ઓગષ્ટ મહિનામાં ઘટેલો વિકાસ દર ૨૦૦૮ ની મંદી જેટલો જ નીચો

અમદાવાદ,તા.૦૭

દેશની આર્થિકસ્થિતિ ઉપર નજર રાખી રહેલી નોમુરા સંસ્થાએ જે હાલનો અહેવાલ રજૂ કર્યો છે તે આંચકાજનક છે. દેશની દારૂણ આર્થિકવૃધ્ધિની સ્થિતિ દર્શાવતા આ અહેવાલે દેશના અર્થશાસ્રીઓ, સરકાર અને ઉદ્યોગકોરોને પુનઃવિચારણા કરવા મજબૂર કરી દીધાં છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ગત ઓગષ્ટમાં જે રીતે પાંચ ટકા કરતાં ઓછો વિકાસ દર નોંધાયો છે તે 2008-09ની મંદીની યાદ અપાવી જાય છે. એક દશક કરતાં પણ વધુ સમય પહેલાં જે મંદીનો માર દેશની જનતાએ સહન કર્યો છે તેવી જ સ્થિતિ આ રિપોર્ટમાં રજૂ કરવામાં આવી છે. તેમાંય  બીજી ત્રિમાસિક ગાળામાં પણ વિકાસ દર તળિયે પહોંચ્યો હતો તે ચિંતાજનક તો છે જ પરંતુ આગામી સમયમાં આવનારા આર્થિકક્ષેત્રના કપરા સમયના એંધાણ આપતા જાય છે.

ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતનો કાપડ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ સહિતના તમામ ક્ષેત્ર ઠપ્પ થઇ ગયાં છે. હાલમાં જ સુરતમાં 40 હજાર કામદારોની રોજીરોટીનો છિનવાય તેની અણી  ઉપર છે. ત્યારે માસિક અહેવાલ અનુસાર  ગત જૂન માસમાં વિવિધ ક્ષેત્રની 19 માપદંડોને  આધારે રજૂ કરવામાં આવેલા અહેવાલમાં સેવા, ઉત્પાદન, વ્યાપાર અને વેરાનો સમાવેશ કરાયો છે.

બીજીતરફ નોમુરાએ દેશના 6 ટકાના આર્થિક વિકાસ દરના અનુમાન સામે  પણ સવાલો ઉભા કર્યા છે. ચાલુ વર્ષે 6.9 ટકાના વૃધ્ધિ દર દેશ કંઇ રીતે હાંસલ કરી શકશે તેની પણ નોમુરાને શંકા હતી. જોકે આરબીઆએ એમપીસીની બેઠકમાં ઓગષ્ટમાં જ વિકાસ દરનું અનુમાન 6.9 ટકાથી ઘટાડી દીધું હતું.

સરકારી આંકડા મુજબ દેશના  મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઓગષ્ટ સુધીના એક વર્ષ દરમિયાનના સમયગાળામાં ઉત્પાદન, નિકાસમાં પણ મોટાપાયે ઘટાડો થયો નોંધાયો હતો. જેની અસર વર્તાઇ રહી છે. જોકે સરકાર આ તમામ સ્થિતિથી સુપેરે વાકેફ છે અને તેથી જ આર્થિકસ્થિતિને વેગવંતી બનાવવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. જોકે સરકારનો દાવો છેકે આર્થિક પગલાંની  સકારાત્મક અસરો માટે થોડી રાહ જોવી પડશે..નોમુરાનો દાવો છેકે નોન બેંકિંગ સેક્ટરના નબળુ પ્રદર્શન પણ હાલની વિપરીત પરિસ્થિતિ માટે એક પરિબળ છે.