31 માર્ચ 2019ના રોજ ડૉ. મયુર ત્રિવેદી મૈત્રેય રાજપ્રિયે અમદાવાદ નજીક નળસરોવરના કાંઠામાં પડાવ નાખીને કંતાનના ઝુંપડામાં રહેતા કચ્છના માલધારીની મુલાકાત લીધી હતી. તેમને મદદ કરવા માટે અપીલ કરી હતી. જેમાં સારો એવો ફાળો લોકોએ મોકલી આપ્યો હતો. 40થી 42 પરિવારોના 350 સભ્યોને મદદ મળી હતી. ભંડોળ અને પ્રયત્નો સીમિત હતા, પણ સમસ્યા ખુબ મોટી છે.
હજુ નળસરોવર અને માલવણ પાસેના માલધારીઓના મદદની માંગણી કરતા ફોન આવે છે. વધારે મદદ પહોચાડવા માટે વધારે સાધન, સામગ્રી, અને નાણાની સાથે સાથે સ્થાનિક લોકોના સહયોગની જરૂર છે. જો વધારે લોકો આગળ આવીને વધારે માલધારીઓ સુધી પહોચવા માંગતા હોય તો અમે ચોક્કસથી સુચન-સલાહ રૂપે મદદરૂપ થઈશું જ. એમ ડૉ. મયુર ત્રિવેદી મૈત્રેય રાજપ્રિયે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે સુવિધાથી વંચિત એવા આ લોકોને ખાવાપીવાની સાધન સામગ્રી, બાળકોને પહેરવાના કપડા અને રમવાના રમકડા, મચ્છરદાની, ઓઢવા પાથરવાની વસ્તુઓ અને ગરમીથી બચવા માટેના ઉપાયોની તાતી જરૂર છે, એવી વાત અમે અમારા પરિચિતો સુધી પહોચાડી. અમને આ અપીલનો ધાર્યા કરતા ઘણો વિશેષ પ્રતિભાવ મળ્યો એ માટે અમે આપ સૌના ખુબ ખુબ આભારી છે. અમારી વાત સાંભળી-સમજીને અમારામાં વિશ્વાસ રાખીને સખાવત આપી એ વાતનો આનંદ તો ખરો, પણ આપણે સૌ સાથે મળીને આશરૅ 40થી 42 કુટુંબના આશરૅ 350 આબાલ-વૃદ્ધોના જીવનમાં અણીના સમયે ખુબ મહત્વની મદદ પહોચાડી શક્યા એનો ખરેખરો રાજીપો થાય છે.
અમારી અપીલને મિત્રો-સગાવ્હાલાઓ અને જાણીતા-અજાણ્યા હિતેછુઓએ કઈ-કેટલા લોકો સુધી પહોચાડી અને તેથી એક અઠવાડિયામાં જ અમને લગભગ દસેક જણાએ ભેગા થઈને 400 કિલો સાધન-સામગ્રીઓ, અને બત્રીસ દાતાઓએ કુલ રૂ.97 હજાર જેટલી રોકડ નાણાકીય સહાય પહોચાડી છે. કોઈએ આસામથી રૂ.200, કોઈએ અમેરિકા ને કેનેડાથી રૂ.200-5000 મોકલાવ્યા તો કોઈ અમદાવાદના દાતાએ રૂ.10થી 25 હજાર આપ્યા હતાં. કોઈ દાતાઓએ ખાદ્ય સામગ્રી ખરીદીને મોકલાવ્યા, કોઈએ જુના કપડાં આપ્યા હતા. તો એક મેડીકલ સ્ટોરવાળાએ ORS અને ગ્લુકોઝ પહોચાડ્યા હતાં. એક NGOએ વાહનની સુવિધા આપી તો અમદાવાદ ભેગી થયેલી અને ખરીદેલી વસ્તુઓ નળસરોવર પાસેના બીજા NGO સુધી પહોચાડી હતી.
ભેગા થયેલા નાણાના ઉપયોગથી આપણે 40-42 પરિવારોને કુટુંબ દીઠ ઘઉંનો લૉટ, અનાજ, તેલ, કરિયાણું, કઠોળ, મસાલો, લસણ, ગોળ, ખાંડ જેવી ખાદ્યસામગ્રીના કોથળા, અને એક ગેલ્વેનાઇઝડ પતરાની બૅગ ખરીદી. આ વસ્તુઓ બે રવિવારે જઈને માલધારીઓ સુધી પહોચાડી હતી. જે સુમેળભેર વહેચણી કરી. એમાં વચ્ચે કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખુલ્લામાં રહેતાં માલધારીઓના ઝુંપડાઓને નુકસાન થયું હતું. એટલે, વધેલા રૂપિયાથી 35 તાડપત્રી ખરીદીને પરિવારોને પહોચાડી હતી. એ ઉપરાંત, અમદાવાદ જીલ્લાના આરોગ્યખાતાના અધિકારીની મદદથી માલધારીઓને દવા અને મચ્છરદાનીઓ પહોચાડવામાં મદદ મળી. આમ, ધાર્યું કામ પર પડ્યું છે, એમ કહી શકાય.
તેમણે કહ્યું કે આ કાર્યમાં પ્રતિષ્ઠિત સંસ્થા ‘ગણતર’ની અણીયાળી કેમ્પસના મકાનનૉ ઉપયૉગ થયો, અને વસ્તુઓના વિતરણ માટે ત્યાના સમાજસેવાનૅ સમર્પિત બાહોશ સ્વયંસેવકોની મદદ મળી. ગણતર સંસ્થાના સુખદેવભાઈ પટેલ અને નિરૂપાબહેને પ્રેરણા આપી હતી. ‘દાદા-દાદીનો ઓટલો’ અભિયાનમાં જોડાએલા સેવાભાવી મિત્રો, ‘જીવનતીર્થ’ સંસ્થાના કાર્યકરો, IIPH ગાંધીનગરના વિદ્યાર્થીઓ, કુમાંરખાણ PHC અને વિરમગામ તાલુકાના આરોગ્ય ખાતાના અધિકારીઓ, ‘ઢીંગલીઘર’ સંસ્થાના સ્નૅહી-વાલીમિત્રો, અમારા અંગત મિત્રો અને કુટુંબીજનોએ ખૂબ રસપૂર્વક ભાગ લીધો હતો. ડો. મયુર ત્રિવેદી (૯૦૯૯૧૪૮૧૭૭) મૈત્રૅય રાજપ્રિય (૯૯૭૮૫૩૧૩૭૦)નો સંપર્ક નંબર.