ઓવરફ્લો મેશ્વો ડેમનું પાણી ચેકડેમ પસાર કરતાં શામળાજીથી બહેચરપુરા ગામોના વાહન વ્યવહાર બંધ

શામળાજી, તા.૨૯

શામળાજીમાં આવેલો મેશ્વો ડેમ ઓવર ફ્લો થઈ ચુક્યો છે. તેવામાં ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડતા મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યું છે ડેમના ઓવર ફલોનું પાણી શામળાજીથી બહેચરપુરા ગામે જવાના રસ્તામાં બનાવાયેલ ચેકડેમ ઉપર થઈ પસાર થતા બંને ગામોના વાહન વ્યવહારને અસર થઈ હતી. પોલીસ દ્વારા આ રસ્તે લોકોની અવર જવર પણ બંધ કરાઈ હતી. ત્યારે આ ઓવરફ્લોના પાણીના કારણે શામળાજી રેફરલ હોસ્પિટલ તરફ જવા આવવા માટે દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વડાલી તાલુકામાં શનિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને મેઘરાજાએ ગણતરીના કલાકમાં 41 મી.મી.વરસાદ વરસાવી દીધો હતો. જેથી વરસાદી પાણી માર્ગોપર, શેરીઓમાં ધોધમાર વહેવા લાગ્યા હતા. જ્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ભિલોડાના લિલછા અને આજુબાજુના ગામડાંઓમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સતત ચાલુ રહેતા લીલછાની ઇન્દ્રશી નદીમાં ઘોડાપૂર આવતાં નદી બે કાંઠે વહેવા લાગી છે. ધનસુરા તાલુકાના વડાગામમાં સવાર થી ધોધમાર વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. વડાગામ પંથકમાં વરસાદ પડતાં સાંજના સમય નવરાત્રી તૈયારી ઓનો માઈ ચોકમાં આખરી ઓપ અપાયો હતો.

ભાદરવી અમાસ અને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ શનિવારે હિંમતનગરમાં વહેલી સવારે અને દિવસ દરમ્યાન ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહેતાં પલટાયેલા વાતાવરણમાં શહેરીજનોને ગરમીમાંથી ઘણી રાહત થઇ હતી.

 ધોધમાર વરસાદથી ભિલોડાની નદીઓ બે કાંઠે

ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ભિલોડા મામલતદાર ઈ.ચા. સંજયભાઈ પટેલ, નાયબ મામલતદાર એસ.એન. ભગોરા અને પૂર્વ સરપંચ સહિત આગેવાનોએ વિવિધ સ્થળોએ સ્થળ નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા ભિલોડા પાસેથી પસાર થતી હાથમતી નદી અને બુઢેલી નદી બે કાંઠે વહેતા વધામણા કર્યા હતા. ભિલોડાની શાંતિનગર, ગોવિંદનગર, શ્રીનાથ સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.