ઓનલાઇન હાજરીમાં સહકાર ન આપતી કોલેજોના અધ્યાપકો-આચાર્યોની ફાઇલો અટકશે

અમદાવાદ,તા.05

રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગે દરેક કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન હાજરી પુરવાની તૈયારી શરૂ કરી છે,અધ્યાપકોએ તેનો વિરોધ શરૂ કરતાં હવે હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા અધ્યાપકોના જુદા જુદા કામની ફાઇલો રોકવાનુ શરૂ કર્યુ છે. હાયર એજ્યુકેશન વિભાગે શિક્ષણજગતના ઇતિહાસમા પ્રથમ વખત આ પ્રકારની કાર્યવાહી કરતાં નછૂટકે આચાર્યોએ હવે ઓનલાઇન હાજરી માટે જરૂરી ડેટા મોકલવાનો નિર્ણય કરવો પડયો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓએ આખરે સમગ્ર શિક્ષણજગતને બાનમાં લઇને ધાર્યુ કામ કરાવવાની તૈયારી શરૂ કરતાં આગામી દિવસોમાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો રાજયમાં પડે તેમ છે.

ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને આચાર્યો વચ્ચે તુ તુ મે મે

હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા એક વર્ષથી તમામ કોલેજોમા ફરજ બજાવતાં અધ્યાપકો-વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફની ઓનલાઇન હાજરી પુરવા અને આ હાજરી દરરોજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો સૌથી પહેલા વિરોધ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોના અધ્યાપકો અને આચાર્યોએ શરૂ કર્યો છે. હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ સાથે સળંગ બે વખત થયેલી બેઠકોમાં અધ્યાપક અને આચાર્યોએ આ પ્રોજેક્ટ કોઇપણ રીતે વ્યાજબી ન હોવાથી તેનો અમલ થઇ શકે તેમ નથી તેવો અભિપ્રાય અને નિર્ણય પણ જાહેર કરી દીધો હતો. ત્રણ દિવસ પહેલા મળેલી ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને આચાર્યોની બેઠકમાં તુ-તુ મે-મે થતાં મંત્રણા જ પડી ભાંગી હતી. ઉશ્કેરાયેલા હાયર એજ્યુકેશનના અધિકારીએ તાકીદે યુજીસીના આધારે એક પરિપત્ર જાહેર કરીને દરેક કોલેજમાં અધ્યાપકોને સાત કલાક હાજર રહેવાનો આદેશ જાહેર કરી દીધો હતો.

 

ઓનલાઈન હાજરીમાં સહકાર નહી તો ફાઈલ કલીયર નહી

હાયર એજ્યુકેશન ડીપાર્ટમેન્ટના અધિકારીઓના આ પ્રકારના વર્તન ઉપરાંત હાલમાં સમગ્ર રાજયમાંથી અધ્યાપકો અને આચાર્યો સહિતના જુદા જુદા પેન્ડીંગ કામો પણ અટકાવી દેવામાં આવ્યા છે. આચાર્યો કહે છે નોકરીમાં ચાલુ છે તેવા જ નહી પણ જે અધ્યાપકો નિવૃત્ત થઇ ચુક્યા છે તેમના કામોની ફાઇલો પણ રોકી રાખવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસોથી અધ્યાપકો-આચાર્યોના એકપણ કામો થતાં નથી. આગામી દિવસોમાં પણ કામો થાય તેવુ લાગતુ નથી. આચાર્યોના કહેવા પ્રમાણે હવે ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ રીતસર આડોડાઇ પર ઉતર્યા હોય તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી છે. જો ઓનલાઇન હાજરીમાં સહકાર ન આપો તો તમારી એકપણ ફાઇલો કલીયર નહી કરવામાં આવે તેવી પરોક્ષ રીતે ધમકી આપી દેવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના આ પ્રકારના વર્તનના કારણે હાલ અધ્યાપક અને આચાર્ય મંડળમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે. પણ હાલ સત્તા આગળ શાણપણ નકામુ એ ઉક્તિ પ્રમાણે હાલ પુરતુ સરકાર સાથે બાથ ભીડવાના બદલે આચાર્ય અને સંચાલક પમંડળે પરિપત્ર કરીને તમામ કોલેજોના પ્રિન્સિપાલ-પ્રોફેસરોને એવી સૂચના આપવામાં આવી છે કે, સરકાર દ્વારા જે કોઇ ડેટા મંગાવવામાં આવે તે તાકીદે આપી દેવો. જો આમ, કરવામાં નહી આવે તો વિભાગ દ્વારા અધ્યાપકો-આચાર્યોની ફાઇલો રોકવામાં આવશે. જેના લીધે ભારે મુશ્કેલી ઉભી થાય તેમ છે. આમ ન થાય અને દરેક અધ્યાપકો-આચાર્યોના કામો થતાં રહે તે માટે ઓનલાઇન હાજરી માટે જે વિગતો વિભાગ માંગે તે આપીદેવા સૂચના આપી દેવામાં આવી છે.

ખાયા પીયા કુછ નહી ગીલાસ તોડા બાર આના જેવી સ્થિતિ

ગ્રાન્ટેડ કોલેજના પ્રિન્સિપાલ કહે છે હાયર એજ્યુકેશન વિભાગ દ્વારા જે ઓનલાઇન પ્રોજેક્ટ લાગુ કરવાની વાત કરવામાં આવે છે તેમાં માત્ર સોફ્ટવેર અને આ પ્રથા લાગુ કરવામાં કામ કરનારી એજન્સી સિવાય કોઇને ફાયદો થાય તેમ નથી. કારણ કે કલાસમાં 187 વિદ્યાર્થીઓની હાજરી લેવી શકય નથી. અધિકારી એવો દાવો કરે છે મુખ્યમંત્રીના ટેબલ પર દરરોજ સમગ્ર ગુજરાતની કોલેજોના અધ્યાપકો-આચાર્યની હાજરી દર્શાવામાં આવશે. હાસ્યાસ્પદ બાબત એ કે, કચ્છના નાના ગામમાં આવેલી કોઇ કોલેજમાં કોઇ અધ્યાપક હાજર ન હોય તે મુખ્યમંત્રી જાણીને શુ કરશે અને જો તેઓ જાણે તો પણ તેની સામે કોલેજના ટ્રસ્ટી સિવાય કોઇ પગલાં લઇ શકે તેમ નથી. હાલ તો માત્ર ઓનલાઇન પ્રોજેક્ટ તૈયાર કરતી કોઇ એજન્સી માટે સરકાર કવાયત કરતી હોય તેવુ લાગી રહ્યુ છે તેમ સંચાલકો કહે છે.