ઓઢવમાં કુટણખાનામાં 9 યુવતીઓને છોડાવાઈ

મહિલા દલાલો અને ગ્રાહકો વિરુદ્ધ ફરિયાદ દાખલ
ઓઢવમાં આવેલાં સરણીયાવાસમાં દરોડો પાડી પોલીસે લોહીનો વેપાર કરતી મહીલાઓ, ગ્રાહકો અને દલાલોને ઝડપી લીધા છે. રૂમોમાંથી કેટલાંક શખ્સો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે મહિલા દલાલો દ્વારા રૂપિયાની લાલ આપી બોલાવાયેલી 9 યુવતીઓને આ કુટણખાનામાંથી છોડાવી હતી.

બે મહિલા દલાલો ધનીબેન શંકરભાઈ સરણીયા અને લક્ષ્મીબેન વિનોદભાઈ સરણીયા પોતાની રૂમોમાં મોટાં પ્રમાણમાં કુટણખાનું ચલાવતી હતી. મહિલા દલાલો બહાર ગામથી યુવતીઓને બોલાવી તેમની પાસે લોહીનો વેપાર કરાવતી હતી.

તેમની આ પ્રવૃત્તિઓને કારણે આસપાસનાં રહીશોમાં પણ વ્યાપક ફરીયાદો ઉઠી હતી. અને તમામે વિરોધ કરવા છતાં આ કુટણખાનું બેરોકટોક ચાલતું હતું. અનૈતિક પ્રવૃત્તિઓને કારણે લુખ્ખા અને આવારાં તત્ત્વોની અવરજવર વધતાં વિસ્તારની અન્ય મહિલાઓનું પણ ઘરની બહાર નીકળવાનું દોહયલું બન્યું હતું. જેની જાણ પોલીસને થતાં જ બુધવારે સાંજે સાડા આઠ વાગ્યાનાં સુમારે ઓઢવ પોલીસની ટીમો મહિલા કર્મચારીઓ સાથે ત્રાટકી હતી.

પોલીસે તમામની અટકાયત કરી હતી. આ ઊપરાંત સરણીયાવાસમાં રૂમોની તપાસ કરતાં કેટલાંક ગ્રાહકો પણ કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે કુલ નવ જેટલી યુવતીઓને અહિંથી છોડાવ્યા બાદ બંને મહિલા દલાલો તથા ગ્રાહકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.