કચ્છની સરહદે ચીનનું લશ્કર કોરીડોરમાં ગોઠવી દેવાયું

ગુજરાતના કચ્છની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા ચીનનું લશ્કર ખડકી મૂકી દેવામાં આવ્યું છે. ગુજરાતથી  90 કિલોમીટર દૂર સામે પાર પાકિસ્તાનમાં ચીને તેના લશ્કરી જવાનો તૈનાત કર્યાં છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ ચીને સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં થાર વિસ્તારમાં આવેલી કોલસાની ખાણની સુરક્ષા માટે પીપલ્સ લીબરેશન આર્મીના જવાનો તૈનાત કર્યાં છે. આ ખાણ આંતરરાષ્ટ્રીય સીમાથી 90 કિલોમીટર દૂર આવેલી છે.

14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલા થયા હતા, તેમાં 40 જવાન શહીદ થયા હતા. જૈશ-એ-મોહમ્મદ હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધ્યો છે. 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય લડાકુ વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓ પર કાર્યવાહી કરી હતી.

ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) અંતર્ગત સિંધ અને બલુચિસ્તાનમાં ચીનના અનેક પ્રોજેક્ટ ચાલે છે. આ પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. જે સંદર્ભે ચીને તેના પ્રોજેક્ટની સુરક્ષાના હેતુથી તેનું લશ્કર તૈનાત કર્યું છે. સરહદે ચીની દળોની થઈ રહેલી હેરાફેરી ભારતના બોર્ડર સિક્યોરીટી ફૉર્સના ધ્યાને આવી છે.

ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર 3 હજાર કિલોમીટર લાંબો છે. CPECની સુરક્ષા માટે બંને દેશના મળી કુલ 17 હજાર આર્મી જવાનો તૈનાત કરાયાં છે, જેમાંથી 4 હજાર જવાનો પાકિસ્તાનના સ્પેશિયલ ફોર્સના છે. જો કે, પાકિસ્તાની લશ્કર પર ભરોસો ના હોઈ ચીને તેના કર્મચારીઓની સુરક્ષા માટે PLAના જવાનો તૈનાત કર્યાં હોય તેમ જણાય છે.

ત્રાસવાદી કેમ્પ પણ છે

ચીનની પીઠ પાછળ લશ્કરના આતંકવાદીઓને આ પ્રોજેક્ટમાં કામ કરવા માટે ભરતી કરી રહ્યું છે. લાહોરમાં મરકજ-અલ કદેસિયામાં સ્થિત લશ્કર હેડ ક્વાર્ટરમાં પાકિસ્તાની એન્જીનિયરની બેચને હવે મેનેજમેન્ટ કોર્સ કરાવવામાં આવી રહ્યો છે. લશ્કરનો આતંકી અને મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ અબ્દુલ રહમાન મક્કીને મેનેજમેન્ટ કોર્સ કરાવાની જવાબદારી સોંપવામાં આવી છે. લશ્કરના સેન્ટર એબોટાબાદમાં તેમને રાખવામાં આવે છે. જ્યાં શારીરિક તાલિમ  આપવામાં આવે છે. આ એન્જીનિયરોને ચીનની મદદ માટે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર નોકરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સીવાય આ પ્રોજેક્ટ પર નોકરી કરીને આ એન્જીનિયરોને જે પગાર મળશે તેનો અડધો ભાગ આતંકવાદી સંગઠનને દાનમાં આપવાનો રહશે.

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસ ચીન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લશ્કર દ્વારા આ પ્રોજેક્ટ પર 300થી પણ વધારે આતંકવાદીઓને કામ પર લગાડવામાં આવ્યા છે. ભારતમાં 46 જવાનોના મોત થયા અને આરડીએક્સ ભારતમાં લાવવામાં આવ્યું તે અંગે ભાજપની મોદી સરકાર પાસે કોઈ માહિતી ન હતી. માહિતી હતી તો પગલાં લીધા ન હતા અને ભારતે જવાનો ગુમવવા પડ્યા છે. હવે નવી હીલચાલ કચ્છ સરહદ પર થઈ રહી છે.

પાકિસ્તાન કરતાં ભારત બળવાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 વખત યુધ્ધ થયું છે, દરેક વખતે પાકિસ્તાન પરાજિત થયું છે. ભૂમિદળમાં સૈનિકોની સંખ્યા પાકિસ્તાનના કરતાં ઘણી વધારે છે. ભારતીય સેના પાસે સુપર સોનિ્ક ક્રુઝ મિસાઈલ, બ્રહ્મોસ, અગ્નિ, પૃથ્વી, આકાશ અને નાગ નામ ધરાવતી આધુનિક મિસાઈલો છે. અગ્નિ-5 ભારતની સૌથી આધુનિક અને પાવરફુલ મિસાઈલ છે. તેની ક્ષમતા 5,000 કિ.મી.ની છે. પાકિસ્તાન પાસે શાહીન, ગજનવી, બાબર જેવી મિસાઈલો છે. ભારતીય એરફોર્સ વિશ્વનું સૌથી મોટું ચોથું એરફોર્સ છે. સમગ્ર પાકિસ્તાનના વિસ્તારને ઘેરી શકે તેમ છે. ભારત પાસે મોટી સંખ્યામાં યુધ્ધ વિમાનો, સુખોઈ-એમ-30, મિગ-29, મિગ-27, મિગ-21 , મિરાજ અને જેગુઆર જેવા આધુનિક વિમાનોનો સમાવેશ થાય છે.

2008માં મુંબઈ હુમલામાં ચીન ભારત સાથે હતું

26 નવેમ્બર 2008માં કચ્છના અખાતમાં ગુજરાતના વેરાવળની બોટનો ઉપયોગ કરીને પાકિસ્તાન 18 ત્રાસવાદીઓ મુંબઈ સુધી પહોંચી જઈને આતંકવાદી હુમલો કરી 166 લોકોને મારી નાખ્યાં હતા તેને ચીને સૌથી ખતરનાક હુમલામાંથી એક ગણાવ્યો છે.  મુંબઇમાં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા એ 2008ની સાલમાં મુંબઇમાં જે હુમલો કર્યો હત, તે અત્યાર સુધીના સૌથી કુખ્યાત હુમલામાંથી એક છે. એવું ચીને જાહેર કરીને ભારતને ટેકો આપ્યો હતો.

1962નું ચીન સાથે યુદ્ધ

હિમાલયની વિવાદિત સરહદના કારણે 1962માં ભારત અને ચીન વચ્ચે 14 હજાર ફૂટ ઉંચે રણ પ્રદેશના  પર્વત પર યુદ્ધ લડાયું હતું. ભારતે દલાઇ લામાને આશ્રય આપ્યો તે સમયે 1959ના તિબેટના બળવા બાદ સરહદ પર શ્રેણીબદ્ધ હિંસક બનાવો બન્યા હતા. લડાખ અને મેકમોહન લાઇન પર ચીને હુમલાઓ શરૂ કર્યાં હતા. બન્ને મોરચે ચીનના દળોએ ભારતીય સૈન્ય પર જીત મેળવી અને પશ્ચિમી મોરચે ચાઉશુલમાં રેઝાન્ગ લાને, તેમજ પૂર્વીય મોરચે તવાન્ગને કબ્જે કર્યું. 20 નવેમ્બર 1962ના રોજ ચીને યુદ્ધવિરામ જાહેર કરતા આ યુદ્ધનો અંત આવ્યો હતો. ભારત વિવાદિત ક્ષેત્રમાંથી ખસી ગયું હતું. સરહદ પર સંખ્યાબંધ વિવાદિત ક્ષેત્રો આવેલા છે. બન્ને પક્ષના ઘણાં સૈનિકો થિજાવી દેતી ઠંડીમાં મૃત્યુ પામ્યાં હતા. યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને સૈન્ય સહાય આપી હતી. અમેરિકાએ ભારતને આપેલી સૈન્ય સહાયનું પ્રમાણ અને ગુણવત્તા મર્યાદિત હતાં, પરંતુ ભારતની સુરક્ષા માટે તેનું મોટું મહત્વ હતું કેમ કે તેનાથી એ જોવા મળ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ભારતના પક્ષે હતું અને તે રીતે ભારત વિરુદ્ધનું આક્રમણ રોકવાનો ચીનને એક સંકેત હતો. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે અન્ય સંખ્યાબંધ રીતે, સૈન્ય અને રાજનૈતિક રીતે-બન્ને, ચીન વિરુદ્ધ જોડાણ કર્યું હતું.