અમદાવાદ, તા.૧૫
નરોડા વિસ્તારમાં પત્નીઓના ચારિત્ર્ય અંગે શંકા રાખી કાકા-ભત્રીજાએ પોત પોતાની પત્નીઓની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વર્ષ 2001ના ઓનર કિલીંગ કેસમાં ક્રાઈમ બ્રાંચે તબક્કાવાર રીતે બંને આરોપીઓને ઝડપી લીધા છે. થોડાક મહિના પૂર્વે કાકાની ધરપકડ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્ર ખાતેથી ભત્રીજાને પણ ઝડપી લીધો છે.
વર્ષ 2001માં નરોડા કેવડાજીની ચાલી વિસ્તારમાં આવેલા હરીદર્શન ફલેટમાં રહેતા કાકા-ભત્રીજાએ પોતાની પત્નીઓ નવા વર્ષની રાતે હત્યા કરી નાંખી બાળકોને મૃતદેહોની સાથે મુકી દઈ ઘરના દરવાજાને બહારથી બંધ કરી ફરાર થઈ ગયા હતા. નરોડા પોલીસે આ મામલે બેવડી હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. હત્યા કેસમાં ફરાર મુનેશ ઉર્ફે મુન્ના ઉર્ફે લલ્લુ રામજીતસિંગ ભદોરીયા (રહે. મધ્યપ્રદેશ)ની થોડાક મહિના પૂર્વે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમે મુનેશ ભદોરીયાની સાથે હત્યામાં સામેલ ભત્રીજા નરેન્દ્ર ઉર્ફે પપ્પુ ઉર્ફે શકીના મહાદેવસિંગ ભદોરીયા (ઉ.47 રહે. રેલવે સ્ટેશન પાસે, પૂર્ણા, મહારાષ્ટ્ર મૂળ રહે. મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી છે. નરેન્દ્ર ઉર્ફે પપ્પુ અને તેના કાકા મુનેશને પોતાની પત્નીઓના ચારિત્ર્ય અંગે શંકા હોવાથી તેમની હત્યાનો પ્લાન બનાવી અંજામ આપ્યો હતો.