કચ્છના દરિયાઈ વિસ્તારમાં ફ્લોટિંગ ચેક પોસ્ટ અનિવાર્ય

ભુજ,તા.25
કચ્છના દરિયાઈ સીમાવર્તી વિસ્તારમાં પડોશી દેશ દ્વારા અવારનવાર છમકલાઓ થતાં જ રહે છે. અહીંથી કેટલીયે વખત શસ્ત્રો અને માદક પદાર્થો દેશમાં ઘૂસાડવમાં આવ્યા છે. વળી, અહીં જખૌનો દરિયાઈ વિસ્તાર માછીમારી માટે શ્રેષ્ઠ છે. તેથી રાજ્યના કેટલાય જિલ્લાઓમાંથી માછીમારો દરિયો ખેડવા અહીં આવે છે. દર સિઝનમાં અંદાજે ૧૫૦૦ જેટલી બોટ માછીમારી માટે દરિયામાં ફરતી રહે છે. તેમને ટોકન ફાળવવાથી લઈ તેમના ખલાસીઓના આવાગમન સંબંધે ફિશરિઝ વિભાગ દ્વારા કામગીરી થાય છે.

જાકે, જે કામગીરી થઈ રહી છે તે પૂરતી નથી, એમ કહેવાતું હોવાથી ખુદ ફિશરિઝ વિભાગે ફ્લોટિંગ ચેક પોસ્ટની આવશ્યકતા અંગે માગ કરી હતી. ગુજરાતના ૧૬૦૦ કિ.મીના દરિયાઈ વિસ્તારનો ચોથો ભાગ કચ્છ ધરાવે છે. અહીં ૪૦૦ કિ.મી.નો દરિયાઈ વિસ્તાર છે, જે પાકિસ્તાન સાથે સીમા ધરાવે છે. અહીંના ૧૮ નાના મોટા બંદરેથી માછીમારી માટે બોટ રવાના થાય છે. એક માત્ર કોટેશ્ર્વરમાં જ રવાના થતી બોટના ખલાસીઓની ચકાસણી ફિશરિઝ બાર્ડના ગાર્ડ ઉપરાંત મરીન પોલીસ અને બીએસફ દ્વારા કરવામાં આવે છે. દેશના અન્ય દરિયાઈ વિસ્તારો જે અન્ય દેશો સાથે સીમા ધરાવે છે તેવા આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં ફ્લોટિંગ ચેક પોસ્ટો શરૂ કરાયા પછી થતી દેશ વિરોધી હિલચાલ કાબૂમાં આવી છે.