અમદાવાદ,શનિવાર
દેશના રિટેઇલર્સ દ્વારા લેવલ પ્લેયિંગ ફિલ્ડ મળે તે માટે કરવામાં આવી રહેલી માગણીને ધ્યાનમાં લઈને ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓને માલનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા રિટેઇલર્સ, હોલસેલર્સ કે સ્ટોકિસ્ટને આપવામાં આવતા ડિસ્કાઉન્ટથી વધુ ડિસ્કાઉન્ટ ગ્રાહકને ન આપવા દેવાનો નિયમ સરકારે લાગુ કર્યો છે. આ પગલું દેશભરના રિટેઇલર્સ દ્વારા લેવલ પ્લેયિંગ ફિલ્ડ આપવાની કરવામાં આવી રહેલી માગણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. જોકે સરકારના આ નિર્ણયની મોટી અસર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરનારી કંપનીઓ પર પડવાની સંભાવના છે.
વિદેશી કંપનીઓ ઇ-કોમર્સના માધ્યમથી ભારતીય રિટેઈલર્સને ખતમ કરી રહ્યા હોવાની ફરિયાદ સાથે જ દેશભરના રિટેઈલર્સ દ્વારા હોબાળો મચાવવામાં આવતા સરકારને આ પગલું લેવાની ફરજ પડી છે. સરકારના આ નિર્ણયને પરિણામે સીધા વિદેશી રોકાણથી ચાલતી વૈશ્વિક સ્તરની ઈ-કોમર્સ કંપનીઓને મોટો ફટકો પડશે. ઇ-કોમર્સ કંપનીઓના ઓનલાઈન વેચાણના પ્લેટફોર્મ પરથી પોતાનો માલ વેચતી ટોચની પાંચ કંપનીઓના નામ અને અન્ય તમામ વિગતો સરકારે મંગાવી છે. આ વેન્ડર્સ દ્વારા તેમને કયા ભાવથી માલ ઓફર કરવામાં આવી રહ્યો છે. તેમની મૂડીના માળખાની વિગતો પણ સરકારે મંગાવી છે. તેમ જ તેમના બિઝનેસ મોડેલ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમની વિગતો પણ સરકારે મંગાવી છે.
સીધા વિદેશી રોકાણને છૂટ આપતા ભારત સરકારના નિયમ હેઠળ ઇ-કોમર્સના મોડેલમાં વિદેશી કંપનીઓ ઓટોમેટિક રોકાણના માધ્યમથી 100 ટકા સુધીનું રોકાણ કરી શકે છે. હા, આ રોકાણ કરવાની છૂટ તો આપવામાં આવી છે, પરંતુ તેની સાથે સાથે જ કેટલાક નિયમોનું પાલન કરવાની પણ ફરજ પાડવામાં આવી છે. ગત ફેબ્રુઆરીમાં પણ સરકારે ઇ-કોમર્સ કંપનીઓ માટે એક નવો નિયમ દાખલ કરીને તેમના પ્લેટફોર્મ પર વેચવામાં આવતી વસ્તુઓ પર અંકુશ રાખવાની કે તેના પર માલિકી હક્ક જતાવવા સામે મનાઈ ફરમાવવામાં આવી હતી.
આ નિયમને વધુ ધારદાર બનાવવા માટે ઇ-કોમર્સ પોલીસીમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ઇ-કોમર્સના પ્લેટફોર્મ પર વેચવામાં આવતી વસ્તુઓ બનાવતી કંપની પાસેથી 25 ટકાથી વધુ ઇન્વેન્ટરી ઇ-કોમર્સ કંપની પાસે હશે તો તેવા સંજોગોમાં તે વસ્તુઓ ઇ-કોમર્સ કંપનીના કે અન્ય કોઈ કંપની કે ગ્રુપ ઓફ કંપનીના અંકુશ હેઠળ જ હોવાનું માનવામાં આવશે. આ રીતે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરનારી ઇ-કોમર્સ કંપની એફડીઆઈ માટેના કાયદાકીય જોગવાઈને તોડી-મરોડીને તેના પોતાના અંકુશ હેઠળના વેન્ડર-વેપારી મારફતે પોતાનો જ માલ ન વેચતી ઇ-કોમર્સ કંપની ન કરે તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. ઇ-કોમર્સ માટેના નિયમોમાં અલગથી એક એવી શરત પણ મૂકવામાં આવી છે કે માલ વેચતી કંપનીમાં ઇ-કોમર્સ કંપનીનો કોઈપણ પ્રકારે ઇક્વિટી સ્ટેક હોય એટલે કે તે કંપનીના શેર્સ ઇ-કોમર્સ કંપની પાસે હોય તો તેવા સંજોગોમાં તેનો માલ ઇ-કોમર્સ કંપની વેચી શકશે નહિ. તેવી જ રીતે ઇ-કોમર્સ કંપની વેચાણ કિંમત અસર પડે તે રીતે વેપાર કરી શકશે નહિ. તેમ કરીને રિટેઈલર્સ અને ઇ-કોમર્સ કંપનીઓને લેવલ પ્લેયિંગ ફિલ્ડ એટલે કે સ્પર્ધા કરવાની એક સમાન તક મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આમ માલનું વેચાણ કરતી કંપની દ્વારા જ જે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હોય તે સિવાય કે તેનાથી વિશેષ ડિસ્કાઉન્ટ ઇ-કોમર્સ કંપનીઓ આપી શકે જ નહિ તેવી જોગવાઈ કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો માલનું ઉત્પાદન કરતી કંપની દ્વારા આપવામાં આવેલા ડિસ્કાઉન્ટથી વધુ ડિસ્કાઉન્ટ ઇ-કોમર્સ કંપનીઓ આપી શકશે નહિ.
રિટેઈલર્સ દ્વારા દેશભરમાંથી કરવામાં આવી રહેલી ફરિયાદોને ધ્યાનમાં લઈને સરકાર હવે આ નિયમનું પાલન ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે નહિ તેની ચકાસણી કરવા માગે છે. આ ચકાસણી પૂરી થયા પછી કદાચ સાચી હકીકત બહાર આવશે. સરકારનો ઇરાદો તો ઇ-કોમર્સ કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની રિટેઈલર્સને સમાન તક મળી રહે તે જોવાનો છે. પરંતુ તેની સીધી અસર હેઠળ સીધા વિદેશી રોકાણના પ્રવાહ પર પડી શકે છે. તેમ જ અત્યારે જેમણે રોકાણ કર્યું છે તેઓ તેમનું રોકાણ પાછું ખેંચી લે તેવી પણ સંભાવના છે. ભારતમાં તેમના વેપારનું ફલક વિસ્તારવા માગતી બહુ રાષ્ટ્રીય કંપનીઓ પણ ભારતમાં રોકાણ કરતાં ખચકાશે તેવું જાણકારોનું કહેવું છે.