત્રો જણાવે છે કે જ્યારથી કોંગો વાયરસના કેસ જોવા મળી રહ્યા છે ત્યારથી હેલ્પલાઇન ઉપર લોકોના ફોનકોલ્સ પણ વધી ગયા છે.

આ સાથે મેડિકલ હેલ્પલાઈન ઉપર શંકાસ્પદ લાગતા તમામ કેસમાં મેડિકલ ટીમ દ્વારા યોગ્ય તપાસ કરવાના આદેશો પણ જારી કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવે છે.