ગાંધીનગર : સુરતના હજીરા ખાતે આવેલા એસ્સાર સ્ટીલ લી. પાસેથી પાણી વેરા પેટે રૂ.6 કરોડની માતબર રકમ બાકી હોવાનું મુખ્ય પ્રધાને ગુજરાત વિધાનસભામાં જાહેર કર્યું હતું. એસ્સાર સ્ટીલ લિ. હજીરા, સુરત પાસેથી પાણી વેરા પેટે સ્થાયી દર, વપરાશી દર, પેનલ્ટી અને વ્યાજની રકમ પેટા રૂ. ૮૯.63 કરોડની રકમ વસૂલવાની બાકી હતી. આ રકમ વસૂલવા માટે તા. ૩૧-૦૫-૨૦૧૯ ની સ્થિતિએ છેલ્લા છ માસમાં શું પગલાં લેવામાં આવ્યા છે? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો તેનો જવાબ મુખ્ય પ્રધાને આપ્યો હતો, કે કંપની દ્વારા ઉપરોક્ત પીવાના પાણીની આકરણી સામે વાંધો હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે. કોંગ્રેસનાં ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પ્રશ્નોતરીમાં પ્રશ્ન કરીને માહિતી માંગી હતી. પણ વડી અદાલતમાં કેસ કેમ કરવામાં આવ્યો છે તેના કારણો રૂપાણી સરકારે જાહેર કર્યા નથી.
અન્ય કંપનીઓ પાણ પાણી ચોર
વડોદરા, સુરત અને અંકલેશ્વર ખાતેના યુનિટોમાં લેવામાં આવેલા પાણી બદલ રીલાયન્સ પાસેથી રૂ.44.32 કરોડ જેટલી માતબર રકમનો પાણી વેરો વસૂલવાનો થતો હોવાની માહિતી રાજ્ય સરકારે ગઈ વિધાનસભામાં આપી હતી. એસ્સાર કંપની પાસેથી પણ તેના સુરતના યુનિટમાં 29.87 કરોડના વેરાની વસૂલાત બાકી હોવાનું ત્યારે જાહેર કર્યું હતું. સુરત ખાતે તાપી નદી પર આવેલા સીંગણપોર વિયરમાંથી એસ્સાર અને રીલાયન્સને પાણી પુરૂ પાડવામાં આવે છે.
અંકલેશ્વરમાં 10.87 કરોડની વસૂલાત બાકી છે
અગાઉની વિધાનસભામાં આપેલી માહિતી પ્રમાણે સુરતમાં એસ્સાર પાસેથી પાણી વેરા પેટે કુલ 29.87 કરોડ વસૂલવાના થાય છે જેમાંથી ગ્રેસ પીરીયડ રકમ 20.29 કરોડ છે, જ્યારે નેટ બાકી રકમ 9.58 કરોડ છે. જે પૈકી 5.95 કરોડની પીવાના પાણીની આકારણી સામે કંપનીએ હાઇકોર્ટમાં પિટીશન કરી છે. બાકીની રકમ વસૂલવા નોટીસ અપાઇ હતી. રીલાયન્સના સુરત યુનિટમાં 23.42 કરોડની કુલ જ્યારે 3.46 કરોડની નેટ રકમ બાકી છે. વડોદરામાં કુલ 10.03 કરોડ અને અંકલેશ્વરમાં 10.87 કરોડની વસૂલાત બાકી છે. રીલાયન્સે પણ પીવાના પાણીની 1.66 કરોડની આકારણી સામે હાઇકોર્ટમાં પીટીશન કરી છે જ્યારે બાકીની રકમ વસૂલવા માટે નોટીસ અપાઇ છે.